વલો કચ્છ - ગિરિરાજ
કોઈ એક નાનકડાં ટપકાં જેવડાં ગામની ભાગોળે સત્યાગ્રહ થાય અને તેનાથી લગભગ તમામ વિરોધ પક્ષો મતભેદોને બાજુ પર રાખીને એક થાય તેવું બને? હા, એવું બન્યું પણ. જયારે જયારે લોકહિતની વાત કરવાની આવી છે ત્યારે લોકો સંગઠિત બની શક્યા છે અને આજ તો છે ભારતની સંપ પરંપરા!
ભારત કોઈ ભૂમિ કા ટુકડા નહિ
યે તો જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ હૈ
ઇસકે કંકર કંકર મેં શંકર હૈ
ઇસકી બુંદ બુંદ મેં ગંગા હૈ
યે વંદન કી ભૂમિ હૈ
યે અભિનંદન કી ભૂમિ હૈ.
યુગપુરુષ અટલ બિહારી વાજપેયીના ઉપરોક્ત શબ્દો રોમરોમમાં જુસ્સો પ્રગટ કરે તેવા છે. આજ શબ્દો તે વખતે હજારો લોકો માટે પ્રેરણામુલક સાબિત થયા હતા. કચ્છ સત્યાગ્રહ વખતે ભુજમાં 20 એપ્રિલ 1968 એટલે કે સત્યાગ્રહ પ્રારંભના એક દિવસ અગાઉ લોકોમાં પ્રેરણાજુવાળ ઊભો કરવા અટલજી સંબોધન કરતાં બોલ્યા હતા, મરને કે બાદ ભી હમારી હડ્ડીયા નદી મેં બહાઈ જાયેગી, તબ ઉસમેં ભી એક હી સ્વર સુનાઈ દેગા ભારત માતા કી જય જે ભારતનો ટુકડો (કચ્છનો ભૂભાગ) પાકિસ્તાને પચાવી પાડ્યો હતો તેના વિરોધમાં થયેલ સત્યાગ્રહ (કચ્છ સત્યાગ્રહ: 1968) માં અટલજીએ ભાવના સેવી હતી કે, ‘કચ્છ એ ભારતનો અજોડ- અદ્ભુત ભૂપ્રદેશ છે, રતિભર ભૂભાગ કોઈ છીનવી જાય તે સાંખી શકાય નહિ.’
નવમી એપ્રિલ 1965ના પાકિસ્તાનના નાપાક હુમલાનો આપણા સીઆરપીએફના મુઠ્ઠીભર જવાનોએ હિંમતથી જવાબ આપેલો અને જવાનોના શૌર્યથી જીતેલા હિસ્સાનો દસ ટકા ભૂભાગ આતરરાષ્ટ્રીય ટ્રીબ્યુનલના ચુકાદામાં 1968માં છીનવી લેતો ચુકાદો આવ્યો. કચ્છનો બેનમૂન ભૂભાગ જો એક ચુકાદો છીનવી જાય તો કચ્છ એ કેમ ગાંઠી લે? આ માટે સત્યાગ્રહનું સ્વરૂપ બંધાયું. જેના વિધિવત મંડાણ તો 21મી એપ્રિલ 1968માં થયા હતા. પરંતુ કચ્છની જનતાના મનમાં ચુકાદો ફેબ્રુઆરી,68માં આવ્યો ત્યારથી સણસણાટ શરૂ કરી દીધેલો.
