Thu Jul 23 2026

Logo

મેઘરાજા મહેરબાનઃ મુંબઈ-કોંકણમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ચોમાસુ સક્રિય; જાણો ક્યાં ક્યાં જાહેર થયું ઓરેન્જ અને યલો એલર્ટ!

2026-06-22 09:31:00
Author: Darshana Visaria
Article Image

મુંબઈઃ મોડા-મોડા અને લાંબા વિરામ બાદ આખરે મેઘરાજા આજે અઠવાડિયાના પહેલાં દિવસે મહારાષ્ટ્ર સહિત મુંબઈગરા પર મહેરબાન થયા છે. ચોમાસાનો વરસાદ ક્યારે આવશે? વરસાદ ક્યાં અટકી ગયો છે? આવા તમામ પ્રશ્નોના અંત સાથે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ભાગોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સોમવારે વહેલી સવારથી ઘાટકોપર, કુર્લા, વિદ્યાવિહાર, દાદર, સાયન, વરલીકોલીવાડા, માટુંગા, પરેલ, ફોર્ટ સહિતના વિસ્તારમાં મુશળધાર વરસાદ પડતાં મુંબઈગરાને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. 

રવિવારે મુંબઈ શહેર અને ઉપનગરોમાં વરસાદના હળવા ઝાપટાં પડ્યા બાદ, આજે અઠવાડિયાના પહેલાં દિવસની શરૂઆત જ કાળાડિબાંગ વાદળો, વીજળીના કડાકા-ભડાકા અને વાદળોના ગડગડાટ અને મેઘરાજાના આગમન સાથે થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં કોંકણ અને ઉત્તર મહારાષ્ટ્રમાં પણ વરસાદ ભારે હાજરી પુરાવશે. બીજી તરફ, વિદર્ભના કેટલાક જિલ્લાઓમાં ગરમીની સાથે વાવાઝોડા અને વરસાદનો માહોલ જોવા મળશે.

અઠવાડિયાના પહેલાં દિવસે જ મુંબઈ સહિત વિસ્તારોમાં વરસાદ પડતાં ઓફિસ જવા નીકળેલાં મુંબઈગરા પણ મેઘરાજાની સરપ્રાઈઝ એન્ટ્રીથી ચોંકી ઉઠ્યા હતા. મધ્ય રેલવે પર અપ-ડાઉન સ્લો લાઈન પર ટ્રેનો 10 મિનિટ મોડી પડતાં સ્ટેશન પરિસર અને ટ્રેનોમાં ભીડ જોવા મળી હતી. 

હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના જુદા જુદા ભાગો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  વિદર્ભના મુખ્ય વિસ્તાર જેવા કે નાગપુર, ગોંદિયા, ચંદ્રપુર અને ગઢચિરોલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વરસાદની શક્યતા હોવાથી અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મુંબઈ, ઠાણે, પાલઘર, રત્નાગિરી અને સિંધુદુર્ગમાં મધ્યમથી ભારે વરસાદની આશંકાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

રત્નાગિરી જિલ્લામાં પણ સોમવારે વહેલી સવારથી જ ચોમાસાની ધમાકેદાર હાજરી જોવા મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદમાં થયેલાં વિલંબને કારણે ખેડૂતો પર મોટું સંકટ આવી પડ્યું હતું. કડક તડકાને લીધે વાવણી કરેલા ડાંગરના મોલ બળી જવાની ભીતિ ખેડૂતોના મનમાં હતી. જોકે, આજના આ ધોધમાર વરસાદથી પાકને નવું જીવન મળ્યું છે અને ભૂમિપુત્ર હરખાઈ ગયો છે. હવામાન વિભાગે રત્નાગિરીમાં આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ આખું અઠવાડિયું રાજ્યમાં ચોમાસાની પ્રગતિ માટે ખૂબ સારું રહેશે. ચોમાસું હવે ઉત્તર કિનારા તરફ અને રાજ્યના આંતરિક ભાગો તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા 15 દિવસથી દક્ષિણ કોંકણમાં અટકેલું ચોમાસું હવે સિંધુદુર્ગ, રત્નાગિરી, કોલ્હાપુર, સાતારા, સાંગલી અને પુણે સુધી ફરી સક્રિય થઈ ગયું છે. જેના કારણે આગામી 48 કલાકમાં મહારાષ્ટ્ર ઉપરાંત તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહાર જેવા રાજ્યોમાં પણ વરસાદ આગળ વધશે.