Wed Jul 22 2026

Logo

મહારાષ્ટ્રમાં શિવશાહી એસી બસો થશે બંધ: એસટી નિગમનો મોટો નિર્ણય

2026-02-25 20:31:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમે શિવશાહી બસો અંગે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં શિવશાહી એસી બસો બંધ કરવાની શક્યતા છે. સતત ટેકનિકલ ખામીઓ અને મુસાફરો તરફથી ઘટતા પ્રતિભાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવી શકે છે, પરંતુ હજુ સુધી આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

મંડળની માલિકીની ૪૫૩ શિવશાહી બસોને સેમી-લક્ઝરી  અને સાદી બસોમાં રૂપાંતરિત કરવામાં આવશે. એસટીના કાફલામાં હાલમાં કુલ ૬૮૮ પોતાની માલિકીની શિવશાહી બસો છે, તેમાંથી ૪૫૩ બસ હાલ રસ્તા પર દોડી રહી છે. 

સરકારે સ્પષ્ટતા કરી છે કે આ બસોનું આયુષ્ય ૧૦ વર્ષથી વધુ નથી. વારંવાર થતી ટેકનિકલ ખામીઓ, ખાસ કરીને એર કન્ડીશનીંગ સિસ્ટમમાં પડતી મુશ્કેલીઓ અને જાળવણીના વધતા ખર્ચને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં બસ મોડી પડવી, એસી બંધ થઈ જવું અને મુસાફરી દરમિયાન થતી અસુવિધાઓ અંગે અનેક મુસાફરોએ ફરિયાદો કરી હતી. જેના કારણે મુસાફરો ધીરે ધીરે અન્ય વિકલ્પો તરફ વળવા લાગ્યા હતા. 
આ પૃષ્ઠભૂમિમાં, ખર્ચ ઘટાડવા અને સેવાઓને સુવ્યવસ્થિત રાખવાના ઉદ્દેશ્ય સાથે સરકારે શિવશાહી બસોનું રૂપાંતર કરવાનો નિર્ણય લીધો છે.