Thu Apr 30 2026

Logo

લવ હોય કે વોર... બોમ્બિંગ નુકસાન જ કરે છે

2026-03-19 10:48:00
Author: Kaushik Mehta
Article Image

 

કૌશિક મહેતા

ડિયર હની,
આ નવી પેઢીમાં શું શું બની રહ્યું છે? એમના જીવનમાં બ્રેક-અપ અને પેચ-અપ સાવ સામાન્ય ઘટના બની ગઈ છે. પેલી ભાડે વાહન આપતી કંપનીની જાહેરાત જોઈ છે ને? એમાં એક છોકરી પોતાના બ્રેક -અપથી દુ:ખી છે ને બીજી રાજી થાય છે. બ્રેકઅપના તો ગીત પણ બને છે અને એ પાછા લોકપ્રિય પણ થાય છે.

આ નવી પેઢી પ્રેમને સમજે છે શું? એવો પ્રશ્ન કેટલાક કિસ્સા બને ત્યારે થાય છે.

રાજકોટના એક કિસ્સામાં ‘એઈમ્સ’માં એક ડોકટરે આપઘાત કર્યો અને સુસાઈડ નોટમાં એણે કેટલાક સાથીઓ વિષે લખ્યું કે, એ બધાએ એને કેટલો પરેશાન કર્યો હતો. એમાં એણે એક દીકરીની નામ લખી કહ્યું કે, ‘ફલાણાએ એના પર લવ બોમ્બિંગ કર્યું ....’ 

મને તો સમજમાં જ ના આવ્યું કે, આ લવ બોમ્બિંગ છે કઈ બલા? તને ખબર છે? પછી ખાખાખોળા કર્યા એટલે સમજાયું કે, સંબંધોમાં ઉપયોગમાં લેવાતી એક ભાવનાત્મક છેતરપિંડી કે મેનિપ્યુલેશનની એક ટેકનિક છે લવ બોમ્બિંગ...! સરળ ભાષામાં કહીએ તો, જ્યારે કોઈ વ્યક્તિ સંબંધની શરૂઆતમાં જ સામેની વ્યક્તિ પર પ્રેમ, વખાણ, સરપ્રાઈઝ અને અટેન્શનનો વરસાદ કરી દે, તેને ‘લવ બોમ્બિંગ’ કહે છે. તેનો હેતુ પ્રેમ કરવાનો નહીં, પણ સામેની વ્યક્તિને પોતાના કાબૂમાં લેવાનો હોય છે.

મને મારા કોલેજના દિવસો યાદ આવી ગયા. મારી એ કોલેજમાં ગ્રામીણ વિસ્તારની યુવતીઓની સંખ્યા સવિશેષ રહેતી, કારણ કે એ બસ સ્ટેન્ડથી નજીક હતી. અહીં આવતી યુવતીઓ એ સમયમાં સાવ ભોળી અને કેટલાક વિદ્યાર્થીઓ એનો ગેરલાભ લેતા. આવી યુવતીને કોઈ વસ્તુ ભેટ આપે. ખાસ કરીને બ્યુટી પ્રોડક્ટ. પેલી યુવતી રાજીરાજી, કારણ કે, ગામડામાં એવી ચીજ ત્યારે મળતી નહોતી. પછી પેલા વિદ્યાર્થી એનો ગેરલાભ લેતા. એમાંથી ઝઘડા થયાના કિસ્સા પણ બન્યા હતા.

આજે રીતભાત બદલાઈ છે પણ એ વખતે મને ખબર નહોતી કે, એને ‘લવ બોમ્બિંગ’ કહેવાય. આજના યુવાનો શું કરે છે? આ યુવાનો સબંધોને લઈને બહુ ઝડપી હોય છે. સંબંધ શરૂ થયાના થોડા દિવસોમાં જ ‘આઈ લવ યુ’ કહેવું, લગ્નના સપના બતાવવા અથવા જીવનભર સાથે રહેવાના મોટા વાયદા કરવા. સામેની વ્યક્તિને એવું લાગે કે તે દુનિયાની સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે. અલબત, ઘણીવાર એવું ય બને કે, આવા વખાણ અકુદરતી કે ખોટા લાગી શકે છે. 

પછી એ યુવાન પેલી યુવતીને દિવસ-રાત મેસેજ કે ફોન કરવા લાગે છે. જો તમે તરત જવાબ ન આપો  તો સામેની વ્યક્તિ ગુસ્સે થઈ જાય અથવા તમને અપરાધીભાવ અનુભવ કરાવે. એટલું જ નહિ, લવ બોમ્બર ઘણીવાર સામેની વ્યક્તિને તેના મિત્રો કે પરિવારથી દૂર કરવાનો પ્રયાસ કરે છે, જેથી તે વ્યક્તિ સંપૂર્ણપણે તેમના પર જ નિર્ભર થઈ જાય.
 
બાકી જરૂર કરતાં વધારે મોંઘી કે પછી ઢ્ગલાબંધ ગિફ્ટ આપે એટલે સામેની વ્યક્તિ એના ઝાંસામાં આવી જાય મેં કેટલાક યુવાનો પાસેથી જાણ્યું કે, શું શું થાય છે. શરૂઆતમાં આ બધું ખૂબ જ સુંદર અને રોમેન્ટિક લાગે છે, જેને ‘હનીમૂન  પિરિયડ’ કહે છે. જોકે  એકવાર તમે ભાવનાત્મક રીતે તેમની સાથે જોડાઈ જાઓ, પછી તેમનું વર્તન બદલાઈ જાય છે. એ તમને કંટ્રોલ કરવાનું શરૂ કરે છે. તમારી ટીકા,-આકરી ટીકા કરે અથવા ભાવનાત્મક રીતે તમને હેરાન કરે. એટલું જ નહિ, સંબંધમાં માનસિક હિંસા કે દબાણ લાવે છે.

આને પ્રેમ થોડો કહેવાય... ? 
મારે એક કિસ્સો તને કહેવો છે. હું હોસ્ટેલમાં હતો ત્યારનો કિસ્સો છે. કોલેજમાં ભણતા એક યુવાન અને યુવતીને પ્રેમ થયો. બંનેની જ્ઞાતિ અલગ એટલે વિવાદ થયો. પછી એમણે શું કર્યું ખબર છે? બંનેએ એકબીજાના પરિવારને સમજાવ્યા કે એ બંને એકબીજા માટે એકદમ પરફેક્ટ છે. પેલી  યુવતી યુવકના ઘેર થોડો સમય ઘરના સભ્યની જેમ રોકાઈ અને બધાના દિલ જીતી લીધા. ખાસ્સો સમય આ રીતે બંને વચ્ચે પ્રેમ પાંગરતો રહ્યો. આખરે બંનેએ લગ્ન કર્યા, પરિવારોની સંમતિ સાથે. આજે ય આ યુગલ બહુ સુખી છે.

આજની યુવતીઓએ ચેતી જવા જેવું છે. કેટલીક તકેદારી રાખવી જ જોઈએ. જો તમને શરૂઆતથી જ કંઈક અજુગતું લાગતું હોય તો તમારા મનનું સાંભળો. કોઈ વ્યક્તિ ખૂબ જ ઝડપથી દબાણ કરે તો તેને પ્રેમથી પણ મક્કમતાથી કહો કે તમે સંબંધમાં ધીરે ધીરે આગળ વધવા માંગો છો. પોતાના સબંધને પૂરતો સમય આપવો જરૂરી હોય છે. ઉપરાંત, તમારા નજીકના મિત્રો અને પરિવાર સાથે સંપર્ક જાળવી રાખો, જે તમને સાચી પરિસ્થિતિ સમજવામાં મદદ કરી શકે. 

આજની ફિલ્મોમાં એવી રીતે પ્રેમની વાતને રજૂ કરવામાં આવે છે જે જીવાતી જિંદગીમાં શક્ય બનતું નથી. એટલું સમજવું રહ્યું કે, સાચો પ્રેમ ધીરજ માગે છે, જ્યારે લવ બોમ્બિંગમાં ઉતાવળ અને દબાણ હોય છે. લવ હોય કે વોર ... બોમ્બિંગ નુકસાન જ કરે છે.