મુંબઈ: ઝારખંડમાં JPSC પેપર લીકના વિરોધમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન મુદ્દે બોલિવૂડના કલાકારો વચ્ચે પણ શાબ્દિક જંગ શરૂ થઈ ગઈ છે. ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહે જંતર મંતર પર વિદ્યાર્થી આંદોલન દરમિયાન ફિલ્મી કલાકારોની ચુપ્પી પર કટાક્ષ કર્યો હતો. તેમના આ નિવેદન બાદ અભિનેતા પીયૂષ મિશ્રાએ સવાલ ઉઠાવ્યો અને હવે કંગના રનૌતે ઝારખંડના મુદ્દે નસીરુદ્દીન શાહ પર આકરો પ્રહાર કર્યો છે.
પીયૂષ મિશ્રાએ નસીરુદ્દીન શાહના નિવેદનનો ઉલ્લેખ કરીને સવાલ કર્યો હતો કે JPSC પેપર લીકના વિરોધમાં વિદ્યાર્થીઓના આંદોલન સમયે કયા ‘કૂતરા’ના મોંઢામાં હાડકું છે અને તેઓ કેમ ચૂપ છે? આ પોસ્ટ શેર કરતાં કંગના રનૌતે કહ્યું કે દરેક વ્યક્તિ કોઈને કોઈનો ‘કૂતરો’ છે, પરંતુ તેને ગર્વ છે કે તે જે દેશની રોટી ખાય છે તેની રક્ષા કરે છે અને તેના માટે લડે છે.
કંગનાએ નસીરુદ્દીન શાહ પર વધુ પ્રહાર કરતાં કહ્યું, “નસીરુદ્દીન સાહેબ ખાય તો આ દેશનું છે, પરંતુ લડે પડોશી દેશ માટે છે.” તેમણે નસીરુદ્દીન શાહની સરખામણી શિયાળ સાથે કરી અને કહ્યું કે તે નસીરુદ્દીન શાહની જેમ શિયાળ બનવા કરતાં શ્વાન બનવાનું પસંદ કરશે. કંગનાના આ નિવેદન બાદ બંને કલાકારો વચ્ચેનો વૈચારિક મતભેદ ફરી ચર્ચામાં આવ્યો છે.
આ સમગ્ર વિવાદ ઝારખંડના વિદ્યાર્થી આંદોલનની પૃષ્ઠભૂમિમાં થયો છે. ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને JPSC પેપર લીકના વિરોધમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી. દેખાવકારોને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ ઉપરાંત વોટર કેનન અને ટિયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. કંગના રનૌતે પોલીસ કાર્યવાહીને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા.
દરમિયાન, કંગના રનૌતનું ‘જેન ઝી’ અંગેનું અગાઉનું નિવેદન પણ ચર્ચામાં આવ્યું છે. થોડા દિવસ પહેલાં તેમણે ‘જેન જી’ને ‘જેનરેશન ગટર’ ગણાવ્યું હતું, જોકે બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે ‘જેન ઝી’ દેશની તાકાત અને રાષ્ટ્ર માટે મોટી સંપત્તિ છે. હવે ઝારખંડના વિદ્યાર્થી આંદોલનના મુદ્દે નસીરુદ્દીન શાહ અને કંગના રનૌત વચ્ચે શરૂ થયેલું શાબ્દિક યુદ્ધ પણ ચર્ચાનો વિષય બન્યો છે. નસીરુદ્દીન શાહ, પીયૂષ મિશ્રા અને કંગના રનૌતના નિવેદનોને કારણે ઝારખંડનું વિદ્યાર્થી આંદોલન હવે ફિલ્મી જગતના કલાકારો વચ્ચેના વાકયુદ્ધને કારણે પણ ચર્ચામાં આવ્યું છે.