કોલકાતાઃ ત્રણ ટાઇટલ જીતી ચૂકેલા કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમ ઈજાગ્રસ્ત પેસ બોલર હર્ષિત રાણાની બાદબાકીના આઘાતમાંથી હજી બહાર નથી આવી ત્યાં આ ટીમને અને એના અસંખ્ય ચાહકોને ઝટકો આપે એવા સમાચાર મળ્યા છે.
સીમ બોલર આકાશ દીપ (Akash Deep) પીઠના અસહ્ય દુખાવાને કારણે આઇપીએલ-2026ની બહાર થઈ ગયો છે. કેકેઆરે શ્રીલંકાના પેસ બોલર મથીશા પથિરાનાને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, પરંતુ તે ઈજાને લીધે શરૂઆતની અમુક મૅચો નહીં રમે એટલે ટીમને એની પણ ખોટ વર્તાશે.
29 વર્ષનો રાઇટ-આર્મ બોલર આકાશ દીપ છેલ્લે રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીરની સેમિ ફાઇનલમાં રમ્યો હતો. ત્યારે જ તે પૂરી ફિટનેસમાં નહોતો જણાતો. એ મહત્ત્વની મૅચમાં તેણે પ્રથમ દાવમાં 13 ઓવર અને બીજી ઇનિંગ્સમાં માંડ સાત ઓવર બોલિંગ કરી હતી. ડૉક્ટરે તેને લગભગ આઠ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી હોવાથી તે આઇપીએલ બાદ જૂનમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં પણ કદાચ નહીં રમે.
હર્ષિત રાણા અને આકાશ દીપ આખી આઇપીએલમાં નહીં રમે એટલે અજિંક્ય રહાણેની ટીમે વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી અને ઉમરાન મલિક પર વધુ મદાર રાખવો પડશે. જોકે બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને કેકેઆરે તાજેતરના ટી-20 વર્લ્ડ કપ પહેલાં જ ટીમમાંથી બહાર કરી દેવો પડ્યો હોવાથી વિદેશી ફાસ્ટ બોલરની પણ ટીમને ખોટ વર્તાશે.
એ ખોટ ભરવા કેકેઆરના ફ્રૅન્ચાઇઝીએ ઝિમ્બાબ્વેના પેસ બોલર બ્લેસિંગ મુઝરબાનીને સ્ક્વૉડમાં સમાવ્યો છે. કેકેઆરના ટીમ મૅનેજમેન્ટ અને કોચિંગ સ્ટાફે ઈજાગ્રસ્ત બોલર્સનું સ્થાન ભરવા તાજેતરમાં પેસ બોલર્સ આકાશ મઢવાલ, નવદીપ સૈની, સિમરનજિત સિંહ, કેએમ આસિફ અને સંદીપ વૉરિયરની ટ્રાયલ રાખી હતી.