Sun Sep 13 2026

Logo

મહારાષ્ટ્રમાં ગેસ કટોકટી: એલપીજીની અછત મુદ્દે વિપક્ષ આક્રમક, જયંત પાટીલે સરકાર પર સાધ્યું નિશાન...

2026-03-17 17:43:54
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં ગેસ કટોકટી: એલપીજીની અછત મુદ્દે વિપક્ષ આક્રમક, જયંત પાટીલે સરકાર પર સાધ્યું નિશાન...

મુંબઈ: વિધાનસભા અધ્યક્ષ (સ્પીકર)ના નિર્દેશો છતાં મહારાષ્ટ્ર સરકાર એલપીજી સિલિન્ડરોની વ્યાપક અછત અંગે ચર્ચા કરવા અને માહિતી શેર કરવા તૈયાર નથી એવો આરોપ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી - એસપી) વિધાનસભા પક્ષના નેતા જયંત પાટીલે આજે કર્યો હતો. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ગેસ કટોકટીને પહોંચી વળવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને મહાયુતિ સરકાર પર વિપક્ષ પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરી રહી છે.

વિધાનભવન પરિસરમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં પાટીલએ વધુમાં જણાવ્યું હતું કે 'સરકારે લોકોને અને તમામ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવા જોઈએ. એલપીજીની વ્યાપક અછત છે, દરેક જગ્યાએ લાંબી કતારો જોવા મળી રહી છે. 

આ પરિસ્થિતિ આવકાર્ય નથી અને મુખ્ય પ્રધાનએ અત્યાર સુધીમાં દરમિયાનગીરી કરવી જોઈતી હતી. સરકાર એલપીજી  પરિસ્થિતિ અંગે જાણકારી આપવા તૈયાર નથી અને વિધાનસભામાં આ મુદ્દા પર ચર્ચા કરવા પણ તૈયાર નથી.

આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલા ફેરફારના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે 'દેશમાં આવતા જહાજો વિશે ગાઈવગાડીને વાત કરવામાં આવે છે પણ હકીકતમાં આવા ઘણા પુરવઠાની દરરોજ જરૂર પડે છે. ઈરાન જેવા દેશો સાથેના તણાવપૂર્ણ સંબંધો પુરવઠાને અસર કરી રહ્યા છે.' 

ભારતીય એલપીજી કેરિયર્સ 'શિવાલિક' અને 'નંદા દેવી' હોર્મુઝ સામુદ્રધુની પસાર કર્યા પછી ગુજરાતના મુન્દ્રા અને વાડીનાર બંદરો પર સુરક્ષિત રીતે પહોંચી ગયા છે. (પીટીઆઈ)