પુણે: પુણેના લોહગડ કિલ્લા પરથી ખીણમાં ધકેલી રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર અને ટ્રેકર કેતન અગરવાલની કથિત હત્યા કરવાના કેસમાં પોલીસને સિયા ગોયલના સ્નૅપચૅટ હાથ લાગ્યા છે. જૂનમાં કેતનને પતાવી દેવાના અમુક સપ્તાહ પહેલાં મે મહિનામાં જ તેની વાગ્દત્તા સિયાએ એક ફ્રેન્ડને કહ્યું હતું કે કેતન સાથે તેનાં લગ્ન નહીં થાય!
કેતનને 18 જૂને લોનાવલાના લોહગડ કિલ્લા પરથી ખીણમાં ધક્કો મારવામાં આવ્યો હતો. અકસ્માતે ખીણમાં પડવાથી કેતને જીવ ગુમાવ્યો હોવાનું જુઠ્ઠાણું પહેલાં સિયાએ ચલાવ્યું હતું. જોકે તપાસ દરમિયાન કેતનની હત્યા થઈ હોવાનું સામે આવતાં પોલીસે સિયા (20) અને તેના પ્રેમી ચેતન ચૌધરી (22)ની ધરપકડ કરી હતી.
આરોપીઓ વિરુદ્ધ સબળ પુરાવા એકઠા કરવા પોલીસ દરેક દિશામાં તપાસ કરી રહી છે. પોલીસે હવે સિયાના સ્નૅપચૅટ્સ તપાસ્યાં હતાં, જેમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. પોલીસના કહેવા મુજબ સિયાનાં લગ્ન નવેમ્બરમાં થવાનાં હતાં. આ માટે ઉદયપુરની ટિકિટ બુકિંગ કરવા સિયાએ તેના ફ્રેન્ડને આધાર કાર્ડની કૉપી મોકલાવવાનું કહ્યું હતું અને સાથે સાથે એમ પણ કહ્યું હતું કે લગ્ન કાંઈ થવાનાં નથી.
મેસેજમાં સિયાએ લખ્યું હતું કે લગ્ન માટે ટિકિટ બુક કરાવી રહ્યાં છીએ... તારા આધાર કાર્ડની આગળ-પાછળની ફોટોકૉપી મોકલ. લગ્ન કોઈ પણ હિસાબે થવાનાં નથી, પરંતુ તે છતાં કૉપી મોકલ. કેતનના પરિવારે સગાંસંબંધી અને ફ્રેન્ડ્સ માટે લગ્નમાં જવા પ્રવાસનું બુકિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ માટે સિયાના પરિવારના મહેમાનોનાં નામ અને આધારની વિગતો મગાવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
કેતનની હત્યાના કાવતરાની જાણ સિયાને પહેલાંથી હતી કે કેમ તેની ખાતરી કરવા માટે પોલીસ તેના ફ્રેન્ડ્સની પૂછપરછ કરવાની છે. દરમિયાન કેતનના 71 વર્ષના દાદા દેવીચંદ અગરવાલનું શનિવારની સાંજે પુણેની હૉસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. છેલ્લા અમુક દિવસથી તે હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. (પીટીઆઈ)