મુંબઈ: પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ (ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા) માટે કથિત ઓનલાઇન પ્રોપેગેન્ડા (પ્રચાર) સંબંધિત કેસના સંદર્ભમાં મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્કવોડે (એટીએસ) સોમવારે રાતના મુંબઈમાં ત્રણ સ્થળે રેઇડ પાડી હતી અને શકમંદોને પૂછપરછ માટે તાબામાં લીધા હતા. રેઇડ દરમિયાન મોબાઇલ લેપટોપ સહિત અનેક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર મળેલી માહિતીને આધારે એટીએસની ટીમે સોમવારે સાંજે કુર્લા અને ગોવંડીના શિવાજીગર વિસ્તારમાં કાર્યવાહી કરી હતી, જે મોડી રાત સુધી ચાલી હતી. કુર્લા અને ગોવંડીના શિવાજીનગરના કેટલાક યુવકો પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના સંપર્કમાં હોવાની અને તેઓ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કટ્ટરવાદી સામગ્રીનો પ્રચારમાં સામેલ હોવાની માહિતી મળ્યા બાદ એટીએસની ટીમે ત્રણ સ્થળે રેઇડ પાડી હતી.
રેઇડ દરમિયાન ત્રણ શકમંદને પૂછપરછ માટે તાબામાં લેવાયા હતા અને તેમના ઘરની તલાશી લેવામાં આવી હતી. તેમની પાસેથી લેપટોપ, મોબાઇલ સહિતના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરાયાં હતાં, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યાં હતાં. એટીએસ માને છે કે ડિજિટલ ડિવાઇસની ફોરેન્સિક તપાસ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં મદદ કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યુવાનોને કટ્ટરવાદ તરફ દોરવા અને આતંકવાદી પ્રવૃત્તિની માહિતીને આધારે એટીએસની 20થી વધુ ટીમે ગયા મહિને યવતમાળ અને અહિલ્યાનગરમાં 21 સ્થળે રેઇડ પાડી હતી અને અનેક શકમંદોને તાબામાં લેવાયા હતા. તેમના ઘર અને અન્ય ઠેકાણાંઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.