Thu Jul 23 2026

Logo

બધી બેઠકો પર ચૂંટણી લડશે; બે દિવસમાં વિધાન પરિષદ માટે ‘એમવીએ’ની બેઠકોની ફાળવણી

2026-05-28 17:36:53
Author: Vipul Vaidya
Article Image

તિલક ભવનમાં મહાવિકાસ આઘાડીના નેતાઓની બેઠક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહાવિકાસ આઘાડી (એમવીએ)એ વિધાન પરિષદની 17 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા મતવિસ્તારો માટેની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે અને તે મુજબ ગઠબંધનમાં બેઠકોની ફાળવણીને આગામી બે દિવસમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આધાડી વિધાન પરિષદની બધી બેઠકો પર ચૂંટણી લડશે, તેથી ચૂંટણીમાં મહાયુતિ વિરુદ્ધ મહાવિકાસ આઘાડીનો મુકાબલો ફરી જોવા મળશે. 

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાલ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના પ્રદેશ પ્રમુખ શશિકાંત શિંદે, સાંસદ સુપ્રિયા સુળે, શિવસેનાના નેતાઓ વિધાનસભ્યો અનિલ પરબ, અંબાદાસ દાનવે, મિલિંદ નાર્વેકર આ બેઠકમાં હાજર રહ્યા હતા. 

બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા સપકાળે કહ્યું હતું કે, ‘મહાવિકાસ આઘાડી તમામ 17 બેઠકો પર ચૂંટણી લડશે જેમાં વિધાન પરિષદ માટે ચૂંટાતી 16 બેઠકો અને નાગપુર પેટાચૂંટણીનો સમાવેશ થાય છે. આ માટે, બેઠકોની વહેંચણી અંગેની પ્રાથમિક ચર્ચા મૈત્રીપૂર્ણ વાતાવરણમાં થઈ હતી. અમે બે દિવસમાં બીજી બેઠક યોજીશું અને સર્વસંમતિથી બેઠકોની વહેંચણીનો નિર્ણય જાહેર કરીશું.’

‘ભાજપ લોકશાહીમાં માનતો નથી, તેમણે ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગ શરૂ કર્યું છે. ‘પૈસા ફેક્, તમાશા દેખ’નું બીજું સંસ્કરણ શરૂ થયું છે અને કોર્પોરેટરોને અગાઉથી પાંચ લાખ રૂપિયા આપીને કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, મહાવિકાસ આઘાડી લોકશાહી અને બંધારણના રક્ષણ માટે સાથે મળીને વિધાન પરિષદની ચૂંટણી લડશે,’ એમ પણ સપકાળે કહ્યું હતું. ‘બેઠકોની વહેંચણીને લઈને ગઠબંધનમાં કોઈ મતભેદ કે તણાવ નથી, પરંતુ સંવાદિતા છે. બીજી તરફ, ‘ટ્રિપલ એન્જિન ગેંગ’ સરકારમાં બેઠકોની વહેંચણીને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે,’ એમ તેમણે કહ્યું હતું. 

ગઢચિરોલીમાં કોંગ્રેસમાં વિવાદ

ગઢચિરોલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂકને લઈને કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે સામે આવ્યો છે. દસ તાલુકા પ્રમુખો સહિત સેંકડો પદાધિકારીઓએ મુંબઈમાં પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાળને મળ્યા અને પોતાના સામૂહિક રાજીનામા સુપરત કર્યા હતા. નવા જિલ્લા પ્રમુખ વિશ્ર્વજીત કોવાસેના ઉદ્ઘાટન સમારોહના એક દિવસ પછી જ જિલ્લા કોંગ્રેસમાં જૂથવાદ સામે આવ્યો છે.

જ્યાં તાકાત છે, ત્યાં તેને પ્રાથમિકતા 

વિધાન પરિષદમાં બેઠકોની વહેંચણી અંગેની પ્રાથમિક ચર્ચા મુજબ, કોંગ્રેસ મહત્તમ સાતથી આઠ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખે તેવી શક્યતા છે. એવી આગાહી કરવામાં આવી રહી છે કે શિવસેના (યુબીટી) પાંચથી છ બેઠકો પર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી-એસપી) ત્રણથી ચાર બેઠકો પર ચૂંટણી લડશે. જોકે બેઠકોની વહેંચણી માટેનો ફોમ્ર્યુલા હજુ સુધી નક્કી થયો નથી, પરંતુ એવું કહેવાય છે કે જે બેઠકો પર જે પક્ષનું સંગઠન વધુ છે તેમાં સંબંધિત પક્ષને પ્રાથમિકતા આપવામાં આવશે.