ભુજ: કચ્છ જિલ્લામાં ગઈકાલે દિવસભર વાદળછાયા વાતાવરણ અને છૂટાછવાયાં ઝાપટાં બાદ વહેલી પરોઢે વાગડ પંથકના રાપરમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. વહેલી સવારે ૪ થી ૫ વાગ્યા દરમિયાન પડેલા વરસાદને પગલે રાપર શહેરમાં પોણો ઇંચ (૨૦ મિ.મી.) પાણી વહી નીકળ્યું હતું. વરસાદી સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધતાં આજે સવારથી કચ્છભરમાં વરસાદે વિરામ લીધો છે અને સૂર્યપ્રકાશિત વાતાવરણ વચ્ચે તાપમાનમાં ૪ થી ૫ ડિગ્રીનો ઉછાળો નોંધાતાં બપોરે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો.
ક્યાંક છૂટાછવાયાં સામાન્ય ઝાપટાં પડવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં કચ્છ સહિત પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પ્રવૃત્તિ મંદ રહેવાની સંભાવના છે, જોકે સિસ્ટમ સક્રિય હોવાથી ક્યાંક છૂટાછવાયાં સામાન્ય ઝાપટાં પડે તેવી શક્યતા નકારી શકાય નહીં.
અત્યાર સુધી દેશભરમાં સરેરાશ કરતાં ૧૫ ટકા ઓછો વરસાદ
બીજી તરફ, સમગ્ર ભારત ચાલુ વર્ષે છેલ્લાં ૧૭ વર્ષના સૌથી નબળા ચોમાસા તરફ ધકેલાઈ રહ્યું હોવાના ચિંતાજનક સંકેતો હવામાન વૈજ્ઞાનિકોએ આપ્યા છે. પેસિફિક મહાસાગરમાં મજબૂત બની રહેલા 'અલ નીનો'ના કારણે જૂનથી સપ્ટેમ્બર સુધીની ચોમાસુ ઋતુમાં અત્યાર સુધી દેશભરમાં સરેરાશ કરતાં ૧૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જો સપ્ટેમ્બરના અંત સુધીમાં વરસાદની ઘટ નહીં ભરાય તો વર્ષ ૨૦૦૯ પછીનું આ દેશનું સૌથી નબળું ચોમાસું સાબિત થશે.
વરસાદની કુલ ઘટ ૧૩ થી ૧૬ ટકા રહેવાની ધારણા
વેધર એક્સપર્ટના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળની ખાડીમાં સર્જાનારી સાયક્લોનિક સિસ્ટમને પગલે પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વરસાદ વરસી શકે છે, પરંતુ તે દેશના એકંદર ખાધના આંકડામાં મોટો ફેરફાર કરી શકશે નહીં. ચોમાસાના અંતે વરસાદની કુલ ઘટ ૧૩ થી ૧૬ ટકા રહેવાની ધારણા છે. ઉપરાંત બ્રિટનની લિસેસ્ટર યુનિવર્સિટી સંલગ્ન સંશોધન પ્લેટફોર્મના અંદાજ મુજબ ભારતમાં સિઝન દરમિયાન વરસાદની ૧૦ થી ૨૦ ટકા જેટલી ઘટ રહેવાની શક્યતા ૬૮ ટકા જેટલી પ્રબળ છે.
(ઉત્સવ વૈદ્ય)