Thu Oct 01 2026

Logo

થાણે-નવી મુંબઈ વચ્ચે ટ્રાફિક હળવો કરવા ₹ 561 કરોડના ખર્ચે બનશે 6 લેનનો કોપરી-પટણી બ્રિજ

2026-09-15 17:47:35
Author: Mumbai Samachar Team
થાણે-નવી મુંબઈ વચ્ચે ટ્રાફિક હળવો કરવા ₹ 561 કરોડના ખર્ચે બનશે 6 લેનનો કોપરી-પટણી બ્રિજ

AI


મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે અને નવી મુંબઈની વચ્ચેની રોડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને વેગ મળ્યો છે. કોપરી-પટણી ક્રીક બ્રિજના નિર્માણ માટે ₹ 561.30 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આશરે 1.4 કિલોમીટર લાંબો અને છ લેનનો આ બ્રિજ થાણે ખાડી પર બનાવવામાં આવશે, જે બંને શહેર વચ્ચે મુસાફરી કરતા લાખો વાહનચાલકો માટે મહત્વપૂર્ણ કનેક્ટિવિટી સાબિત થઈ શકે છે.

પ્રસ્તાવિત બ્રિજ થાણે ઈસ્ટના કોપરી વિસ્તારને નવી મુંબઈના પટણી વિસ્તાર સાથે જોડશે. આ બ્રિજની શરૂઆત થાણેના મિથ બંદર રોડ પરથી થશે, જે થાણે રેલવે સ્ટેશનથી આશરે 750 મીટરના અંતરે આવેલો છે ત્યાર બાદ બ્રિજ થાણે ક્રીકને પાર કરીને નવી મુંબઈ તરફ જશે અને એરોલી નોલેજ સિટી રોડ નજીક જોડાશે. આ રીતે થાણે સ્ટેશન રોડ અને થાણે-બેલાપુર રોડ કોરિડોર વચ્ચે વધુ સીધી કનેક્ટિવિટી નિર્માણ થશે.

આ પ્રોજેક્ટનું બાંધકામ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ની દેખરેખ હેઠળ કરાશે. ₹ 561.30 કરોડના કોન્ટ્રાક્ટમાં બ્રિજ ઉપરાંત તેને જોડતા એપ્રોચ રોડનું ડિઝાઇન અને બાંધકામ પણ સામેલ છે. અક્ષય ઈન્ફ્રા પ્રોજેક્સ્ટસ પ્રાઇવેટ લિમિટેડ આ કામ માટે સૌથી ઓછી બોલી લગાવનારી કંપની બની છે, જેના પગલે પ્રોજેક્ટનું કાર્ય આગળ વધારવાનો માર્ગ મોકળો થયો છે.

હાલ થાણે અને નવી મુંબઈ વચ્ચેના ટ્રાફિક માટે ઐરોલી-મુલુંડ ક્રીક બ્રિજ અને કલવા ક્રીક બ્રિજ જેવા માર્ગો પર નિર્ભરતા છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન આ માર્ગો પર મોટા પ્રમાણમાં ટ્રાફિક જોવા મળે છે. કોપરી-પટણી બ્રિજ શરૂ થયા બાદ વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ મળશે અને હાલના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટવાની આશા છે. પરિણામે થાણેથી નવી મુંબઈની મુસાફરી વધુ ઝડપી અને સરળ બની શકે છે.

કોપરી-પટણી ક્રીક બ્રિજ માત્ર એક નવો બ્રિજ નહીં, પરંતુ સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજનની કનેક્ટિવિટી સુધારતી મહત્વપૂર્ણ કડી બની શકે છે. છ લેનના આ બ્રિજથી થાણે, ઐરોલી અને નવી મુંબઈ વચ્ચે વાહનવ્યવહારને નવી ગતિ મળવાની અપેક્ષા છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રોજિંદા મુસાફરો ઉપરાંત વ્યાપારી અને અન્ય વાહનવ્યવહારને પણ તેનો સીધો લાભ મળી શકે છે.