જ્યવંત પંડ્યા
`લેડિઝ ફર્સ્ટ' આ બે શબ્દ સાંભળતાં જ આપણા મનમાં સ્ત્રી પ્રત્યે સન્માન, સૌજન્ય અને સંસ્કારની ભાવના ઊભી થાય છે. તેમના માટે કારના દરવાજા ખોલી દેવા, હોટેલમાં બેસવાની ચેર પાછળ ખસેડી તેમને બેસાડવી, પાણીમાં તેમને ઊંચકી લેવી, ઇત્યાદિ સૌજન્ય દાખવવું એ સમાજ જીવનમાં જોવા મળે છે. આ બધું જાણે સ્ત્રીદાક્ષિણ્યનું પ્રતીક છે, પરંતુ એ શું ખરેખર સ્ત્રીના સન્માનના અર્થમાં `લેડિઝ ફર્સ્ટ' પરિકલ્પનાનો ઉદ્ભવ થયો કે પછી તે એવી સામાજિક માનસિકતાનું રૂપ છે જેમાં સ્ત્રીને સુરક્ષિત રાખવાના નામે તેને આગળ ધકેલીને પુરુષ પોતે પાછળ બચી શકે?
`લેડિઝ ફર્સ્ટ'ની ઉત્પત્તિ વિશે અનેક લોકકથાઓ અને દંતકથાઓ પ્રચલિત છે. ઇટાલિયન સંદર્ભ સાથે જોડાયેલી એક લોકપ્રિય કથા એવી છે કે પ્રેમી-પ્રેમિકા હતાં. તેમના પરિવારોને તેમનાં લગ્ન સ્વીકાર્ય નહોતાં. લગ્ન નહીં થઈ શકે તેવું લાગતાં, તેમણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. તે બન્ને એક ઊંચા પર્વત પર ગયાં. છોકરાએ કહ્યું, કારા (પ્રિયતમે), હું તને મારી દૃષ્ટિ સામે મરતાં નહીં જોઈ શકું.
આથી પહેલાં હું મરી જઈશ, પછી તું પણ કૂદકો મારી દેજે. પ્રેમિકાએ હા પાડી અને પ્રેમીએ તો કૂદકો મારી મૃત્યુને વ્હાલું કરી લીધું, પરંતુ પ્રેમીની આત્મહત્યાનું હૃદયદ્રાવક દૃશ્ય જોયા પછી પ્રેમિકાનું મન બદલાઈ ગયું. તે પર્વત પરથી નીચે ઊતરી ગઈ અને કહેવાની આવશ્યકતા નથી કે એણે બીજા પુરુષ સાથે લગ્ન કરી સુખી સંસાર માણ્યો. ત્યારથી ઉદ્ભવી `લેડિઝ ફર્સ્ટ'ની કલ્પના, જેથી એ પાછળથી પોતાનો વિચાર બદલી ન દે!
બીજી દંતકથા એવી છે કે ઈ. સ. 1852માં યુકેનું સૈન્ય જહાજ `એચએમએસ બર્કનહેડ' સૈન્યને લઈને જતું હતું ત્યારે તે એક ખડક સાથે અથડાયું અને ડૂબવા લાગ્યું. ત્યારે ક્રૂએ મહિલાઓ અને બાળકોને આગળ કરી દીધાં કારણ કે લાઇફબોટ મર્યાદિત સંખ્યામાં હતી. ઈ. સ. 1912માં ટાઇટેનિક ડૂબ્યા પછી આ `લેડિઝ ફર્સ્ટ' વણલિખિત નિયમ બની ગયો.
જોકે મહાભારતની કથામાં શિખંડીનું ઉદાહરણ આ ચર્ચાને એક અલગ પરિમાણ આપે છે. ભીષ્મ સામે સીધું યુદ્ધ કરવું મુશ્કેલ હતું. શિખંડીને આગળ રાખીને અર્જુને ભીષ્મ પર બાણ વરસાવ્યાં, કારણ કે ભીષ્મ શિખંડી સામે શસ્ત્ર ઉઠાવવા તૈયાર નહોતા. અહીં `સ્ત્રીને આગળ રાખવી'નો અર્થ સન્માન કરતાં વધુ, યુદ્ધની વ્યૂહરચના બની જાય છે એટલે સ્ત્રીની સામાજિક ઓળખને ક્યારેક તેની શક્તિ તરીકે નહીં, પરંતુ પુરુષના હિત માટે ઉપયોગમાં લઈ શકાય તેવી ઢાલ તરીકે પણ જોવામાં આવી છે.
