Wed Sep 16 2026

Logo

કોપરખૈરણે સ્ટેશને યુવતીની આસપાસ ફરતા સંદિગ્ધનો વીડિયો વાયરલ

2026-08-09 18:07:00
Author: Mumbai Samachar Team
કોપરખૈરણે સ્ટેશને યુવતીની આસપાસ ફરતા સંદિગ્ધનો વીડિયો વાયરલ

મુંબઈ: મુંબઈ રેલવેમાં દિવસે દિવસે લોકલ ટ્રેન હોય રેલવે સ્ટેશન પરિસરમાં મહિલાઓ પર હુમલા અથવા છેડતીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જેમાં શનિવારે ટ્રાન્સ હાર્બર લાઈનમાં ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. સ્ટેશનના પરિસરમાં એક અજાણી વ્યક્તિએ યુવતીને આસપાસ ફરતા ચેનચાળા કર્યાં હતા, જેનો વીડિયો વાયરલ થયા પછી લોકોએ મહિલાઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા કર્યાં હતા.

મધ્ય રેલવેની ટ્રાન્સ-હાર્બર લાઈનના કોપરખૈરણે સ્ટેશન પર મહિલા પ્રવાસીઓની આસપાસ સંદિગ્ધ રૂપથી ફરતા વ્યક્તિની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પ્રવાસીઓની સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ ઘટના શનિવારે સવારે લગભગ 10.50 વાગ્યે બની હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suraj Ojha (@surajojhaa)

આ ઘટનાના વાયરલ વીડિયોમાં એક અજાણી વ્યક્તિ સ્ટેશનના પરિસરમાં પ્રવાસીઓની આસપાસ ફરતો જોવા મળે છે. ઘટનાની જાણકારી મળતા જ સ્થળ પર હાજર જીઆરપીની મહિલા કર્મચારીએ સજાગતાના ભાગરૂપે તાત્કાલિક આ વ્યક્તિને સ્ટેશન પરિસરની બહાર કાઢ્યો હતો. 

પ્રાથમિક માહિતી અનુસાર સબંધિત વ્યક્તિ માનસિકરીતે અસ્થિર હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ કારણે તેને રેલવે સ્ટેશનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. રેલવે પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના સમયે જીઆરપી મહિલા હાજર હોવાથી તે સ્થિતિ પર તાતી નજર રાખી રહી હતી. 

આ ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરતા સમગ્ર સ્થિતિ સામાન્ય બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના દરમિયાન કોઈ પણ અપ્રિય ઘટનાની સત્તાવાર માહિતી મળી નહોતી. જોકે, આ પ્રકારની ઘટના રેલવે સ્ટેશનના પરિસરમાં લોકલ ટ્રેન હોય કે સ્ટેશનમાં પણ મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. 

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયા દરમિયાન લોકલ ટ્રેનમાં એક પુરુષ પ્રવાસીએ મહિલાને જાહેરમાં પટ્ટાથી મારતો જોવા મળ્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે બાજુમાં બેઠેલા પ્રવાસીઓ પણ એ પ્રવાસીને મારતા અટકાવી શક્યા નહોતા, જ્યારે અમુક લોકોએ વીડિયો ઉતાર્યો હતો, પરંતુ એને રોક્યો નહોતો. આ મુદ્દે સંબંધિત પ્રવાસીની અટક કરીને કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું.