Mon Sep 07 2026

Logo

વિધાનસભામાં હંગામો: ભાસ્કર જાધવ અને સચિન કલ્યાણશેટ્ટી આવી ગયા આમને સામને, જાણો સમગ્ર મામલો...

2026-03-04 20:41:11
Author: Mumbai Samachar Team
વિધાનસભામાં હંગામો: ભાસ્કર જાધવ અને સચિન કલ્યાણશેટ્ટી આવી ગયા આમને સામને, જાણો સમગ્ર મામલો...

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં મુંબઈમાં ચાલી રહ્યું છે. દિવંગત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વિમાન દુર્ઘટના અને અન્ય ઘણા મુદ્દાઓને લઈને શંકાઓને કારણે આ સત્ર તોફાની બન્યું હતું. આવી સ્થિતિમાં ભાજપના અક્કલકોટના ધારાસભ્ય સચિન કલ્યાણશેટ્ટી અને શિવસેના યુબીટી જૂથના વરિષ્ઠ ધારાસભ્ય ભાસ્કર જાધવ વચ્ચે શાબ્દિક ટક્કર જોવા મળી હતી. 

વિધાનસભા પરિસરમાં બંને ધારાસભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વરિષ્ઠ ધારાસભ્ય ભાસ્કર જાધવ આ સમયે મર્યાદા ઓળંગી ગયા હતા. ભાસ્કર જાદવે 'બાપ'નો ઉલ્લેખ કરતા ધારાસભ્ય સચિન કલ્યાણશેટ્ટીએ તેમને જવાબ માંગતા આ શાબ્દિક વિવાદ વધુ વકર્યો હતો.

મળતી માહિતી મુજબ સચિન કલ્યાણશેટ્ટીએ ભાસ્કર જાદવને સવાલ કરતા પૂછ્યું હતું કે, "તમે મારા પિતા વિશે બોલ્યા છો, શું તમને મારા પિતા વિશે બોલવાનો અધિકાર છે? તમે વરિષ્ઠ સભ્ય છો. જો તમે મારા પિતા વિશે બોલશો, તો હું પણ તમારા પિતા વિશે બોલીશ." આમ કહીને સચિન કલ્યાણશેટ્ટીએ ભાસ્કર જાદવ પાસે જવાબ માંગ્યો હતો. જેના પર ધારાસભ્ય ભાસ્કર જાદવે વળતો જવાબ આપતા કહ્યું કે, "તમારે મારા બાપ વિશે જે બોલવું હોય તે બોલો."

વિધાનસભા ધારાસભ્ય રાહુલ આવડેની પુત્રી સાનિકા અને રાજેન્દ્ર પાટિલ યાદવકરના પુત્ર અજયના લગ્નના કાર્ડનું વિતરણ ધારાસભ્યોના અંગત સહાયકો એક જ જગ્યાએ કરી રહ્યા હતા ત્યારે વિધાનમંડળના પરિસરમાં કંકોતરીઓ વહેંચાતી જોઈને ભાસ્કર જાદવે ટીકા કરી હતી. જાદવે સરકારના 'બાપ' વિશે અભદ્ર ટિપ્પણી કરતા ભાજપના ધારાસભ્ય સચિન કલ્યાણશેટ્ટી ગુસ્સે થયા હતા. 

"જો આ બાબતે કોઈ વાંધો હોય તો ફરિયાદ કરો, પણ બાપ વિશે બોલવાનો અધિકાર તમને કોણે આપ્યો?" તેમ કહીને કલ્યાણશેટ્ટી આક્રમક થયા હતા અને ભાસ્કર જાદવને બરાબરના આડે હાથે લીધા હતા. આ વિવાદને કારણે વિધાનમંડળ પરિસરમાં થોડો સમય ભારે હોબાળો અને અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.