કચ્છ સત્યાગ્રહનું રણશીંગુ ફૂંકી દેવાતાં કચ્છમાં ભારે ઉત્તેજના ફેલાઇ હતી અને તે સમયે વિવિધ સભાઓમાં નોંધપાત્ર હાજરી વચ્ચે કંજરકોટ લે કે રહેંગે, છાડબેટ હમારા હૈ... જેવા નારા ગુંજાવનાર કચ્છની સન્નારીઓ પણ સામેલ હતી. દેશભરના તમામ વિપક્ષોને માટે, 1968 નો આખો એપ્રિલ મહિનો કચ્છની સરહદ પર ભારતીય વિરોધને એકઠો કરી દેવા માટે નિમિત્ત બન્યો હતો. વેરાન રણની પેલી પાર સુધી, ઊબડખાબડ જમીન પર પ્રખર તાપમાં નીકળી પડવું આસાન તો નહોતું જ. પણ દેશના વીસેક પ્રદેશોથી સત્યાગ્રહીઓ આવી પહોંચવાના હતા. કચ્છના રાજ્યસભાના સભ્ય ડો બિહારીલાલ અંતાણીએ અનેક વખત કઠોર ટીકા કરતાં ભાષણ રજૂ કર્યા હતા. તો નામદાર મહારાવશ્રી મદનસિંહજીએ પણ ઉચ્ચારયું હતું કે, મારા પૂર્વજોએ બલિદાન આપ્યા છે તે વિસ્તારો પાકિસ્તાનમાં જવાથી મને ઘણું દુખ થાય છે.
પ્રજાકીય આગેવાનોના પ્રત્યાઘાતોને પરિણામે નક્કી કરવામાં આવ્યું કે એકઝૂટ થઈને સરકારી નિર્ણય સામે લડત લડીશું. અખિલ ભારતીય સંઘના પ્રમુખ અટલબિહારી વાજપેયી, મંત્રી નાનજી દેશમુખ અને સભ્ય ચીમન શુકલે પત્રકાર પરિષદ યોજી એલાન કર્યું હતું કે, આશરે દસ હજાર સત્યાગ્રહીઓ ભાગ લેશે. આમ એપ્રિલના બીજા પખવાડિયાથી શરૂ થનાર સત્યાગ્રહ માટેની તૈયારીઓ શરૂ થતાં લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં જે ઘરના પુરુષ સભ્યો ભાગ લઈ રહ્યા હતા તે ઘરની મહિલાઓ પણ ખડેપગે તૈયાર થઈ હતી. કોઈ આગેવાની લેવા માટે તો કોઈ વ્યવસ્થાની જાળવણી માટે. એ પછી તો કાફિલા આગે બઢતા ગયા.
સત્યાગ્રહ માટેની પહેલી ટુકડી જે 15મી એપ્રિલે રવાના થઈ હતી તેનું નેતૃત્વ લેનાર હરિસિંહજી ગોહિલ હતા. હરિસિંહજી ગોહિલ તત્કાલીન ભારતીય જનસંઘના પ્રદેશ-અધ્યક્ષ હતા. અગાઉ દીવ-સત્યાગ્રહ અને જૂનાગઢ-મુક્તિ માટે સ્થપાયેલી આરઝી હકૂમતમાં પણ સક્રિય રહ્યા હતા. રાજકોટ મ્યુનિસિપાલિટીમાં વિપક્ષના પહેલવહેલા પ્રમુખનું પદ સંભાળેલું. આ ટુકડીના 101 સત્યાગ્રહીઓમાં 11 મહિલાઓ પણ સામેલ થઈ હતી જેનું નેતૃત્વ જૂનાગઢની જનસંઘી અને મ્યુનિસિપાલિટીનાં પ્રમુખ હેમાબહેન આચાર્યએ લીધી હતી. કચ્છ સત્યાગ્રહ એકાદ મહિના સુધી ચાલ્યો હતો. જાણે કે એક નાનું સરખું ભારત ત્યાં ખડું થઈ ગયું હતું! છઠ્ઠી મે ના મહારાજ કુમાર હિંમતસિંહજીએ આગેવાની લીધી હતી. ક્યારેક આ સભાઓમાં અન્ય મહિલા આગેવાનો પણ આવતા જે સત્યાગ્રહમાં વધુ જોમ અને જુસ્સો ભરવાનું કામ કરતાં.
