Thu Apr 23 2026

Logo

વૈદિક સંગીતનાં મૂળ સરજૂથી કચ્છના ધોર ગાયન સુધી?

2026-03-29 08:50:00
Author: Giriraj
Article Image

 

વલો કચ્છ - ગિરિરાજ

કચ્છની ધરતી માત્ર રણ, ડુંગરા અને દરિયાથી જોડતી સંસ્કૃતિ માટે જ જાણીતી નથી, પરંતુ તેની આંતરિક સાંસ્કૃતિક ગહેરાઈમાં સંગીતની એક અદ્ભુત પરંપરા પણ જીવંત છે. ગુમંતુ વાહનો ઊંટ અને તેના વાહકો એવા રબારી સમાજની `ધોર' ગાયન પરંપરા. આ ગાયકી માત્ર લોકગીત નથી, પરંતુ વૈદિક સંગીતની પરંપરાનો પ્રત્યક્ષ અનુસંધાન તરીકે ગણી શકાય તેમ છે. કારણ કે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં રજુ વૈદિક સામગાન અથવા `સરજૂ' ગાયન શૈલીને મળતી કચ્છી ઘોર ગાયકી માનવામાં આવે છે.

આમ તો ભારતીય સંગીતના મૂળ સામવેદમાં જોવા મળે છે, જેમાં સ્વર આધારિત ગાન પદ્ધતિ `સામગાન' તરીકે ઓળખાય છે. આ ગાનશૈલીમાં શબ્દ કરતાં સ્વરને વધુ મહત્ત્વ આપવામાં આવે છે અને ત્રણ મુખ્ય સ્વરો પર આધારિત રચના જોવા મળે છે. સંશોધકો અને વિદ્વાનો; ખાસ કરીને કે. કા. શાસ્ત્રીએ દર્શાવ્યું છે કે કચ્છના રબારીઓમાં ગવાતું `સરજૂ' ગાન આ સામગાનની પરંપરાને ખૂબ નજીકથી અનુસરે છે. આથી સ્પષ્ટ થાય છે કે લોકગીત અને વૈદિક સંગીત વચ્ચેનો સંબંધ અતૂટ છે.

કચ્છમાં આ ગાયકી `ધોર' તરીકે ઓળખાય છે. આ પરંપરાગત ગાન મુખ્યત્વે રબારી પુષો દ્વારા સમૂહમાં ગવાય છે, જેમાં સ્ત્રીઓ પણ ક્યારેક અલગ સમૂહોમાં આ ગાન કરતી જોવા મળે છે. આ ગાયનમાં માતાજી અને લોકદેવતાઓ જેમ કે રામાપીર, વાછરાદાદા અને પાબુદાદાના ગુણગાન ગવાય છે. ગાયનમાં ભક્તિ સાથે સાથે ઇતિહાસ અને લોકઘટનાઓ પણ સૂક્ષ્મ રીતે સમાવિષ્ટ હોય છે. તળનો અભ્યાસ કરતા વધુ માહિતી મળી શકે.

આ ગાયનની સૌથી વિશિષ્ટ બાબત એ છે કે તેમાં દરેક શબ્દના અક્ષરો વચ્ચે `હાહેહો' જેવા સ્વરો ઉમેરવામાં આવે છે. આ પ્રયોગ ગાનને એક અનોખી લય અને રહસ્યમયતા આપે છે, પરિણામે, ગવાતી રચનાનો મૂળ પાઠ સરળતાથી સમજાય નહીં; જે એક પ્રકારની પરંપરાગત ગુપ્તતા જાળવે છે. આ માન્યતા છે કે સરજૂનો મૂળ પાઠ માત્ર દીક્ષિત વ્યક્તિઓ માટે જ હોય, તેથી તે લિખિત રૂપે ભાગ્યે જ મળે છે. તેમાં ભાષાનો પણ રસપ્રદ મિશ્રણ જોવા મળે છે. ગુજરાતી, કચ્છી અને રાજસ્થાની શબ્દો સાથે મળીને એક જીવંત અને મિશ્રિત લોકભાષા સર્જાય છે. ગાવાની સાથે ત્રાંબાનો ત્રાંસ જે હાથવગો હોય છે તે વગાડીને પરંપરાગત ગવાય છે. પરંતુ સમય પ્રમાણે હવે થોડું પરિવર્તન આવ્યું અને ત્રાંસને બદલે `નગાર' (રબારી બોલી) એટલે કે, નોબત દાંડીથી વગાડાય છે.

નવરાત્રિ, કળશ સ્થાપના, પૂજ અને શેલણ જેવી વિધિઓ દરમિયાન આ ગાન વિશેષ રીતે ગવાય છે. ખાસ કરીને માતાજીના મઢોમાં ઝાંઝ, કરતાલ અને શહનાઈ સાથે ગવાતું સરજૂ ગાન શ્રોતાઓના મન પર ગાઢ અસર કરે છે. આ ગાનમાં એક પ્રકારની આધ્યાત્મિક ઊર્જા અનુભવાય છે, જે સમૂહને એકતામાં બાંધે છે.

ઇતિહાસ મુજબ, સરજૂ ગાનની પરંપરા સૌરાષ્ટ્રમાં દશમી સદીમાં શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. લોકવાર્તાઓ અનુસાર, જાલણ નામના સાધક દ્વારા સામગાનની પદ્ધતિથી માતૃસ્તોત્ર ગાવાની રીત વિકસાવવામાં આવી, જે આગળ ચાલીને રબારી અને અન્ય સમાજોમાં પ્રસરી. 

સંગીતની દૃષ્ટિએ, સરજૂમાં દોહા-ચોપાઈ જેવા છંદોનો ઉપયોગ થાય છે, પરંતુ તેની મૂળ ઓળખ ગાનશૈલીમાં છે. ગાનના અંતે `ધોળ' નામની લઘુ રચના ગવાય છે, કદાચ એજ શબ્દ અપભ્રંશ બની ધોર તરીકે ચલનમાં આવ્યો હશે, જેમાં આખા ગાનનો સાર સમાવવામાં આવે છે. પ્રસંગ અનુસાર `વાણ' અને `સુવેડા' જેવા અલગ પ્રકારો પણ ગવાય છે.
આજના આધુનિક સમયમાં, જ્યાં પરંપરાઓ ધીમે ધીમે વિસરાઈ રહી છે, ત્યાં કચ્છના રબારી સમાજે આ ગાયન પરંપરાને જીવંત રાખી છે. તેમની રૂઢિગત પરંપરાને કારણે વિસરાતો વારસો કચ્છના ખૂણે ખૂણે થોડો-ઘણો પણ સચવાયેલો આજે પણ જોવા મળે છે. સાંસ્કૃતિક ઓળખ, ધાર્મિક શ્રદ્ધા અને સામૂહિક સંવાદનું શક્તિશાળી માધ્યમ એકવાર માણવું રહ્યું!

આ લેખમાં રજૂ થયેલી માહિતી વિવિધ સંદર્ભો અને સંશોધન આધારિત સ્ત્રોતો જેવા કે, `બેનામ' દ્વારા રજૂ કરેલી માહિતી, હસુ યાજ્ઞિકનો ગુજરાતને આવરીને રજૂ કરેલો સંદર્ભ લેખ અને અન્ય લોકસાહિત્ય સંશોધકોના અભ્યાસ. તેમ છતાં, આ લેખનું પ્રસ્તુતિકરણ સ્વતંત્ર રીતે કરવામાં આવ્યું છે, જેથી કચ્છની આ અમૂલ્ય પરંપરાને સરળ અને સ્પષ્ટ રીતે ઉજાગર કરી શકાય.