ડૉ. બળવંત જાની
રવિભાણ સંત પરંપરામાં રવિસાહેબના શિષ્યમંડળમાં લાલસાહેબ અત્યંત દૃઢ રીતે સાધનામાં જ લીન અને ગુરુસેવામાં વ્યસ્ત શિષ્ય છે. મારવાડથી સ્થળાંતરિત થઈને ઉત્તર ગુજરાતની એ સમયની રાજધાની પાટણમાં કેટલાક મારવાડી લોહાણા પરિવાર સ્થાયી થયેલ. એમાના એક મનહરજી ઠક્કર. પાટણની એક પોળમાં રહે અને નાનકડી હાટડી માંડી જીવન ગુજરાન ચલાવે. ભક્તિમાં, સત્સંગમાં જોડાયેલા રહે. અતિથિ સંતોની સેવા કરે. પત્નીનું નામ લક્ષ્મીબાઈ. તેઓ પણ ધર્મ-ધ્યાનમાં ભક્તિમાં લીન રહેતા. સંતસેવાના અને ભક્તિના ફળ રૂપે એમને ત્યાં ઈ.સ.1741માં પૂત્ર જન્મ થયો. એમની ઉપર અપાર વાત્સલ્યભાવ અને એથી એનું નામ રાખ્યું લાલ.
પાટણ, ભાણગુરુ ષષ્ટમદાસની ગુરુ પરંપરાના પદ્મનાભનું મૂળ સ્થાનક હોઈને રવિસાહેબ પણ અવાર-નવાર સત્સંગ માટે પાટણ પધારતા. બાળ લાલદાસ પણ માતા-પિતા સાથે સત્સંગમાં જોડાતા. વૈરાગ્યભાવ જાગૃત થયો. માતા-પિતાની રજા લઈ રવિસાહેબની પાસે શેરખી પહોંચ્યા. રવિસાહેબની પાસે યોગ-સાધના અને અધ્યાત્મમાર્ગની દિશા મેળવી-દીક્ષા લીધી. ગુરુસેવામાં અને યોગસાધનામાં જ સતત જોડાયેલા રહેતા. સમય જતા સહજ સાધના માટે લાલદાસને રવિસાહેબે પાટણ જઈને ત્યાં ભાણસાહેબના નામથી જગ્યા સ્થાપવા આજ્ઞા કરી. સાથે બીજા એક ગુરુબંધુ ધર્મદાસ પણ જોડાયા. પાટણમાં સાધના-નામ-જાપ કરતા. ધર્મદા પછીથી ચાણસ્મા નજીકના ચવેલી ગામે આશ્રમ સ્થાપેલો. લાલસાહેબે પાટણમાં સહજ સાધના અને શબદ સાધના આરંભી. એ શબદ સાધનાની અનુભૂતિનું એક મોતી અવલોકીએ -
-હંસા કર આદુ ઓળખાણ,
આતમ તંત પિછાણ ...ટેક
કાયા ઘટ કમઠાણ, મન મોટા મકરાણ,
ઉમર ખોટી આશા મોટી, કરમ કરે કફરાન...
કબુદ્ધિ કામ ક્રોધ મોહ મમતા, માર શીલ કા બાંન,
અજરા જારો ધ્યાન સુધારો, સદ્ગુરુ આગેવાન.
-હંસા કર આદુ ઓળખાણ, આતમ તંત પિછાણ
...1
ત્રિવેણી ટંકશાળ લગી હે, ખરા અમે ખુરસાન,
અમર પદવી પૂરા પામે, કાયરાં પડે ભંગાણ...
કૂડા કાઢો, સચ્ચા વહોરો, સદ્ગુરુ જાણ સુજાણ,
હેતે મળજો સેવા કરજો, પહોંચાડે નિરવાણ...
-હંસા કર આદુ ઓળખાણ, આતમ તંત પિછાણ
...2
નહીં કોઈ પહોંચે વેદ ન વાયક, ના કોઈ ક્તેબ કુરાંન,
નિરાધાર હે આપ સ્વરૂપી, તા કું કર સપિયાંણ...
