Fri Jun 19 2026

Logo

નવા મલિન્ગાનું મૅજિકઃ બે રનઆઉટ, બે વિકેટ, એક કૅચ

2026-04-02 23:21:36
Author: Ajay Motiwala
Article Image

IPL


હૈદરાબાદે યજમાન કોલકાતાને 65 રનથી હરાવ્યું

કોલકાતાઃ ઈડન ગાર્ડન્સમાં સનરાઇઝર્સ હૈદરાબાદે (20 ઓવરમાં 8/226) યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સ (16 ઓવરમાં 10/161)ને 65 રનથી હરાવીને બે પૉઇન્ટ સાથે ખાતું ખોલાવ્યું હતું અને પૉઇન્ટ્સ-ટેબલમાં રાજસ્થાન, બેંગ્લૂરુ, દિલ્હી, મુંબઈ, પંજાબની હરોળમાં આવી ગયું હતું. શ્રીલંકાના એશાન મલિન્ગા (Eshan Malinga)એ કમાલનું પર્ફોર્મ કર્યું હતું. તેણે અંગક્રિશ રઘુવંશી (બાવન રન, 29 બૉલ, બે સિક્સર, છ ફોર) તેમ જ કૅમેરન ગ્રીન (બે રન)ને રનઆઉટ કર્યા હતા, કૅપ્ટન અજિંક્ય રહાણે (આઠ રન)નો કૅચ ઝીલ્યો હતો તેમ જ રમણદીપ સિંહ (10 રન) તથા એક સમયના સૌથી ડૅન્જરસ ઓપનર સુનીલ નારાયણ (12 રન)ની વિકેટ પણ લીધી હતી. કોલકાતા (Kolkata)ની ઇનિંગ્સમાં ચારેય કોર મલિન્ગા છવાઈ ગયો હતો. રઘુવંશીને રનઆઉટ કરવામાં શિવાંગ કુમારની પણ મહત્ત્વની ભૂમિકા હતી.

મૂળ પોરબંદરના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ (3-0-21-3)નું પણ હૈદરાબાદને જિતાડવામાં મોટું યોગદાન હતું. મલિન્ગા ઉપરાંત નીતીશ રેડ્ડીએ બે અને હર્ષ દુબેએ એક વિકેટ લીધી હતી. 14મી ઓવરમાં રિન્કુ સિંહે (35 રન, પચીસ બૉલ, એક સિક્સર, ચાર ફોર) નીતીશ રેડ્ડીના બૉલમાં વિકેટ ગુમાવી એ સાથે કોલકાતાના વિજયની આશા ખૂબ ઓસરી ગઈ હતી.

PTI

કિવી ઓપનર ફિન ઍલન (28 રન, સાત બૉલ, બે સિક્સર, ચાર ફોર) મહિના પહેલાં આ જ મેદાન પર વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે અણનમ 100 રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો, પણ ગુરુવારે હૈદરાબાદ સામે ટૂંકી આક્રમક ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. તેની પ્રથમ મહત્ત્વની વિકેટ સ્પિનર હૈદરાબાદના હર્ષ દુબેએ લીધી હતી.

એ પહેલાં, હૈદરાબાદે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ખાસ કરીને ચાર બૅટ્સમેનના સાધારણ છતાં ઉપયોગી પ્રદર્શનથી 20 ઓવરમાં આઠ વિકેટે 226 રન કર્યા હતા. હૈદરાબાદના 226 રન આ વખતની આઇપીએલનો સર્વોચ્ચ સ્કોર હતો. 19મી ઓવર સુધી હૈદરાબાદની ઇનિંગ્સમાં છ વિકેટે 200-પ્લસ રન થયા હતા, પરંતુ કોઈની પણ હાફ સેન્ચુરી નહોતી. જોકે 20મી ઓવરમાં હિન્રિક ક્લાસેને હાફ સેન્ચુરી પૂરી કરી હતી. તે એ ઓવરમાં આઉટ થયો હતો.

ક્લાસેને 35 બૉલમાં એક છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી બાવન રન કર્યા હતા અને ઝિમ્બાબ્વેથી આવેલા પેસ બોલર બ્લેસિંગ મુઝરબાનીના બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. એ ઓવરના અંતિમ બૉલમાં મુઝરબાનીએ શિવાંગ કુમારની પણ વિકેટ લીધી હતી. ટ્રૅવિસ હેડે 46 રન, અભિષેકે 48 અને નીતીશ કુમારે 39 રન કર્યા હતા.

મુઝરબાનીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. વૈભવ અરોરાને બે તેમ જ કાર્તિક ત્યાગી અને અનુકૂલ રૉય એક-એક વિકેટ લઈ શક્યા હતા.