આધુનિક રાજકારણમાં પણ આવું જોવા મળે છે. ગત ફેબ્રુઆરીમાં સંસદમાં વિપક્ષોનાં મહિલા સાંસદોએ વડા પ્રધાનની (તે સમયે ખાલી) બેઠકને ઘેરી લીધી હતી અને વડા પ્રધાનનું નિર્ધારિત પ્રવચન મોકૂફ રહ્યું હતું. મહિલા પાસે આક્ષેપો કરાવીને રાજકારણ રમવું એ આજની રાજનીતિનો મહત્ત્વનો હિસ્સો છે. મહિલા દ્વારા આક્ષેપો થાય ત્યારે પણ ઉત્તર આપવામાં મહિલાને જ આગળ કરવામાં આવે છે.
કેટલાંક મુસ્લિમ આંદોલનો અને વિરોધ પ્રદર્શનોમાં મહિલાઓની આગળની ભૂમિકા અંગે પણ આવી ચર્ચા થઈ છે. દિલ્હીના શાહીન બાગમાં સીએએ સામે મુસ્લિમ મહિલાઓનાં ધરણાં તેનું જાણીતું ઉદાહરણ બન્યું. અહીં સ્ત્રીઓએ આગેવાની કરી હતી કે મુસ્લિમ પુરુષો દ્વારા તેમનો એક ઢાલ અથવા શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે-સાથે એ પણ પ્રશ્ન જાગે કે શું કોઈ આંદોલનમાં મહિલાઓને માત્ર એટલા માટે પણ આગળ રાખવામાં આવે છે કે જેથી તેમની સામે કડક કાર્યવાહી કરવી સત્તાવાળા માટે મુશ્કેલ બને?
કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં જેન્ડર હિસ્ટોરિયન ડૉ. લ્યુસી ડીલેપે ટાઇટેનિકની પ્રચલિત કથાના સામાજિક-રાજકીય અર્થ તરફ પણ ધ્યાન દોર્યું છે. ટાઇટેનિકમાં `મહિલાઓ પ્રથમ'ની વાતને બ્રિટિશ સમાજમાં પુરુષોના શૌર્ય અને સ્ત્રીઓ પ્રત્યેના રક્ષણાત્મક વલણના ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવી.
આ પ્રકારની કથાઓનો એક રાજકીય અર્થ એવો પણ કાઢવામાં આવ્યો કે જો પુરુષો પોતાનો જીવ જોખમમાં મૂકીને સ્ત્રીઓના હિતને પોતાના હિત કરતાં આગળ રાખે છે તો સ્ત્રીઓને મતાધિકાર જેવી રાજકીય સત્તાની જરૂર શું છે? એટલે `પુરુષો સ્ત્રીઓનું રક્ષણ કરે છે' એ દલીલ ક્યારેક `સ્ત્રીઓને પોતાના અધિકારો માટે સત્તા મેળવવાની જરૂર નથી' એવી દલીલમાં પરિવર્તિત થઈ શકે છે.
લેડિઝ ફર્સ્ટની અવધારણા સ્ત્રી દાક્ષિણ્યની છે કે સ્ત્રીને અબળા બનાવીને રાખવાની તે ખૂબ જ ચર્ચાસ્પદ બાબત છે. ઘણી ફેમિનિસ્ટ મહિલાઓએ `લેડિઝ ફર્સ્ટ'ના વિચારનો વિરોધ કર્યો છે. બહુ શરૂઆતની ફેમિનિસ્ટ ગણાતી મેરી વોલ્સટનક્રાફ્ટે લખ્યું છે કે મહિલાઓ સાથે ખૂબ જ છિછરા શિષ્ટાચાર સાથે વર્તવું તે તેમને તુચ્છ અને રાજકીય રીતે નબળી રાખવાનો એક માર્ગ છે.
અમેરિકાની જાણીતી સામાજિક માનસશાસ્ત્રી (સોશ્યલ સાઇકૉલૉજિસ્ટ) સુઝાન ફિસ્કેએ એક સંશોધન પત્રમાં લખ્યું છે કે મહિલાઓ માટે દરવાજા ખોલી દેવા કે તેમને માત્ર તેમના જેન્ડરના આધારે પ્રાથમિકતા આપવી એ લૈંગિક અસમાનતા જાળવી રાખવા માટેની એક સૂક્ષ્મ કાર્યપદ્ધતિ જ છે. અમેરિકાની ધારાવિદ કર્ટની ફ્રેઝરનો મત એવો જ છે. તે કહે છે કે લેડિઝ ફર્સ્ટ સ્ત્રીને પુરુષ દ્વારા રક્ષિત તરીકે જોવાનું સમાજને શીખવાડે છે, તેમાં એક નુકસાનકારક જેન્ડર બાઇનરી-લૈંગિક જોડી છે.