ભુજઃ રણપ્રદેશ કચ્છમાં અસહ્ય ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત રહ્યો છે, જે હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. જિલ્લામાં જુદા-જુદા ત્રણ બનાવોમાં હીટ સ્ટ્રોકથી એક શ્રમિકનું, તળાવમાં ડૂબી જવાથી એક પ્રૌઢનું અને માર્ગ અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું અકાળે મોત નીપજતાં ચકચાર મચી ગઈ છે.
પ્રથમ અકાળ મૃત્યુનો બનાવ સીમાવર્તી રાપર તાલુકામાં સામે આવ્યો છે, જ્યાં હીટ સ્ટ્રોક લાગવાથી મોતનો આ ઉનાળાની સિઝનનો પ્રથમ સત્તાવાર કેસ નોંધાયો છે. ઉત્તર પ્રદેશના સેનપુર ગામનો વતની ૪૦ વર્ષીય ત્રિવેણકુમાર ડૉક્ટર રામતે પ્રેમી નામનો શખ્સ એક દિવસ પહેલાં જ પોતાના મિત્રો સાથે રોજગારીની શોધમાં વાગડ પંથકમાં આવ્યો હતો. સવારથી બપોર સુધી કાળઝાળ તડકામાં પાણી પીધા વિના તે નોકરીની શોધમાં ભટકતો રહ્યો હતો. આ દરમિયાન બપોરના સમયે નંદાસર કેનાલ નજીક પહોંચતાં જ સૂર્યના પ્રચંડ તાપ અને ડિહાઇડ્રેશનના કારણે તે અચાનક ચક્કર ખાઈને બેભાન થઈ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તબીબી તપાસમાં સૂર્યપ્રકાશના સીધા સંપર્ક અને શરીરમાં પાણીની તીવ્ર અછતને કારણે હીટ સ્ટ્રોકથી તેનું મોત થયું હોવાનું સ્પષ્ટ થયું છે.
બીજો બનાવ અંજાર તાલુકાના શિણાય ગામે પ્રકાશમાં આવ્યો છે. અંતરજાળના રાજનગર વિસ્તારમાં રહેતા ૪૭ વર્ષીય પ્રેમજીભાઈ ધનજીભાઈ બારોટ ગત તારીખ ૧૦ જૂનના રોજ સાંજે પોતાના ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગયા હતા. પરિવારજનોની વ્યાપક શોધખોળ છતાં તેમની કોઈ ભાળ મળી ન હતી. આ દરમિયાન શિણાય ગામના ભેડિયા તળાવમાંથી પ્રેમજીભાઈનો મૃતદેહ મળી આવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તેઓ તળાવ તરફ કયા સંજોગોમાં ગયા હતા અને પાણીમાં કેવી રીતે ડૂબ્યા તે અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ત્રીજો જીવલેણ બનાવ ગાંધીધામના મચ્છુનગર નજીક સર્જાયો હતો. ‘ફર્સ્ટ મૂવર્સ લોજિસ્ટિક’ કંપનીમાં નોકરી કરતો ૨૬ વર્ષીય યુવાન મોહન સુરા રબારી પોતાની મોટરસાઇકલ લઈને કંપનીના કામ અર્થે કંડલા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે મચ્છુનગર કન્ટેનર યાર્ડ પાસેના વળાંક પર તેનું વાહન બેકાબૂ થઈને રોડ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં મોહનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે આદિપુરની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ મામલે મૃતકના ભાઈ કિરણ સુરા રબારીએ ગાંધીધામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
(ઉત્સવ વૈદ્ય)