મુંબઈ/નાગપુર: રાજ્યમાં વિવિધ વિભાગો માટે કરેલા કામકાજના અંદાજે 90,000 કરોડ રૂપિયાના બાકી લેણાથી પરેશાન રાજ્યભરના કોન્ટ્રાક્ટર એક થયા છે અને નિર્ણાયક લડત લડવાનો સંકલ્પ કર્યો છે. 18 ઓગસ્ટથી મુંબઈના આઝાદ મેદાનમાં અનિશ્ચિત મુદતનું ધરણાં પ્રદર્શન યોજવામાં આવશે.
મહારાષ્ટ્ર રાજ્ય સરકારના કોન્ટ્રાક્ટરનાં સંગઠને દાવો કર્યો છે કે જાહેર બાંધકામ, આદિજાતિ વિકાસ, જિલ્લા પરિષદ, જળ સંસાધન, શહેરી વિકાસ અને મહેસૂલ જેવા વિવિધ વિભાગો હેઠળના બાંધકામ કાર્યો માટેની બાકી લેણા રકમ અંદાજે 90,000 કરોડ રૂપિયા જેટલી છે.
ફેડરેશને તેની રણનીતિમાં ફેરફાર કર્યો
જ્યારે તમામ વિભાગોની માંગણીઓ એકસાથે રજૂ કરવામાં આવે છે, ત્યારે સરકાર અને સંબંધિત વિભાગો ઘણીવાર કાર્યવાહીને અટકાવવા કે તેમાં વિલંબ કરવા માટે વિવિધ બહાનાં કાઢે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ફેડરેશને પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે. મુંબઈમાં યોજાનારા વિરોધ પ્રદર્શન દરમિયાન, મુખ્ય ધ્યાન આદિજાતિ વિભાગને મળવાપાત્ર અંદાજે 10,000 કરોડ રૂપિયાની બાકી રકમ તાત્કાલિક છૂટી કરવાની માંગ પર કેન્દ્રિત રહેશે. ત્યાર બાદ દરેક વિભાગની માંગણીઓ તબક્કાવાર રીતે રજૂ કરવામાં આવશે.
તમામ સંગઠનો એકજૂથ
આ આંદોલન માટે બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર્સ, જિલ્લા-સ્તરના સંગઠનો તેમ જ પાણી પુરવઠા સંસ્થાઓ, શ્રમિક સહકારી મંડળીઓ અને અન્ય મોટા ભાગના સંગઠનો એકત્રિત થયા છે. આ આંદોલન ફેડરેશનના નેજા હેઠળ ચલાવવામાં આવશે.
આદિવાસી વિકાસ ખાતાના પ્રધાન અશોક ઉડકેના મુંબઈ સ્થિત બંગલા પર ઘેરાવ કર્યા બાદ, પ્રધાને કોન્ટ્રાક્ટરોને ખાતરી આપી હતી કે આ બાબતે તમામ સંબંધિત પક્ષોની એક બેઠક મહિનાની 12મી તારીખે યોજવામાં આવશે. દરમિયાન જળ જીવન મિશન સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો 10 ઓગસ્ટના સંવિધાન ચોક ખાતે ધરણાં પ્રદર્શન કરશે.
સેંકડો કોન્ટ્રાક્ટરો આ આંદોલનમાં જોડાશે
ત્યાર બાદ, મુખ્ય પ્રધાન કાર્યાલય (સીએમઓ) સુધી એક વિરોધ કૂચનું આયોજન કરવામાં આવશે. તેમાં સેંકડો કોન્ટ્રાક્ટરો ભાગ લેશે. સરકાર બાકી લેણાંની ચુકવણી કર્યા વિના નવા કામો સોંપી રહી છે. આના વિરોધમાં મુંબઈમાં અનિશ્ચિત મુદતનું ધરણાં પ્રદર્શન યોજવામાં આવશે. કોન્ટ્રાક્ટરોનો સંપર્ક સાધવા માટે આજે વિદર્ભ ક્ષેત્રનો પ્રવાસ શરૂ થશે અને આ વિસ્તારના સેંકડો કોન્ટ્રાક્ટરો આ આંદોલનમાં જોડાશે.
બે વર્ષથી બાકી રહેલી રકમ
આદિજાતિ વિકાસ વિભાગ તરફથી મળવાપાત્ર ચૂકવણીઓ છેલ્લા બે વર્ષથી બાકી છે. 12,000 કરોડ રૂપિયાની રકમમાંથી માત્ર 2,000 કરોડ રૂપિયા જ મુક્ત કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષ માટે માત્ર 800 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. જો આ દરે ફાળવણી ચાલુ રહેશે, તો પ્રોજેક્ટ્સ માટેની રકમ મેળવવામાં 10 વર્ષ લાગી જશે.
નાશિકમાં 1,950 કરોડ રૂપિયાની રકમ બાકી
ફેડરેશનના ઉપપ્રમુખ પાનસરે સરકાર પાસે તમામ બાકી લેણાંની એકસાથે ચુકવણી કરવાની માંગ કરી છે, તેમણે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દેવાના બોજ હેઠળ દબાયેલા છે અને કેટલાક લોકોએ તો પોતાના ઘર પણ ગીરવે મૂક્યા છે. નાશિક જિલ્લામાં સૌથી વધુ 1,950 કરોડ રૂપિયાની રકમ બાકી છે, જ્યારે ગઢચિરોલી જિલ્લામાં સૌથી વધુ એટલે કે કુલ 5,110 કામકાજ પૂર્ણ થયા છે.