Wed Jul 29 2026

Logo

આપણી દીકરીઓને કંગનાના કેરેક્ટર સર્ટિફિકેટની જરૂર નથી

2026-07-29 08:19:23
Author: Bharat Bharadwaj
Article Image

એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજ

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નું આંદોલન શમી ગયું પણ તેના પડઘા શમ્યા નથી. દેખાવકારો સામે થયેલા કેસો પાછા ખેંચવા મુદ્દે સર્જાયેલા ગૂંચવાડાથી માંડીને પોલીસે કરેલા કહેવાતા અત્યાચાર અને દિલ્હીના જંતર મંતર ખાતે થયેલા દેખાવોમાં અપરાધીઓની સંડોવણી સુધીના મુદ્દા ગાજી રહ્યા છે. આ બધા સરકાર, વહીવટી તંત્ર અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા મુદ્દા છે તેથી રાતોરાત તેમનો ઉકેલ નહીં આવે . આંદોલન રાતોરાત પતી જાય પણ તેની અસરો લાંબા સમય સુધી વર્તાતી હોય છે એ જોતાં  રાતોરાત આ મુદ્દા શમવાના પણ નથી. સીજેપીના આંદોલનને મળેલી સફળતાના કારણે ઈથેનોલ વિરોધી અને અનામત પ્રથા નાબૂદ કરવા માટેનાં આંદોલનો પણ સોશિયલ મીડિયા પર શરૂ થયાં છે તેથી તેમના કારણે પાછાં નવાં કમઠાણ ઊભાં ના થાય તેની પણ ચિંતા સૌને અને ખાસ તો ભાજપ સરકારને સતાવી રહી છે. 

આ બધા વચ્ચે ભાજપ સમર્થકોએ સીજેપીને ટાર્ગેટ કરીને સોશિયલ મીડિયા પર શરૂ કરેલી ઝુંબેશના કારણે દેશમાં હવે પછીના દિવસો પણ શાંતિના નહીં હોય તેના ભણકારા વાગવા માંડ્યા છે. એક તરફ ભાજપ સમર્થકોએ કૉક્રોચ જનતા પાર્ટીના કાર્યકરોએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી કરેલી ઉજવણીની માટે માછલાં ધોવા માંડ્યાં છે ત્યારે બીજી તરફ ભાજપ સાંસદ કંગના રણૌતે જેન-ઝીને ‘જનરેશન ગટર’ ગણાવીને સાવ ગંદી ટીપ્પણીઓ કરતાં મામલો ગરમ છે. કંગનાએ સીજેપીના દેખાવોમાં ભાગ લેનારી છોકરીઓ ડ્રગ્સ અને દારૂની બંધાણી અને અનેક છોકરાઓ સાથે સેક્સ ભોગવનારી ગણાવી છે. કંગનાએ લાંબી લચ્ચક પોસ્ટમાં બીજી પણ વાતો કરી છે ને તેનો સાર એ જ છે કે, આ બધી છોકરીઓ સાવ વંઠી ગયેલી છે ને બાપાના પૈસે અય્યાશીઓ કરે છે.
 
કંગનાની વાતો આઘાતજનક પણ છે ને હાસ્યાસ્પદ પણ છે કેમ કે કંગના સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી જેવું કરી રહી છે. એક્ટ્રેસ તરીકે કંગનાએ લફરાંબાજીથી માંડીને ડ્રગ્સ લેવા સુધીના શું શું ધંધા કર્યા એ જગજાહર છે. હવે આ છાપેલું કાટલું આપણી દીકરીઓને કેરેક્ટર સર્ટિફિકેટ આપી રહ્યું છે તેનાથી વધારે હાસ્યાસ્પદ શું કહેવાય ? આઘાતજનક વાત એ છે કે, કંગનાના બકવાસ સામે ભાજપની નેતાગીરી ચૂપ છે. કંગનાને ઝાટકવાની વાત તો છોડો પણ ભાજપમાંથી એક મરદનો બચ્ચો એવો આગળ નથી આવતો કે જે કહે કે, છોકરીઓએ પોતાની અંગત જીંદગીમાં શું કરવું તેની તેમને આઝાદી છે ને એ વિશે બોલવાનો કંગનાને કોઈ અધિકાર નથી.  દીકરીઓને આ રીતે હલકી ચિતરવી કઈ હિંદુ સંસ્કૃતિ છે એ પણ ખબર નથી પડતી. 

સીજેપીએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉજવણી કરી તેની પણ ટીકા થઈ રહી છે. ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું આપ્યું અને કેન્દ્ર સરકારે કૉક્રોચ જનતા પાર્ટીની તમામ માગણીઓ સ્વીકારી લીધી એટલે આંદોલન સમેટી લેવાની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત પછી સીજેપીના કેટલાક નેતાઓ નાચતા અને ઉજવણી કરતા હોય તેવા વીડિયો વાયરલ થયા હતા. વીડિયો વાઇરલ થતાં જ ભાજપના નેતાઓ અને સમર્થકો તૂટી પડ્યા હતા. 

