Sat Sep 05 2026

Logo

લખનઊ સામે દિલ્હીએ હારની બાજીને જીતમાં પલટાવી

2026-04-01 23:12:26
Author: Ajay Motiwala
લખનઊ સામે દિલ્હીએ હારની બાજીને જીતમાં પલટાવી

IPL


લખનઊઃ અહીં બુધવારે આઇપીએલની લૉ-સ્કોરિંગ મૅચમાં લખનઊ (18.4 ઓવરમાં 10/141) સામે દિલ્હી (17.1 ઓવરમાં 4/145)એ છ વિકેટે વિજય મેળવ્યો હતો. સમીર રિઝવી (70 અણનમ, 47 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (39 અણનમ, 32 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) 119 રનની અતૂટ ભાગીદારી કરીને અણનમ રહ્યા હતા. શરૂઆતમાં દિલ્હીની ટીમ 26 રનમાં ચાર વિકેટ ગુમાવી બેઠી હતી જેમાં કે. એલ. રાહુલ, નિસાન્કા, નીતીશ રાણા અને કૅપ્ટન અક્ષર પટેલનો સમાવેશ હતો. જોકે સમીર રિઝવી (Sameer rizvi) તથા ટ્રિસ્ટેન સ્ટબ્સે (Stubbs) બાજી ખૂબ સારી રીતે સંભાળી લીધી હતી. બે વિકેટ પ્રિન્સ યાદવે તથા એક-એક વિકેટ મોહમ્મદ શમી અને મોહસિન ખાને લીધી હતી.

પહેલી ચારેય મૅચમાં યજમાન ટીમ જીતી હતી. જોકે પહેલા તમામ પાંચેય મુકાબલામાં લક્ષ્યાંક ચેઝ કરનારી ટીમે વિજય મેળવ્યો છે અને પાંચેય મૅચમાં ટૉસ જીતનારી ટીમ જ જીતી છે. એ રીતે આ ટૂર્નામેન્ટ અગાઉથી પરિણામ ધારી શકાય એવી બની ગઈ છે.એ પહેલાં, લખનઊએ બૅટિંગ મળ્યા બાદ બનાવેલા 141 રનમાં અબ્દુલ સામદના 36 રન હાઇએસ્ટ હતા. ટી. નટરાજન અને લુન્ગી ઍન્ગિડીએ ત્રણ-ત્રણ વિકેટ, કુલદીપ યાદવે બે તેમ જ કૅપ્ટન અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી.

IPL

સુકાની રિષભ પંત વિચિત્ર સંજોગોમાં (સામા છેડે ક્રીઝની બહાર આવી જતાં અને બૉલને બોલર મુકેશ કુમારનો હાથ લાગ્યા બાદ સ્ટમ્પ્સમાં જતો રહેતાં) રનઆઉટ થયો હતો. મુકેશ કુમારને વિકેટ નહોતી મળી, પરંતુ તેની ત્રણ ઓવરમાં માત્ર 17 રન બન્યા હતા.

ગુરુવારે કોલકાતા વિ. હૈદરાબાદ

ઈડન ગાર્ડન્સમાં ગુરુવારે કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો (સાંજે 7.30 વાગ્યાથી) છે. બન્ને ટીમ પોતાની પ્રથમ મૅચ હારી ગઈ હોવાથી ગુરુવારે બેમાંથી એક ટીમ જીતવાની શરૂઆત કરશે.