Sat Sep 12 2026

Logo

પીએમ મોદી અને શરદ પવાર જૂથના સાંસદો વચ્ચે સિક્રેટ મુલાકાત: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો

2026-08-10 17:35:51
Author: Mumbai Samachar Team
પીએમ મોદી અને શરદ પવાર જૂથના સાંસદો વચ્ચે સિક્રેટ મુલાકાત: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો

મુંબઈ/નવી દિલ્હી:  મહારાષ્ટ્રના રાજકીય વર્તુળમાં ફરી એકવાર નવી અટકળોએ જોર પકડ્યું છે. એનસીપી (શરદ પવાર જૂથ)ના તમામ આઠ લોકસભાના સાંસદોએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સુપ્રિયા સુળેના નેતૃત્વમાં થયેલી આ મુલાકાત દરમિયાન સાંસદોએ મહારાષ્ટ્ર સાથે જોડાયેલા વિવિધ વિકાસલક્ષી અને પોતાના મતવિસ્તારના મહત્વપૂર્ણ મુદ્દાઓ વડા પ્રધાન સમક્ષ રજૂ કર્યા હતા. વડા પ્રધાન મોદી સાથે સાંસદોની આશરે 15થી 20 મિનિટ સુધી બેઠક ચાલી હોવાનું જાણવા મળે છે. જોકે રાજનીતિમાં આ મુલાકાત પાછળ કોઈ નવી ખીચડી રંધાઈ હોવાની વાતોએ જોર પકડયું છે, જેને લઈ કદાચ ગઠબંધનમાં ગાબડું પાડી શકે છે.

અનેક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી
વડા પ્રધાન સાથે મુલાકાત દરમિયાન પાણી, સિંચાઈ, ખેડૂતો અને સ્થાનિક વિકાસ સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બીડના સાંસદ બજરંગ સોનાવણેએ સોલાપુરના ઉજની ડેમમાંથી બીડ જિલ્લાને પાણી ઉપલબ્ધ કરાવવાની માગણી કરી હતી. શિરુરના સાંસદ અમોલ કોળેએ નાશિક-પુણે રેલવે લાઇન સાથે જોડાયેલા મુદ્દા અંગે વડા પ્રધાનનું ધ્યાન દોર્યું હતું. જ્યારે ભિવંડીના સાંસદ બાલુ મામા મ્હાત્રેએ નવી મુંબઈ એરપોર્ટનું નામ ભૂમિપુત્ર દિ. બા. પાટીલના નામ પર રાખવાની માગણી કરી હતી. આ ઉપરાંત ખેડૂતો સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો અંગે પણ વડા પ્રધાન સાથે ચર્ચા કરવામાં આવી હતી.

શરદ પવાર જૂથ અને ભાજપ વચ્ચે કોઈ નવા રાજકીય સમીકરણ 
શરદ પવાર જૂથના તમામ આઠ સાંસદોની વડા પ્રધાન સાથેની એકસાથે થયેલી મુલાકાતને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. શરદ પવાર જૂથ ઈન્ડિ ગઠબંધનનો મહત્વપૂર્ણ ભાગ છે અને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સાથે પણ જોડાયેલું છે. આવી સ્થિતિમાં પવાર જૂથના સાંસદોની વડા પ્રધાન સાથેની મુલાકાતને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 

રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો ચાલી રહી છે કે શું શરદ પવાર જૂથ અને ભાજપ વચ્ચે કોઈ નવા રાજકીય સમીકરણની શક્યતા ઊભી થઈ રહી છે. જોકે, આ અંગે એનસીપી (શરદ પવાર) તરફથી કોઈ સત્તાવાર સંકેત આપવામાં આવ્યો નથી.

લાભ મહારાષ્ટ્ર અને સાંસદોના મતવિસ્તારોને મળે એ જરુરી
ભાજપ નેતા નવનીત રાણાએ પણ આ મુલાકાત અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જો શરદ પવાર જૂથના સાંસદો મહારાષ્ટ્રના વિકાસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી રહ્યા હોય તો તેમાં કશું ખોટું નથી. તેમના જણાવ્યા મુજબ, જો આ મુલાકાતનો હેતુ મહારાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ સાથે જોડાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો હોય તો તે સકારાત્મક બાબત છે. તેમણે એવી પણ ટિપ્પણી કરી કે આ મુલાકાતને લઈને અનેક પ્રકારના કયાસ લગાવી શકાય છે, પરંતુ જો તેનો લાભ મહારાષ્ટ્ર અને સાંસદોના મતવિસ્તારોને મળે તો તે સારી વાત હશે.

આ મુલાકાત બાદ પરિસીમન બિલને લઈને પણ રાજકીય ચર્ચાએ વેગ પકડ્યો છે. રાજકીય વર્તુળોમાં એવી અટકળો પણ છે કે એનસીપી (શરદ પવાર) જૂથના આઠ સાંસદો પરિસીમન બિલ અંગે મોદી સરકારને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપી શકે છે. જોકે, પાર્ટી તરફથી આ અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી હાલ આ મુદ્દો માત્ર રાજકીય અટકળો પૂરતો જ મર્યાદિત છે.

મતવિસ્તારોના મહત્વપૂર્ણ મુદ્દાઓ વડા પ્રધાન સમક્ષ રજૂ કર્યા 
સુપ્રિયા સુળેએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે વડા પ્રધાન સાથેની મુલાકાતનો મુખ્ય હેતુ મહારાષ્ટ્રના વિકાસ સાથે જોડાયેલા પ્રશ્નો રજૂ કરવાનો હતો. તેમના જણાવ્યા મુજબ, સાંસદોએ પોતાના મતવિસ્તારોના મહત્વપૂર્ણ મુદ્દાઓ વડા પ્રધાન સમક્ષ રજૂ કર્યા હતા.સુળેએ એમ પણ જણાવ્યું છે કે તેમની પાર્ટી એફસીઆરએ બિલનો વિરોધ કરશે. આથી વડા પ્રધાન સાથે વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવા છતાં નૈતિક રીતે અને રાજકીય મુદ્દાઓ પર પાર્ટીનું વલણ યથાવત્ રહેશે તેવો સંકેત મળ્યો છે.

મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાએ વધુ જોર પકડયું 
શરદ પવાર અને સુપ્રિયા સુળેએ  અગાઉ 22 જુલાઈએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. હવે એનસીપી (શરદ પવાર)ના તમામ આઠ સાંસદોની વડા પ્રધાન સાથેની મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાએ વધુ જોર પકડયું છે. જોકે, શરદ પવાર જૂથ અને ભાજપ વચ્ચે કોઈ નવા રાજકીય ગઠબંધન અથવા સમીકરણ અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. તેથી હાલ આ મુલાકાતને મહારાષ્ટ્રના વિકાસ અને સાંસદોના મતવિસ્તારોના પ્રશ્નો વડા પ્રધાન સમક્ષ રજૂ કરવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે. આમ છતાં જો શરદ પવારનું જૂથ ભાજપમાં ભળે છે તો એકસાથે બે પક્ષી મરશે, જેમાં મહારાષ્ટ્રમાં એમવીએ (મહાવિકાસ આઘાડી) અને રાષ્ટ્રીયસ્તરે ઈન્ડિ (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ) એલાયન્સ/ગઠબંધનમાં પણ ગાબડું પડી શકે, એમ વર્તુળોએ જણાવ્યું હતું.