Thu May 21 2026

Logo

પાન્ડેના પર્ફોર્મન્સથી કોલકાતાએ આશા જીવંત રાખી

2026-05-21 09:06:00
Author: Ajay Motiwala
Article Image

 


કોર્બીન બોશ્ચના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ છતાં મુંબઈનો ફરી ફ્લોપ શૉ


કોલકાતાઃ બુધવારે અહીં ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)એ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ને  લૉ-સ્કોરિંગ મુકાબલામાં ચાર વિકેટે હરાવીને પ્લે-ઑફની આશા જીવંત રાખી હતી. જોકે કોલકાતાએ હજી અન્ય ટીમોના પરિણામો પર ઘણો આધાર રાખવો પડશે. શરૂઆતની તમામ છ મૅચ હાર્યા પછી કોલકાતા હવે છેલ્લી સાતમાંથી છ મૅચ જીત્યું છે. બીજી બાજુ, મુંબઈ 13માંથી 9 મૅચમાં પરાજિત થયું છે.

પ્લે-ઑફ માટેની લેટેસ્ટ સ્થિતિ

બેંગ્લૂરુ, ગુજરાત અને હૈદરાબાદ પ્લે-ઑફમાં પહોંચી ગયા છે. રાજસ્થાન, પંજાબ, ચેન્નઈ અને કોલકાતામાંથી કોઈ એક ટીમ પ્લે-ઓફનું ચોથું સ્થાન ભરશે. દિલ્હીની ટીમ આ રેસમાંથી ઑલમોસ્ટ આઉટ થઈ ગઈ છે. 13-13માંથી 9-9 મૅચ હારીને માત્ર 8-8 પોઇન્ટ ધરાવતા મુંબઈ અને લખનઊ છેક છેલ્લા બે સ્થાને છે અને પ્લે-ઑફની રેસની બહાર છે.

મનીષ પાન્ડે મૅન ઑફ ધ મૅચ

બુધવારે મુંબઈએ કોર્બીન બોશ્ચના 32 રનની મદદથી 20 ઓવરમાં આઠ વિકેટે 147 રન કર્યા હતા. કોલકાતાએ 18.5 ઓવરમાં (સાત બૉલ બાકી રાખીને) છ વિકેટના ભોગે 148 રન કરીને વિજય મેળવ્યો હતો. મનીષ પાન્ડે (45 રન, 33 બૉલ, 6 ચોગ્ગા)ને ટીમમાં સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અગાઉ તેણે મુંબઈની ઇનિંગ્સમાં ઓપનર રાયન રિકલ્ટનનો શાનદાર કૅચ પણ ઝીલ્યો હતો.

પાન્ડે-પૉવેલની 64 રનની ભાગીદારી

મનીષ પાન્ડે અને રૉવમૅન પૉવેલ (40 રન, 30 બૉલ, બે સિક્સર, ચાર ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 64 રનની જે ભાગીદારી થઈ હતી એ મુંબઈને સૌથી વધુ ભારે પડી હતી. રિન્કુ સિંહ (નવ અણનમ) અને અનુકૂલ રૉય (ચાર અણનમ)ની જોડીએ કોલકાતાને 19મી ઓવરમાં જીત અપાવી હતી. બુમરાહે આ મૅચના બેસ્ટ બૅટ્સમૅન મનીષ પાન્ડેની વિકેટ લીધી હતી. તેને તેમ જ દીપક ચાહર અને અલ્લાહ ગઝનફરને એક-એક વિકેટ મળી હતી. કોર્બીન બોશ્ચ સૌથી વધુ ત્રણ વિકેટ લેવામાં સફળ થયો હતો, પરંતુ તેના ઑલરાઉન્ડ પર્ફોમન્સ છતાં છેવટે મુંબઈએ હાર જોવી પડી હતી. મુંબઈના વિકેટકીપર રિકલ્ટને બે કૅચ ઝીલ્યા હતા, જયારે કોર્બીન બોશ્ચ અને ગઝનફરે એક-એક કૅચ ઝીલ્યો હતો.

વરસાદનું વિઘ્ન, મુંબઈનો ફરી ફ્લૉપ-શૉ

એ પહેલાં, વરસાદના વિઘ્ન વચ્ચે મુંબઈએ 20 ઓવરમાં આઠ વિકેટે જે 147 રન બનાવ્યા હતા. વરસાદને લીધે આઠમી ઓવર બાદ રમત અટકી હતી અને ત્યારે મુંબઈનો સ્કોર 4/57 હતો, પણ રમત ફરી શરૂ થયા બાદ મુંબઈએ સમયાંતરે વિકેટ ગુમાવી હતી. છેક 20મી ઓવર આખી ઇનિંગ્સમાં સર્વશ્રેષ્ઠ સાબિત થઈ હતી. પેસ બોલર કાર્તિક ત્યાગીની એ ઓવરમાં બૉશ્ચે બે સિક્સર અને એક ફોરની મદદથી કુલ 19 રન બનાવ્યા હતા.

મુંબઈના દિગ્ગજ બૅટ્સમેનો ફરી નિષ્ફળ

મુંબઈની બૅટિંગમાં કૉર્બીન બૉશ્ચ (32 અણનમ, 18 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)નો સૌથી મોટો ફાળો હતો. કમબૅકમૅન હાર્દિક પંડ્યાએ 26 રન, તિલક વર્માએ 20 રન તેમ જ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે 15-15 રન બનાવ્યા હતા. વિલ જૅક્સ 14 રનના પોતાના સ્કોર પર રનઆઉટ થઈ ગયો હતો.

કોલકાતાના ત્રણ બોલરને મળી બે-બે વિકેટ

કોલકાતાના પેસ બોલર સૌરભ દુબે, કાર્તિક ત્યાગી અને કૅમેરન ગ્રીને બે-બે વિકેટ લીધી હતી. રોહિત શર્મા અને સૂર્યકુમાર, બન્નેની વિકેટ લેફ્ટ-આર્મ પેસ બોલર સૌરભ દુબેએ લીધી હતી. એ પહેલાં, રિકલ્ટનને અને નમન ધીરને કૅમેરન ગ્રીને પૅવિલિયનમાં વહેલા પાછા મોકલ્યા હતા.