રિન્કુને આઠ રન પર જીવતદાન મળ્યું હતુંઃ કાર્તિક, વરુણ, નારાયણની બોલિંગ પણ નિર્ણાયક બની
કોલકાતાઃ ઇડન ગાર્ડન્સમાં અજિંક્ય રહાણેની કૅપ્ટન્સીમાં કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) રવિવારે અહીં આ વખતની ટૂર્નામેન્ટમાં પાંચ પરાજય જોયા બાદ પહેલી વખત વિજય મેળવ્યો હતો. રાજસ્થાન રૉયલ્સ (RR) સામેની આ મૅચમાં કોલકાતાએ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી આ જીત હાંસલ કરી હતી. કોલકાતા (Kolkata)એ 156 રનનો લક્ષ્યાંક બે બૉલ અને ચાર વિકેટ બાકી રાખીને મેળવી લીધો હતો. વાઇસ-કૅપ્ટન રિન્કુ સિંહ આઠ રન પર હતો ત્યારે તેનો આસાન કૅચ નૅન્ડ્રે બર્ગરે છોડ્યો હતો અને છેવટે રિન્કુ (Rinku) અણનમ હાફ સેન્ચુરી સાથે મૅચ-ફિનિશર બન્યો હતો. વરુણ ચક્રવર્તી (4-0-14-3)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
કોલકાતા વતી બોલિંગમાં પેસ બોલર કાર્તિક ત્યાગી (બાવીસ રનમાં ત્રણ વિકેટ) તેમ જ બે સ્પિનર વરુણ ચક્રવર્તી (14 રનમાં ત્રણ વિકેટ) અને સુનીલ નારાયણે (26 રનમાં બે વિકેટ)એ તરખાટ મચાવ્યો હતો અને રાજસ્થાનની ટીમને 9/155ના સ્કોર સુધી સીમિત રાખી હતી. ત્યાર બાદ કોલકાતાને લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન રિન્કુ સિંહ (53 અણનમ, 34 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) તથા મૂળ ઝારખંડના લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન અનુકૂલ રૉય (29 અણનમ, 16 બૉલ, બે સિક્સર, એક ફોર)ની જોડીએ 76 રનની અતૂટ ભાગીદારીથી કોલકાતાને વિજયપથ પર લાવી દીધું હતું.

એ પહેલાં, કૅમેરન ગ્રીન (27 રન), રૉવમૅન પૉવેલ (23 રન) અને રમણદીપ સિંહ (10 રન) અપેક્ષા જેવું નહોતા રમ્યા જેને લીધે છેવટે રિન્કુ-રૉયની જોડી પર બોજ આવી ગયો હતો અને તેમણે જવાબદારી ઉપાડીને છેવટે કોલકાતાને જિતાડી જ દીધું હતું. 20મી ઓવર બ્રિજેશ શર્માને અપાઈ હતી જેમાં કોલકાતાએ જીતવા નવ રન કરવાના હતા. રિન્કુએ બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી કોલકાતાને શાનથી વિજય અપાવ્યો હતો.
રિયાન મૂંઝાયો, જાડેજાને ઓવર ન આપી
રાજસ્થાનનો કૅપ્ટન રિયાન પરાગ છેલ્લી પળોમાં દિશાહીન થઈ ગયો હતો. રવીન્દ્ર જાડેજા (3-0-8-2)ની એક ઓવર બાકી હતી અને તે અગાઉ બે વિકેટ લેવામાં સફળ પણ થયો હતો, પરંતુ તેને ચોથી ઓવર આપવાને બદલે બદલે રિયાને રવિ બિશ્નોઈ (4-0-41-1) પર વિશ્વાસ મૂક્યો હતો અને એ ભૂલ રિયાનને તેમ જ રાજસ્થાનને ભારે પડી હતી. બિશ્નોઈની એ ઓવર કોલકાતા માટે ટર્નિંગ સાબિત થઈ હતી, કારણકે એ ઓવરમાં 19 રન બન્યા હતા.
્ર
જાડેજા-યશની મહેનત પર પાણી ફર્યું
11મી ઓવર જાડેજાને અપાઈ હતી જેમાં ફક્ત ત્રણ રન થયા હતા અને તેણે રૉવમૅન પૉવેલ (23 રન)ની વિકેટ લીધી હતી. 14મી ઓવર નવા સ્પિનર યશ રાજ પુનિયાને અપાઈ હતી જેમાં પણ માત્ર ત્રણ રન થયા હતા અને તેણે રમણદીપ સિંહ (10 રન)ને આઉટ કર્યો હતો. જોકે બિશ્નોઈની 16મી ઓવરમાં જે 19 રન બન્યા એને કારણે જાડેજા અને યશની બધી મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
એ પહેલાં, રાજસ્થાનની ઇનિંગ્સમાં કાર્તિક ત્યાગીની 19મી ઓવરમાં ત્રણ વિકેટ પડતાં રાજસ્થાનનો સ્કોર 9/155 સુધી સીમિત રહ્યો હતો. કાર્તિકે પ્રથમ બૉલમાં જાડેજા (નવ રન), ત્રીજા બૉલમાં હેટમાયર (15 રન) અને પાંચમા બૉલમાં રવિ બિશ્નોઈ (0)ની વિકેટ લીધી હતી. પછીથી કોલકાતાના બૅટ્સમેનોએ ટીમને જિતાડીને કાર્તિકની મહેનત એળે નહોતી જવા દીધી.
રાજસ્થાનના ઓપનર્સ વૈભવ સૂર્યવંશી (46 રન, 28 બૉલ, બે સિક્સર, છ ફોર) અને યશસ્વી (39 રન, 29 બૉલ, બે સિક્સર, ચાર ફોર) વચ્ચે 81 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ આખી ટીમમાં એક પણ ખેલાડીની વ્યક્તિગત હાફ સેન્ચુરી નહોતી. જુરેલ માત્ર પાંચ રને, કૅપ્ટન રિયાન પરાગ 12 રન અને ડૉનોવાન ફરેરા સાત રન કરીને આઉટ થયો હતો.
કોલકાતાના બોલર્સમાં કાર્તિક ત્યાગીએ બાવીસ રનમાં ત્રણ અને વરુણ ચક્રવર્તીએ 14 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. બીજા સ્પિનર સુનીલ નારાયણને 26 રનમાં બે વિકેટ મળી હતી. એકંદરે કોલકાતાનો બોલિંગ પર્ફોર્મન્સ સારો હતો અને ત્યાર બાદ કોલકાતાના બૅટ્સમેનોએ છ દિવસમાં રમાયેલી તેમની આ ત્રીજી મૅચમાં ટીમને પ્રથમ વિજય અપાવી દીધો હતો.
વૈભવ સૂર્યવંશીએ રવિવારે કોલકાતા સામે 164.28ના સ્ટ્રાઇક-રેટથી 28 બૉલમાં 46 રન કર્યા. રાજસ્થાન આ મૅચ જીતી તો ન શક્યું અને વૈભવ હાફ સેન્ચુરી ચૂક્યો હતો, પરંતુ તેનો અસલ ટચ તો જોવા મળ્યો જ હતો. આ ટૂર્નામેન્ટના આગામી પર્ફોર્મન્સ તેને ભારતીય ટીમ માટે પ્રબળ દાવેદાર બનાવશે એમાં શંકાને સ્થાન નથી.
વૈભવ વિશેની રસપ્રદ ઍનેલિસિસ માટે જુઓ અમારો આ ટૉક-શૉ.