ભાગ્ય ભલા જેણે સતગુરુ સેવ્યા, કીધાં કોટિ કલ્યાંણ,
પ્રાપત હોય સો દરશન પાયા, નિરખ્યા નામ નિશાન,
-હંસા કર આદુ ઓળખાણ, આતમ તંત પિછાણ
...3
નામ નિશાને જયોત અંજવાળાં, એક હી પુરુષ પુરાંણ,
જે કોઈ જાણે સોહી માણે, પરખ્યા સો પરમાંણ...
તારક સદ્ગુરુ મેરમ મળિયા, રવિ ગુરુ કબીરા ભાણ,
લાલ કહે ગુરુ અંતર જામી, વેર વેર કુરબાંન,
-હંસા કર આદુ ઓળખાણ, આતમ તંત પિછાણ
...4
પોતાના આત્માને-હંસલાને-સંબોધીને લાલસાહેબ કહે છે કે પૂર્વ જન્મની ઓળખાણ અને આત્મતત્ત્વની પહેચાણ-ઓળખાણ કરી લેવી. આ ઘટ રૂપી કાયા અનેક કમઠાણમાં રત રહે છે. ઉમર ખોટી છે, ક્યારે કાયા પડી જશે કશું કહેવાય નહીં. કર્મ જ સાથે આવશે, માટે કુર્બુદ્ધિ, કામ, ક્રોધ, મોહ અને મમત્ત્વભાવને શીલ રૂપી બાણ મારીને હણો. અજર-અમરતત્ત્વનું ધ્યાન ધરો અને સદ્ગુરુને આગળ રાખો, એના વચન પ્રમાણે ચાલો.
ઈડા, પીંગલા અને સુષુમણા નાડીનું મિલન કરાવો એટલે તયાં ત્રિવેણીનો ઘાટ રચાય, એટલે ટંકશાળ રચાય અર્થાત્ ભૂમધ્યમાં સૂરતાથી સ્થિરતા આવે, ખરી અવસ્થિતિને જીરવીને અમર પદવી પ્રાપ્ત થશે. કાયર-સાધકનું કામ નથી એનું ભંગાણ થશે. કુડ-કપટને કાઢીને સત્નું આચરણ અપનાવવું-વહોરવું. સદ્ગુરુ બધુ જાણતા હોય છે. સ્નેહ-સદ્ભાવથી હળી-મળી સંવાદિતા કેળવીને સેવારત રહેશો તો નિર્વાણ ગતિને પામશો.
આ એવી અવસ્થિતિ છે કે ત્યાં વેદની-વાયકની, ક્તીબની કે કુરાનની આવશ્યક્તા નથી. આપ ઓળખ-આત્મતત્ત્વની જાણકારી મેળવી લેવા સક્રિયતા દાખવવાની છે એ ખરો-પૂરો ભાગ્યશાળી છે કે જેણે સદ્ગરુની સેવા કરી છે. પ્રાપ્તનું દર્શન કરી એને નિરખ્યા એ જ મોટી પ્રાપ્તિ.
નામ જાપથી સાધનાથી જયોતનું દર્શન અજવાળું અનુભવાય છે. એ એક જ આદિ પુરુષ છે. જે આ રહસ્ય-સાધના જાણે છે, એ જમણાવ સદ્ભાગી બને છે. જેણે પારખ્યા એ જ મોટી પ્રાપ્તિ. મને કબીર તત્ત્વના ગુરુના ભાણ-રવિ ગુરુ તરીકે પ્રાપ્ત થયા એ જ મોટી સંપ્રાપ્તિ. આ લાલસાહેબને અંતર્યામી ગુરુએ એવું જ્ઞાન આપ્યું કે હું એના પર કુરબાન-સમર્પિત છું.
લાલસાહેબની પોતાની યોગસાધના, નામજાપ ક્રિયા અને સદ્ગુરુ પરત્વેની શ્રદ્ધાની આત્મપ્રતીતિ શિષ્ય સમુદાય સમક્ષ ભજન દ્વારા પ્રસ્તુત કરે છે. રવિ-ભાણ પરંપરાની દાર્શનિક ભૂમિકાના કેટલાંક ઘટકોનો પરિચય પણ આ પદ-ભજનમાંથી મળતો હોઈને લાલસાહેબની આવી વાણીની મોટી મહત્તા છે.