બેંગ્લૂરુઃ કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે શિવકુમારે ગઈકાલે શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે ખુરશી સામે શિશ ઝૂકાવીને કામની શરૂઆત કરી હતી. જેના ફોટા તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કર્યા હતા. તસવીર પોસ્ટ કરીને તેમણે લખ્યું,Work is Worship.
ಕಾಯಕವೇ ಕೈಲಾಸ pic.twitter.com/E7HnMHXc3v
— DK Shivakumar (@DKShivakumar) June 3, 2026
કોણ છે ડી. કે. શિવકુમાર?
કર્ણાટકના રાજકારણમાં જ્યારે પણ સત્તા, સંગઠન અને વ્યૂહરચનાની વાત આવે છે ત્યારે 64 વર્ષીય ડી.કે. શિવકુમારનું નામ સૌથી આગળ આવે છે. તેઓ કૉંગ્રેસના 'સંકટમોચક' માનવામાં આવે છે. પાર્ટી જ્યારે પણ મુશ્કેલીમાં મુકાઈ, તેમણે મેદાનમાં ઉતરીને પરિસ્થિતિ સંભાળી છે. બળવાખોર ધારાસભ્યોને મનાવવાની વાત હોય કે સરકાર બચાવવાની કવાયત, શિવકુમાર હંમેશા કૉંગ્રેસની વ્યૂહરચનાના કેન્દ્રમાં રહ્યા છે.
15 મે 1962ના રોજ કર્ણાટકના કનકપુરામાં જન્મેલા ડીકે શિવકુમારનું પૂરું નામ ડોડ્ડાલાહલ્લી કેમ્પેગૌડા શિવકુમાર છે. તેમનું ઘર બેંગ્લૂરુ પાસે છે અને તેઓ વોક્કાલિગા સમુદાયમાંથી આવે છે. તેમના મોટા ભાઈ ડી. કે. સુરેશ પણ રાજકારણ સાથે જોડાયેલા છે. વર્ષ 1993માં ડી.કે. શિવકુમારના લગ્ન થયા હતા અને તેમની પત્નીનું નામ ઉષા શિવશંકર છે. તેમને બે પુત્રીઓ- ઐશ્વર્યા અને આભારાના તથા એક પુત્ર આકાશ છે. ડી. કે. શિવકુમાર દેશના સૌથી અમીર રાજકારણીઓમાંથી એક છે.

રાજકારણમાં એન્ટ્રી
રાજકારણમાં તેમની એન્ટ્રી 1980ના દાયકાની શરૂઆતમાં વિદ્યાર્થી જીવનથી જ થઈ ગઈ હતી. અત્યંત સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા શિવકુમારે ધીમે-ધીમે કૉંગ્રેસ સંગઠનમાં પોતાની મજબૂત પકડ બનાવી. કર્ણાટકના રાજકારણમાં તેમની મજબૂત પકડ છે. કનકપુરા વિસ્તારમાં તેમનો પ્રભાવ એટલો છે કે ત્યાં ચૂંટણી જંગ અવારનવાર એકતરફી જોવા મળે છે. સમર્થકો તેમને 'કનકપુરા બંડે' એટલે કે 'કનકપુરાનો ખડક' પણ કહે છે.
ડીકે શિવકુમાર કુલ 8 વખત ધારાસભ્ય (MLA) તરીકેની ચૂંટણી જીતી ચૂક્યા છે. સૌથી પહેલા વર્ષ 1989માં 27 વર્ષની ઉંમરે તેમણે ચૂંટણી લડી હતી અને મૈસૂર જિલ્લાની સથાનૂર વિધાનસભા બેઠક પરથી જીત મેળવી હતી. ત્યારબાદ કોંગ્રેસની ટિકિટ પર તેઓ 1993, 1999 અને 2004માં સતત ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. જ્યારે કનકપુરા બેઠક પરથી તેમણે 2008, 2013, 2018 અને 2023માં જીત મેળવી હતી. 1990માં તેઓ પ્રધાન બન્યા હતા. ત્યારબાદ અલગ-અલગ સરકારોમાં તેમણે ઉર્જા, સિંચાઈ અને શહેરી વિકાસ જેવા મહત્વના વિભાગો સંભાળ્યા હતા.
પરંતુ તેમની અસલી તાકાત તેમની સંગઠન ક્ષમતા માનવામાં આવે છે. કૉંગ્રેસ હાઈકમાન્ડ પણ અનેક પ્રસંગોએ તેમના પર ભરોસો મૂકતું રહ્યું છે. તેઓ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના વિશ્વાસુ માનવામાં આવે છે.
વર્ષ 2019માં જ્યારે કૉંગ્રેસ-જેડીએસ (JDS) સરકાર સંકટમાં આવી હતી, ત્યારે બળવાખોર ધારાસભ્યોને સાચવવાની જવાબદારી પણ શિવકુમારના ખભા પર હતી. એ ગાળામાં તેમના આક્રમક રાજકારણે તેમને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી હતી. પાછળથી તેમને કર્ણાટક કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત પાછળ પણ તેમની મહેનતને મોટું કારણ માનવામાં આવ્યું હતું. જોકે, તેમની રાજકીય સફર વિવાદોથી મુક્ત રહી નથી. આવક કરતાં વધુ સંપત્તિ અને મની લોન્ડરિંગ જેવા કેસોમાં તપાસ એજન્સીઓ તેમની પૂછપરછ કરી ચૂકી છે. 2019માં ઇડી દ્વારા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ આ વિવાદો છતાં તેમની રાજકીય તાકાત નબળી પડી નથી.
કર્ણાટકમાં કૉંગ્રેસની સરકાર બન્યા પછી મુખ્ય પ્રધાન પદને લઈને સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચેનો ગજગ્રાહ જાહેરમાં સામે આવ્યો હતો. આખરે પાર્ટીએ સિદ્ધારમૈયાને મુખ્ય પ્રધાન અને શિવકુમારને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા હતા.