Tue Jun 23 2026

Logo

2024માં મહારાષ્ટ્રમાં 47,954 મહિલા અત્યાચારના ગુના નોંધાયા: દેશમાં બીજા નંબરે સૌથી વધુ

2026-06-23 19:19:01
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં 2024માં 47,954 મહિલા અત્યાચારના ગુના નોંધાયા હોવાની માહિતી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં મંગળવારે આપી હતી. અહીં ઉલ્લેખનીય છે કે આ સંખ્યા દેશમાં બીજા નંબરે સૌથી વધુ હતી. ફડણવીસે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 2025માં 8,643 બળાત્કારના ગુના નોંધાયા હતા, જે અગાઉના વર્ષ કરતાં 703 વધુ હતા. જ્યારે બાળકો વિરુદ્ધના ગુનામાં 482નો વધારો નોંધાયો છે. 

નેશનલ ક્રાઈમ રેકોડર્સ બ્યૂરો (એનસીઆરબી), આર્થિક સર્વેક્ષણ 2025-26 અને વિમેન એન્ડ ચાઈલ્ડ ક્રાઈમ પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટના અહેવાલોને ટાંકતા ગૃહ ખાતાનો હવાલો સંભાળતા ફડણવીસે કહ્યું હતું કે દરાજ્યમાં 2024માં મહિલા વિરુદ્ધ અત્યાચારના 47,954 ગુના નોંધાયા હતા અને તે દેશમાં બીજા નંબરે સૌથી વધુ હતા. ફડણવીસે કહ્યું હતું કે સરકારે મહિલા અને બાળકો વિરુદ્ધ અત્યાચારના ગુના રોકવા માટે કેટલાક પગલાં લીધા છે જેમાં અલગ વિમેન એન્ડ ચાઈલ્ડ ક્રાઈમ પ્રિવેન્શ ડિપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે, જેને એડિશનલ ડીજીપી રેન્કના અધિકારી સંભાળે છે. 

પોલીસ કમિશનરો અને સુપરિન્ટેન્ડેન્ટના નેતૃત્વ હેઠળ અલગ વિશેષ તપાસ ટીમ ગઠિત કરવામાં આવી છે. પિડિતોને ટેકો આપવા માટે 51 ભરોસા સેલ ગઠિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે મહિલાઓ હેલ્પલાઈન નંબર 103 અને 1091 પર અને બાળકો હેલ્પલાઈન નંબર 1098 પર તેમ જ ઈમરજન્સી નંબર 112 પરથી મદદ મેળવી શકે છે. 124 કાઉન્સેલિંગ સેન્ટર ચાલુ છે અને મનોધૈર્ય યોજના હેઠળ જાતીય સતામણી અને એસિડ હુમલાના પિડિતોને આર્થિક અને કાનૂની સહાય આપવામાં આવે છે.