Wed Jul 22 2026

Logo

યવતમાળ અને અહિલ્યાનગરમાં 21 સ્થળે એટીએસના દરોડા

2026-02-15 18:46:00
Author: Yogesh C. Patel
Article Image

આતંકવાદી પ્રવૃત્તિની માહિતી પરથી સર્ચ ઑપરેશન હાથ ધરાયું: અનેક શકમંદો તાબામાં: વાંધાજનક દસ્તાવેજો-ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ જપ્ત

મુંબઈ: યુવાનોને કટ્ટરવાદ તરફ દોરવા તેમ જ કથિત આતંકવાદી પ્રવૃત્તિની માહિતીને આધારે મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) મધરાતથી જ યવતમાળ અને અહિલ્યાનગરમાં 21 જેટલા સ્થળે દરોડા પાડ્યા હતા. એટીએસની 20થી વધુ ટીમે રાતભર હાથ ધરેલા સર્ચ ઑપરેશન દરમિયાન અનેક શકમંદોને પૂછપરછ માટે તાબામાં લીધા હતા તો વાંધાજનક દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ પણ જપ્ત કર્યાં હોવાનું જાણવા મળ્યું હતું.

આતંકવાદી પ્રવૃત્તિ સાથે કડીની માહિતી મળતાં જ એટીએસે બે જિલ્લા યવતમાળ અને અહિલ્યાનગરમાં મોટા પાયે ઑપરેશન હાથ ધર્યું હતું. શનિવારની મધરાતે એટીએસની 20 ટીમ યવતમાળમાં પ્રવેશી, જ્યારે પાંચેક ટીમ અહિલ્યાનગર પહોંચી હતી. આખી રાત પછી રવિવારે દિવસભર તપાસ ચાલી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ યવતમાળમાં પુસદ અને ઉમરખેડમાં 14 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી ડઝન જેટલા શકમંદોને પૂછપરછ માટે તાબામાં લેવામાં આવ્યા હતા. તેમનાં ઘર, ઑફિસ અને અન્ય ઠેકાણાંઓ પર સર્ચ હાથ ધરવામાં આવી હતી.

કહેવાય છે કે એટીએસની ટીમે અગાઉ ગોપનીય રીતે તપાસ કરી હતી. પછી રાતના સમયે બન્ને જિલ્લામાં છૂપા વેશમાં એટીએસની ટીમે માહિતી ભેગી હતી અને પછી શકમંદોને તાબામાં લઈ તેમનાં ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

બીજી બાજુ, અહિલ્યાનગર જિલ્લામાં મુકુંદનગર પરિસરમાં સાત સ્થળે એટીએસની ટીમે સર્ચ હાથ ધરી હતી. અહીં પણ અગાઉ ગુપ્ત રીતે શકમંદોની માહિતી મેળવવામાં આવી હતી. મુકુંદનગર મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર ગણાય છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં અહીં ઔરંગઝેબ સંબંધી વિવાદ અને પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચારની ઘટનાઓ બની છે. સંવેદનશીલ ગણાતો આ પરિસર એટીએસની કાર્યવાહીથી ફરી ચર્ચામાં આવ્યો છે.

એટીએસની ટીમ દ્વારા શકમંદોના મોબાઈલ ફોન્સ, વાંધાજનક દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ જપ્ત કરી તેની તપાસ કરવામાં આવી રહી છે. એ સિવાય સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યાં છે. રવિવારની મોડી સાંજ સુધી કોઈનીય ધરપકડ કરાઈ નહોતી, એમ અધિકારીનું કહેવું છે.