સત્યાગ્રહનો આવેશ એવો હતો કે જૂનાગઢથી આવેલા નરસિંહ પઢિયાર તો કચ્છમાં 5000થી વધુ સત્યાગ્રહી લાવ્યા હતા! પત્ની અને તેમની પાંચ છ માસની બાળકી પણ સામેલ થયેલ હતી. તે સિવાય વસંત ગજેન્દ્ર ગડકર અને તેમના પત્ની વિદ્યાબહેન તથા તુલસી બોડાનાં પત્ની સુધાબહેન બોડા પણ સક્રિયપણે હજાર રહ્યાં હતાં. સમગ્ર કૂચ દરમિયાન આ મહિલાઓએ સરાહનીય ભૂમિકા નિભાવી હતી જેની ભાગ્યે જ ક્યાય નોંધ લેવાઈ હતી. કચ્છ-સત્યાગ્રહમાં જનસંઘે તેમના કાર્યકર્તાઓનું સંખ્યાબળ ઉમેરીને ‘અસરકારક સત્યાગ્રહ’નો નિર્ણય કરી લીધેલો. એ પહેલાં દિલ્હીમાં કચ્છ-કરાર સામે પાંચ લાખ લોકોના પ્રચંડ દેખાવ જનસંઘ કરી ચૂક્યો હતો. એટલે સ્વાભાવિક રીતે તેની જવાબદારી વધી ગઈ હતી. ગુજરાતમાં ઓછી સંખ્યાએ વધુ કામ કરવાનું આવ્યું! આ ટુકડીના આગમન પહેલા જ ભુજ જનસંઘના પ્રમુખ ઉમિયાશંકર જેઠી અને તેમનાં પત્નીએ વ્યવસ્થાઓ સંભાળી લીધી હતી અને લોકજાગૃતિના કામે લાગી ગયા હતા. આ કચ્છી દંપતીની નોંધ લેતા લેતા રહી ગઈ હોય તેવું લાગ્યા કરતું.
ભુજમાં સભાઓ ભરાતી તે વખતે બે બહેનપણીઓ વીણા અને પ્રવીણા અચૂક હાજર રહેતી. આ સભામાં યોજાતા ભાષણ નિસંદેહ તેમના માનસપટ પર છવાયેલા હતા અને તેની અસર વીણા અને પ્રવીણાએ છેક સંસદ સુધી પહોંચાડી દીધી. જ્યોર્જ ફર્નાંડિઝની સાથે દિલ્હી સંસદભવન સુધી પહોંચેલી આ બહેનપણીઓ લોબીમાં બેઠાબેઠા ઇન્દિરાજીનું ભાષણ સાંભળે છે અને જ્યારે કચ્છ સત્યાગ્રહ અંગે વાતો થાય છે ત્યારે સંસદના પ્રતિનિધિઓ અન્યાય સામે કોલાહલ મચાવી મૂકે છે, આ ઉશ્કેરાટ બંને બહેનપણીઓમાં પણ જોવા મળ્યો અને તેમણે ‘કચ્છ કી ધરતી દેશ કી ધરતી’ ના ચોપાનિયાં; નારા લગાવવા સાથે ઉડાડવા માંડ્યા. આ ઊહાપોહમાં પોલીસે અન્ય સાથે વીણા- પ્રવીણાની ધરપકડ હાથ ધરી અને 12 કલાક સુધી પૂછતાછ કરી. આખરે જ્યોર્જની મદદથી છૂટી શક્યા પણ આ વાત સર્વત્ર ફેલાઈ અને સમાચારપત્રોની હેડલાઇન બની ગઈ.
સફળતા કે નિષ્ફળતા એ જીવનમાં અભિન્ન રીતે જોડાયેલી બે બાબતો છે. ભલે આ પ્રયાસ અનેક કારણોસર પૂર્ણ સફળતાને ન પામ્યો પરંતુ રાજ્ય તથા રાજ્યની બહાર વસતા ભારતીયોમાં એક ચેતના જરૂર પ્રગટાવી હતી.