(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના પ્રત્યેક ખૂણાઓ સુધી દોડનારી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસને હવે અત્યાધુનિક ટેક્નોલોજીનું બળ મળવાનું છે. આંતકવાદ અને અસામાજિક તત્વોનો વિચાર કરીને મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશને મહત્વાકાંક્ષી ‘નવો સીસીટીવી પ્રોેજેક્ટ’ હાથ લીધો છે. આ પ્રોજેક્ટના માધ્યમથી એસટીના બસ સ્ટોપથી ડિવિઝનલ ઓફિસ સુધી તમામ મહત્ત્વના ઠેકાણે ‘ડિજિટલી’ નજર રખાશે. એટલે કે ‘સીસીટીવી કેમેરા’થી નજર રખાશે.
પ્રવાસીઓની સુરક્ષા માટે મહારાષ્ટ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે લગભગ ૧૧૧ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરી આપ્યું છે. આ ભંડોળની મદદથી એસટીના બસ સ્ટોપ, ડેપો, સ્ટેટ ડેપોની રાજ્યમાં જુદા જુદા સ્થળે આવેલી ઓફિસ સહિત એસટીની વર્કશોપ જેવા સંવેદનશીલ સ્થળો પર સીસીટીવીથી નજર રખાશે.
રાજ્યમાં એસટીના કુલ ૬૩૩ ઠેકાણે લગભગ ૭,૦૩૫ સીસીટીવી કેમેરા બેસાડવામાં આવશે, તેને કારણે એસટીની દરેક હિલચાલ પર સતત ડિજિટલી નજર રાખી શકાશે. આ પ્રોજેક્ટ માટે ઈ-ટેન્ડર કાઢીને ખાનગી કંપનીને કામ સોંપવામાં આવ્યું છે.
પ્રાયોગિક ધોરણે પહેલા તબક્કામાં મુંબઈ, થાણે, રાયગડ અને પાલધર વિભાગમાં ૬૪ મહત્ત્વના સ્થળ પર સીસીટીવી સિસ્ટમ સફળતાપૂર્વક બેસાડી દેવામાં આવી છે. બાકીના ૨૭ જગ્યાએ આગામી દિવસોમાં સીસીટીવી બેસાડવામાં આવશે.