કર્જત: રાયગઢના કર્જત તાલુકામાં ભાજપ પ્રમુખ અને ભૂતપૂર્વ મેયર રાજેશ લાડે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતાં રાયગઢના કર્જત ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં મોટો ખળભળાટ મચ્યો છે. રાજકારણમાં એવી ચર્ચા છે કે પક્ષના આંતરિક ઝઘડા અને મોટા નેતાઓની બેદરકારીથી કંટાળીને તેમણે આ નિર્ણય લીધો હતો.
મળેલી માહિતી મુજબ, કર્જત ભાજપમાં છેલ્લા ઘણા વર્ષોથી બે મોટા જૂથો સક્રિય છે. કર્જત નગરપાલિકા, જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીઓ વખતથી આ બંને જૂથો એકબીજાને નીચા દેખાડવાની એક પણ તક છોડતા નહોતા.
પક્ષની આ ખુલ્લેઆમ જૂથબંધીનું સીધું નુકસાન ભાજપને વેઠવું પડતુ હતું, જેના કારણે શહેર અને તાલુકા કક્ષાએ પક્ષને હારનો સામનો કરવો પડ્યો હતો.
કર્જત ભાજપના આ આંતરિક ઝઘડાને રોકવામાં અને કાર્યકરોને એકસાથે જોડી રાખવામાં પક્ષના મોટા નેતાઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ હવે ખુલ્લેઆમ થઈ રહ્યો છે. નેતાઓની આ બેદરકારીથી કંટાળીને જ રાજેશ લાડે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે. જો કે, લાડે પોતાના સત્તાવાર રાજીનામા પત્રમાં વર્તમાન જવાબદારીના પદ માટે પૂરતો સમય આપી ન શકાતા હોવાનું વ્યક્તિગત કારણ આપ્યું હતું.