જિલ્લાના પાંચ તાલુકાઓમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર; અબડાસામાં માત્ર ૧૦ ટકા વરસાદ
ભુજઃ કચ્છ જિલ્લામાં નૈઋત્યના ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થયાને એક મહિનાથી વધુ સમય વિતી ગયો હોવા છતાં અપેક્ષિત મેઘમહેર ન થતાં સમગ્ર પંથકમાં ચિંતાની વ્યાપક લાગણી ફેલાઈ છે. મોસમનો નોંધપાત્ર સમય વીતી ગયા પછી પણ જિલ્લામાં સરેરાશ ૪૫ ટકા જેટલી વરસાદની મોટી ઘટ નોંધાતાં ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે.
હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ અનુસાર, સામાન્ય સંજોગોમાં મોસમ સમયગાળા દરમિયાન જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૪૪ મિલીમીટર વરસાદ નોંધાવો જોઈએ. તેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં માત્ર ૧૨૫ મિલીમીટર જ વરસાદ થયો છે. વરસાદની ઘટ મામલે રાજ્યસ્તરે રણપ્રદેશ કચ્છ હાલ ચોથા ક્રમે આવી ગયું છે.
જિલ્લામાં ખાસ કરીને પાંચ તાલુકાઓની સ્થિતિ અત્યંત ગંભીર જણાઈ રહી છે. જેમાં અબડાસા (૧૦%), માંડવી (૧૬%), અંજાર (૧૭%), લખપત (૨૦%) અને મુંદરા (૨૪%) તાલુકામાં મોસમના સરેરાશ વરસાદનો ચોથો ભાગ પણ વરસ્યો નથી. બીજી તરફ, નખત્રાણામાં ૨૭%, ભુજમાં ૩૨%, ગાંધીધામમાં ૩૩% અને ભચાઉમાં ૩૮% વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં માત્ર રાપર તાલુકામાં જ ચિત્ર પ્રમાણમાં આશ્વાસનદાયક રહ્યું છે, જ્યાં ૬૭ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં ભેજના ઓછા પ્રમાણ, સતત ફૂંકાતા શુષ્ક પવનો અને કચ્છ તરફ આવતી વરસાદી સિસ્ટમો સતત નબળી પડી જવાને કારણે વરસાદ ખેંચાઈ રહ્યો છે. વર્તમાન હવામાન પરિસ્થિતિને જોતાં આગામી દિવસોમાં પણ કોઈ સાર્વત્રિક કે મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે, જેના કારણે કચ્છીજનો માટે મેઘકૃપાની રાહ વધુ લાંબી બનવાની ભીતિ ઉભી થઇ છે.
(ઉત્સવ વૈદ્ય)