Wed Sep 30 2026

Logo

કચ્છ બેસિન: મેસોઝોઇક હાઇડ્રોકાર્બન ઉત્પાદનનું નવું આશાસ્પદ કેન્દ્ર

2026-09-09 10:55:41
Author: Mayur Patel
કચ્છ બેસિન: મેસોઝોઇક હાઇડ્રોકાર્બન ઉત્પાદનનું નવું આશાસ્પદ કેન્દ્ર

ભુજઃ વિશ્વભરમાં તેલ અને ગેસના ઉત્પાદનમાં મેસોઝોઇક રિઝર્વોયર્સ મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ ભારતના કુલ તેલ અને ગેસ ઉત્પાદનમાં તેમનો હિસ્સો હાલ માત્ર ૩ ટકા જેટલો જ છે. ગુજરાતના દરિયાકિનારે આવેલું કચ્છ બેસિન ભારતમાં મેસોઝોઇક સમયગાળાના હાઇડ્રોકાર્બન અન્વેષણ અને ઉત્પાદન માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને આશાસ્પદ વિસ્તાર તરીકે ઉભરી રહ્યું છે.

કચ્છ બેસિનના હાઇડ્રોકાર્બન ઉત્ખનન ક્ષેત્રે અત્યાર સુધીમાં ૭૦થી વધુ કૂવાઓનું શ્રિલિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી આશરે ૨૦ કૂવાઓ મેસોઝોઇક સ્તર સુધી પહોંચ્યા છે. આ શોધખોળ દરમિયાન જ્યુરાસિકથી લઇને મિઓસીન રિઝર્વોયર્સ જેવા વિવિધ તબક્કે ૨૦થી વધુ હાઇડ્રોકાર્બન ભંડારો મળી આવ્યા છે. આ બેસિનના મેસોઝોઇક કાંપે અનેક ભૂગર્ભીય હલચલો અનુભવી છે, જેમાં ભારત-ઇસ્ટ આફ્રિકા રિફ્ટિંગ અને પેલિયોસીન દરમિયાન ભારત-સેશેલ્સ રિફ્ટિંગ મુખ્ય છે. આ ઉપરાંત, લેટ ઓલિગોસીન પ્લેટના પુનઃસમાયોજન અને હિમાલય પર્વતમાળાના નિર્માણને કારણે મિઓસીન સંકોચનની અસર પણ આ વિસ્તાર પર પડી હતી. મિઓસીન પછીના સતત સંકોચનને કારણે જૂની તિરાડો ફરી સક્રિય થઇને સળંગ સંરચનાઓમાં ફેરવાઇ હતી, જે હાલમાં કુદરતી તેલ અને ગેસ એકત્રિત કરવા માટેના મજબૂત સ્તરો તરીકે સાબિત થયા છે.

આ તમામ ક્ષમતાઓ છતાં, મેસોઝોઇક-સેનોઝોઇક સીમા પર આવેલું ડેક્કન બસાલ્ટનું જાડું સ્તર તેના નીચલા સ્તરમાં રહેલા મેસોઝોઇક રિઝર્વોયર્સની શોધખોળમાં મોટો ભૌગોલિક પડકાર ઉભો કરે છે.

તાજેતરમાં જીઓફિઝિકલ ડેટા એકત્રીકરણ અને ડ્રિલિંગ ટેકનોલોજીમાં થયેલા પ્રગતિશીલ ફેરફારોને કારણે મેસોઝોઇકની ભૂસ્તરશાસ્ત્રીય રચના સમજી શકાઈ છે, જેણે શોધખોળ માટે નવી તકો ખુલ્લી મૂકી છે. કચ્છ બેસિનમાં ખાસ કરીને જ્યુરાસિક અને ક્રિટેશિયસ ક્રમમાં ઉત્તમ સોર્સ રોક્સ રહેલા છે, જ્યાં ઓર્ગેનિક-સમૃદ્ધ શેલમાં હાઇડ્રોકાર્બન ઉત્પન્ન કરવાની ઉત્તમ ક્ષમતા જોવા મળે છે. રિઝર્વોયર રોક્સ તરીકે જ્યુરાસિક અને ક્રિટેશિયસ સેન્ડસ્ટોન્સ અનુકૂળ છિદ્રાળુતા અને પ્રવેશ્યતા ધરાવે છે. બેસિનમાં શેલ દ્વારા મજબૂત સીલિંગ સાથેની વૈવિધ્યસભર સ્ટ્રક્ચરલ અને સ્ટ્રેટિગ્રાફિક રચનાઓ પણ ઉપલબ્ધ છે.

જટિલ ભૂરચનાત્મક સ્થિતિ, વિષમ રિઝર્વોયર્સ, બેસાલ્ટનું જાડું સ્તર અને ઊંચા અન્વેષણ ખર્ચ જેવા પડકારો હોવા છતાં, કચ્છ બેસિનમાં હજુ પણ વિશાળ પ્રમાણમાં હાઇડ્રોકાર્બન ક્ષમતા અણછૂટી પડી છે. એડવાન્સ્ડ સીસ્મિક ઇમેજિંગ, આધુનિક શ્રિલિંગ ટેકનોલોજી અને સંકલિત જીઓફિઝિકલ સર્વેક્ષણો દ્વારા કચ્છ બેસિનના આ સમૃદ્ધ મેસોઝોઇક હાઇડ્રોકાર્બન સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ શક્ય બની શકે તેમ છે.

(ઉત્સવ વૈદ્ય)