મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબીએમજેએવાય) અને મહાત્મા જ્યોતિરાવ ફુલે જન આરોગ્ય યોજના (એમજેપીજેએવાય) હેઠળ વર્ષ 2024થી 2026 દરમિયાન 15,407 શંકાસ્પદ આરોગ્ય વીમા ક્લેમ્સ કરાયા હોવાની ચોંકાવનારી બાબત બહાર આવ્યા બાદ સફાળી જાગેલી મહારાષ્ટ્ર સરકારે તેની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરી છે. ગઈકાલે જાહેર કરાયેલા સરકારી ઠરાવ મુજબ રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં ગેરરીતિઓની આશંકા વ્યક્ત થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં 10 જુલાઈએ યોજાયેલી સમીક્ષા બેઠક બાદ આ બાબતની તપાસ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ અગાઉ જિલ્લા સિવિલ સર્જન અને જિલ્લા આરોગ્ય અધિકારીઓને તમામ 15,407 કેસમાં લાભાર્થીઓની સ્થળ પર જઈને ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે નાશિક વિભાગીય કમિશનર પ્રવીણ ગેડમના નેતૃત્વમાં એસઆઈટી આ સમગ્ર મામલાની તપાસ કરશે.
એસઆઈટી નકલી અથવા તબીબી રીતે બિનજરૂરી ક્લેમ, સારવારના ખર્ચમાં કૃત્રિમ વધારો, હોસ્પિટલોના એમ્પેનલમેન્ટ અને તેના રિન્યુઅલમાં થયેલી ગેરરીતિઓ, દર્દીઓના રજિસ્ટ્રેશન દરમિયાન બિનઅધિકૃત વ્યક્તિઓ અથવા વચેટિયાઓની સંડોવણી, એક જ મોબાઇલ નંબર અથવા ઓળખપત્ર પરથી થયેલા બહુવિધ રજિસ્ટ્રેશન તેમ જ જિલ્લા સંયોજકો, થર્ડ પાર્ટી એજન્સીઓ અને અન્ય સંબંધિત પક્ષોની ભૂમિકાની તપાસ કરશે.
ઉપરાંત યોજનાઓમાં ક્લેમ મંજૂરી અને દેખરેખની પ્રક્રિયામાં રહેલી ખામીઓ ઓળખીને તેને વધુ પારદર્શક અને મજબૂત બનાવવા માટે ભલામણો પણ કરશે. એસઆઈટી ને 30 દિવસમાં પોતાનો અહેવાલ સરકારને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 2024થી 2026 વચ્ચે લગભગ 15,407 શંકાસ્પદ આરોગ્ય વીમા ક્લેમ કરાયા હોવાની માહિતી સામે આવ્યા બાદ આ પ્રકારની યોજનાઓ દ્વારા ખરેખર જરૂરિયાતમંદ હોય તેવા લાભાર્થીઓને જ મળે અને તેઓ આ લાભથી વંચિત ન રહે તે માટે આ બાબતની તપાસ હવે કરાઈ રહી છે અને જો કોઈએ આ પ્રકારના ખોટા ક્લેમ માત્ર સરકાર પાસેથી પૈસા ખંખેરવા કર્યા હશે તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.