(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અન્ય યુવકના સંપર્કમાં હોવાની શંકા પરથી પ્રેમીએ સગીર વયની પ્રેમિકાની ચાકુથી ગળું ચીરી કરપીણ હત્યા કરી હોવાની ઘટના કાંદિવલીમાં બની હતી. સગીરાનો મૃતદેહ જંગલ પરિસરમાંથી મળી આવ્યાના ત્રણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
સમતાનગર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સૂરજ મારુતિ વાઘમારે (21) તરીકે થઈ હતી. કાંદિવલી પૂર્વના દામુનગર ખાતેની સરસ્વતી ચાલમાં રહેતો વાઘમારે એ જ પરિસરમાં રહેતી 17 વર્ષની સગીરા સાથે પ્રેમ હતો. શંકાને પગલે તેણે સગીરાને રહેંસી નાખી હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.
કાંદિવલીમાં સંજય ગાંધી નેશનલ પાર્ક નજીકના ડુંગરાળ ભાગમાંથી શુક્રવારની સવારે 11.25 વાગ્યે સગીરાનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી પસાર થનારા એક રહેવાસીની નજર મૃતદેહ પર પડી હતી. ચાકુથી ગળું ચીરી સગીરાની હત્યા કરવામાં આવી હતી.
બનાવની જાણ થતાં જ સમતાનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સગીરાના શબને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ઘટનાસ્થળે ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીના નિષ્ણાતો અને ડૉગ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી. ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સૅમ્પલ અને ફિંગર પ્રિન્ટ લેવામાં આવ્યા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે જતા માર્ગ પરના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપી અને સગીરાને ઓળખી કાઢવામાં આવ્યાં હતાં. સગીરાને સૂરજ વાઘમારે સાથે પ્રેમપ્રકરણ હોવાની તેના સગાંસંબંધીની પૂછપરછ પરથી પોલીસને જાણવા મળ્યું હતું. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે સગીરા અન્ય એક યુવકના સંપર્કમાં હોવાની શંકા આરોપીને હતી. પોલીસને શંકા છે કે આરોપી ઇરાદાપૂર્વક સગીરાને નિર્જન સ્થળે લઈ ગયો હતો. મારપીટ પછી તેનું ગળું ચીરવામાં આવ્યું હતું.