તપાસ દરમિયાન અસ્વચ્છતા, ક્વોલિટી કંટ્રોલનો અભાવ અને અનક્વોલિફાઇડ સ્ટાફ જેવી ગંભીર ખામીઓ જણાઈ
મુંબઈ: તુકારામ મુંઢેની નિયુક્તિ બાદ એક્શનમાં આવેલા મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ હવે રાજ્યમાં આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. FDAએ રાજ્યની 434 લાઇસન્સપ્રાપ્ત આયુર્વેદિક દવા બનાવતી કંપનીઓનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં નિયમોના ઉલ્લંઘન બદલ 135 ઉત્પાદકોને કારણ દર્શાવો નોટિસ ફટકારી છે, જ્યારે ગંભીર ખામીઓ બદલ 10 કંપનીઓના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી.
લાયકાત ધરાવતા ટેક્નિકલ સ્ટાફનો અભાવ
FDAના નિરીક્ષણ દરમિયાન અનેક એકમોમાં અસ્વચ્છ પરિસ્થિતિ, લાયકાત ધરાવતા ટેક્નિકલ સ્ટાફનો અભાવ અને કાચા માલના યોગ્ય પરીક્ષણની વ્યવસ્થા ન હોવા જેવી ગંભીર ખામીઓ સામે આવી હતી. કેટલાક ઉત્પાદકો પાસે જરૂરી મશીનરી અને સાધનો પણ ઉપલબ્ધ ન હતા, જ્યારે કેટલીક જગ્યાએ ક્વોલિટી કંટ્રોલ વિભાગ કાર્યરત ન હોવાનું જાણવા મળ્યું હતું. બેચ ઉત્પાદન અને કાચા માલના રેકોર્ડમાં પણ ગેરરીતિઓ જોવા મળી હતી.
સ્ટેબિલિટી ડેટા સહિતની વિગતો તપાસી
એફડીએએ કે આ ડ્રાઈવ દરમિયાન 434 કંપનીમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક નિયમો, 1945 શેડ્યૂલ ટી હેઠળ ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (જીએમપી)ની જોગવાઈઓનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરાઈ હતી. અધિકારીએ ઉત્પાદન, ટેક્નિકલ ચેકિંગ, ક્વોલિટી કંટ્રોલ, બેચ રેકોર્ડ, કાચા માલ અને ઉત્પાદન ઉત્પાદન ટેસ્ટિંગ રેકોર્ડ, એસઓપી, ડિવિઝન રેકોર્ડ, સ્કીફિકટી રજિસ્ટર, કેલિબ્રેશન અને સ્ટેબિલિટી ડેટા સહિતની વિગતો તપાસી હતી.
આયુર્વેદિક દવાઓનો રાજ્યમાં વ્યાપકપણે ઉપયોગ
FDAના કમિશનર તુકારામ મુંઢેએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે આયુર્વેદિક દવાઓનો રાજ્યમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે અને ઉત્પાદકોએ માન્ય સંદર્ભ પુસ્તકોમાં દર્શાવ્યા મુજબ ક્લાસિકલ દવાઓ તથા નિર્ધારિત ગુણવત્તા ધોરણો અનુસાર પેટન્ટ અને પ્રોપ્રાયટરી દવાઓનું ઉત્પાદન કરવું જરૂરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે નિયમોનું પાલન નહીં કરનારા આયુર્વેદિક દવા ઉત્પાદકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
નિયમોના ભંગ બદલ જે 10 કંપનીના લાઇસન્સ રદ
FDAએ નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ જે 10 કંપનીના લાઇસન્સ રદ કર્યા છે તેમાં પુણેની કૃષ્ણા હર્બલ અને ઈન્દુકે આયુર ફાર્મા, ગોંદિયાની લાલશાહ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, આદિત્ય ફાર્મા અને અંગારસ આયુર્વેદ, પુણેની કાલિદાસ ગાંધી, નાશિકની શિવાનાથ આયુર્વેદિક પ્રોડક્ટ્સ અને યશોદા લેબ, અમરાવતીની હકીમ આયુર્વેદિક બ્યુટી કેર તથા ગોંદિયાની હિલેરિયસ આયુર્વેદનો સમાવેશ થાય છે.
જાહેર આરોગ્યની દૃષ્ટિએ અત્યંત ગંભીર ગણાવી
FDA મુજબ કેટલીક કંપનીઓ જરૂરી યોગ્યતા ધરાવતા ટેક્નિકલ કર્મચારીઓ વિના દવાઓનું ઉત્પાદન કરતી હતી. કેટલીક જગ્યાએ મંજૂર સાઈટ પ્લાન, માસ્ટર ફોર્મ્યુલા, કંટ્રોલ સેમ્પલ અને સ્ટાફની મેડિકલ તપાસ તથા તાલીમના રેકોર્ડ ઉપલબ્ધ ન હતા. દવાઓના લેબલ પર ખોટી ઉત્પાદન તારીખ, કાચા માલ અને તૈયાર દવાઓના પરીક્ષણ માટેની સુવિધાનો અભાવ તથા દવાઓમાં ક્રોસ-કન્ટેમિનેશન રોકવા માટે યોગ્ય પ્રક્રિયા ન હોવા જેવી ખામીઓ પણ મળી આવી હતી. FDAએ આ ખામીઓને દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા તેમ જ જાહેર આરોગ્યની દૃષ્ટિએ અત્યંત ગંભીર ગણાવી છે.