નીટનું પેપર લીક થયું તેના કારણે આપઘાત કરનારા વિદ્યાર્થીઓના મોત પર આંદોલન ચલાવનારા સીજેપીના નેતા મોતનો મલાજો જાળવ્યા વિના ‘પાર્ટી’ કરી રહ્યા હોવાની ટીકા કરીને માથે માછલાં ધોવાનો કાર્યક્રમ પૂરજોશમાં શરૂ કરી દેવાયેલો ને હજુ ચાલે છે. એવી ટીકા પણ થઈ કે, આ ‘પાર્ટી’ સીજેપીના નેતાઓની સંવેદનહીનતા બતાવે છે. સોનમ વાંગચૂકે મર્યાદામાં રહીને ઉજવણી કરવાની સલાહ આપી પછી તો બધા વધારે જોરમાં આવી ગયા છે. પોતાને સીજેપીના સમર્થક ગણાવનારા કેટલાકે એવો સવાલ પણ કર્યો કે, ઘણાં રાજ્યોમાં દેખાવકારો સામે હજુ પણ કેસો પાછા નથી ખેંચાયા, એ જોતાં આવી ઉજવણી કેટલી યોગ્ય છે? 

આ ટીકાઓ ભાજપ સમર્થકોનાં બેવડાં ધોરણોનો વધુ એક નાદાર નમૂનો છે. સીજેપીના કાર્યકરોએ પેપર લીકના કારણે મોતને ભેટનારા વિદ્યાર્થીઓના મોતનો મલાજો જાળવીને ઉજવણી નહોતી કરવા જેવી એ સાચું પણ યંગસ્ટર્સમાં એવી સમજ ના હોય એ જોતાં આ કંઈ મોટો અપરાધ નથી. વિજયના અતિ ઉત્સાહમાં ડાન્સ કર્યો તેને ‘પાર્ટી’ કહેવાય ? ને સૌથી મોટી વાત તો એ કે, અત્યારે નીટ પેપર લીકના કારણે આપઘાત કરનારા વિદ્યાર્થીઓનાં મોતનો મલાજો જાળવવાની દુહાઈ આપનારા કેન્દ્ર સરકારમાંથી કોઈએ વિદ્યાર્થીઓના મોત પાછળ આંસુ સારવાની વાત તો છોડો પણ એક હરફ સુધ્ધાં ના ઉચ્ચાર્યો તેની વાત પણ કરે છે? 

ધર્મેન્દ્ર પ્રધાન આંદોલન શરૂ થયા પછી સવા મહિના લગી સત્તા પર ચીટકી રહ્યા પણ એક વાર પણ આપઘાત કરનારા વિદ્યાર્થીઓનાં મોતની વાત નથી કરી. પગ નીચે રેલો આવ્યો પછી મોદી સાહેબે રીલ પર રીલ બનાવીને ‘ફ્રેન્ડ્ઝ’ને સંબોધ્યા પણ આપઘાત કરનારા વિદ્યાર્થીઓ માટે શ્રદ્ધાંજલિના બે શબ્દો નથી નિકળતા કે તેમના પરિવારો તરફ  સહાનુભૂતિ વ્યક્ત કરવાનું સૌજન્ય નથી બતાવ્યું. આ ક્યા પ્રકારની સંવેદનશીલતા છે ભાઈ? સીજેપીના નેતાઓ તો લબરમૂછિયા છે ને તેમનામાં એટલી પરિવક્વતા નથી તેથી ઉજવણી કરવાની ભૂલ કરી દીધી પણ વરસોથી રાજકારણમાં છે એવા પાકટ લોકોની સંવેદનશીલતા ક્યાં જતી રહી છે? 

બીજી શરમજનક વાત એ છે કે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું પછી ભાજપના સાંસદોએ તેમનું સન્માન કર્યું. જે માણસને નીટનું પેપર ફૂટવાથી 23 લાખ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થયાં તેનાથી કોઈ ફરક પડતો નથી, 21 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છતાં રુવાડું પણ નથી ફરકતું એવા માણસનું સન્માન કરાય એ કેવી સંવેનદનશીલતા? સીજેપીના કાર્યકરોની ‘પાર્ટી’ જોઈને જ્ઞાન પિરસવા બેસી ગયેલા એક પણ માણસમાં આ ‘સંવેદનશીલતા’ સામે બોલવાની હિંમત છે ખરી ? 

મોદી સરકારે આજકાલના આવેલા કાક્રોચ જનતા પાર્ટીના યુવા કાર્યકરો સામે ઝૂકવું પડ્યું તેનાથી ભાજપ સમર્થકોને મરચાં લાગ્યાં છે કેમ કે મોદી સરકારની શરણાગતિ તેમની હાર છે. ભાજપ સમર્થકોની બનેલી ટ્રોલ આર્મીએ સીજેપીના કાર્યકરોને પાકિસ્તાન-ચીનના દલાલ, દેશદ્રોહી, અપરાધીઓ સહિતનાં લેબલો લગાડીને લોકોના મનમાં તેમના માટે નફરત પેદા કરવા બહુ કોશિશ કરી જોઈ પણ સફળ ના થયા. અત્યાર લગી ટ્રોલ આર્મી હલકટાઈભરી વાતોનો મારો ચલાવીને ગમે તેને તોડી નાખતી પણ જેન-ઝી અલગ માટીની બનેલી છે તેથી ના તૂટી. જેન-ઝીના પ્રચંડ સાથના કારણે સીજેપીએ મોદી સરકારને ઘૂંટણિયે પાડીને નાક વાઢી લીધું તેનો બળાપો આ રીતે વ્યક્ત થઈ રહ્યો છે. ટ્રોલ આર્મીને બીજું કશું આવડતું નથી એટલે સોશિયલ મીડિયા પર બકવાસ કરીને સીજેપી સામે લોકોમાં નફરત પેદા કરવા મથી રહી છે. તેમાં એ લોકો સફળ થશે તો પણ ઈતિહાસમાં સીજેપીની સફળતાને નથી ભૂંસી શકવાના એ હકીકત છે.