નવી દિલ્હીઃ દેશભરમાં હવે ખરીફ પાકની સિઝન આવી રહી છે. ખરીફ સિઝનને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, આપણાં દેશ પાસે ખાતરોનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે, એટલે ખેડૂતોને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલે કે ખેતી પહેલા ખેડૂતોને ખાતર માટે રાહ જોવી પડશે નહીં. એટલું જ નહીં પરંતુ યુરિયા અને ડીએપી જેવા જરૂરી ખાતરો ખેડૂતોને નક્કી કરેલા ભાવે જ આપવામાં આવશે તેવું સરકારે જણાવ્યું છે. આ સમાચાર ખેડૂતો માટે ખૂબ જ મહત્વની છે.
ભારતમાં યુરિયા જથ્થો ગયા વર્ષ કરતા પણ વધારે છે
સરકાર દ્વારા આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો, ભારતમાં યુરિયાનો ભંડાર હાલમાં ગયા વર્ષ કરતા વધારે છે. એટલું જ નહીં પરંતુ ડાયમોનિયમ ફોસ્ફેટ (DAP)નો ભંડાર પણ બમણો થયો છે. આ સાથે સાથે NPK જેવા અન્ય ખાતરોનો પણ સારો સ્ટોક આપણી પાસે ઉપલબ્ધ છે. આ તમામ ખાતરોને પૂરતા પ્રમાણમાં જથ્થો હોવાના કારણે ખેડૂતોને ખરીફ પાક વાવેતરમાં સરળ રહેશે. વાવણી સમયે ખેડૂતોને આ ખાતરો માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ આ વખતે કોઈ પરેશાની નહીં આવે તેવું સરકારે જણાવ્યું છે.
ખાતર માટે ભારત સરકારે ઘરેલુ ઉત્પાદનમાં વધારો કર્યો
આ ખાતરનો જથ્થો વધે તે માટે સરકારે ઘરેલુ ઉત્પાદનમાં વધારો કર્યા છે. આ સાથે આયાતને પણ વધારે મજબૂત કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, દેશમાં યુરિયાનું ઉત્પાદન પણ વધ્યું છે અને ગેસના સારા પુરવઠાને કારણે ખાતર પ્લાન્ટની ક્ષમતામાં સુધારો થયો છે. મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ખાતરના પૂરઠામાં કોઈ અછત નહીં સર્જાય તેની પણ ખાતરી આપવામાં આવી છે.
કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે દેખરેખ રખાશે
ભારતમાં ખરીફ પાકની સિઝનમાં મે મહિનામાં આ ખાતરની માંગ વધી જતી હોય છે. આ દરમિયાન કેટલાક લોકો દ્વારા ખાતરની કાળા બજારી પણ કરવામાં આવતી હોય છે. તેથી સરકાર ખાતરના કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે દેખરેખ પણ વધારી રહી છે. દરેક રાજ્યોની ખાતરની પુરવઠા પર નજર રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યાં છે. આ સિઝનમાં ખેડૂતોને સમયસર ખાતર પહોંચાડવામાં આવશે તેવી કેન્દ્ર સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે.