Sun Sep 13 2026

Logo

મા બગલામુખી મંદિરમાં દાન સંગ્રહ વિવાદ બાદ સમિતિ ભંગ, સરકારી ખાતામાં જમા થશે દાનની રકમ

2026-07-16 18:51:01
Author: Chandrakant Kanoja
મા બગલામુખી મંદિરમાં દાન સંગ્રહ વિવાદ બાદ સમિતિ ભંગ, સરકારી ખાતામાં જમા થશે દાનની રકમ

આગાર: મધ્ય પ્રદેશના આગારના માલવાના નલખેડાના વિશ્વ પ્રસિદ્ધ મા બગલામુખી મંદિરમાં દાન સંગ્રહ અંગે વહીવટીતંત્રએ મોટો નિર્ણય લીધો છે. જેમાં બિન-સરકારી સમિતીની તપાસ બાદ હવે સમિતી ભંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ હવે દાનના નાણાં સીધા સરકારી એકાઉન્ટમાં જમા થશે. 

નાણાકીય અનિયમિતતાના  કોઈ પુરાવા ના મળ્યા 

આ અંગે ઉભા થયેલા વિવાદ બાદ કલેક્ટર પ્રીતિ યાદવ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની તપાસ ટીમને સમિતિની કામગીરીમાં નાણાકીય અનિયમિતતા કે ગેરવર્તણૂકના કોઈ પુરાવા મળ્યા નથી. જોકે, સમિતિનું કાર્ય નિયમો અનુસાર ન હોવાથી, તેને હવે મંદિર પરિસરમાં કામ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. 

લોકરો અને રેકોર્ડની તપાસ કરી હતી

આ અંગે કલેક્ટર પ્રીતિ યાદવે જણાવ્યું હતું કે તપાસ ટીમે સમિતિના બેંક ખાતાઓ, લોકરો અને રેકોર્ડની તપાસ કરી હતી અને તેના સભ્યો સાથે પણ ચર્ચા કરી હતી. જ્યારે અહેવાલમાં કોઈ નાણાકીય ગેરરીતિઓ બહાર આવી ન હતી, ત્યારે મંદિર પરિસરમાં આવી બિન-સરકારી સમિતિનું સંચાલન નિયમોનું ઉલ્લંઘન કરતું હોવાનું જણાયું હતું.

સરકારી ખાતાઓ અને લોકરોમાં સુરક્ષિત  રાખવામાં આવશે

જેના લીધે  સમિતિ પાસે રહેલી બધી રોકડ, 29 કિલોગ્રામ ચાંદી અને 105 ગ્રામ સોનું મંદિરની સત્તાવાર વ્યવસ્થાપન સમિતિને સોંપવામાં આવશે. આ ભંડોળ અને આભૂષણો સરકારી ખાતાઓ અને લોકરોમાં સુરક્ષિત રીતે રાખવામાં આવશે.