Thu Jul 23 2026

Logo

ફૅક ઍપમાં રૂપિયા ટ્રાન્સફરનો મેસેજ દેખાડી જ્વેલર્સને ઠગનારો પકડાયો

2026-07-05 17:17:19
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જ્વેલર્સની દુકાનમાંથી સોનાના દાગીના ખરીદ્યા પછી રૂપિયા ટ્રાન્સફર કર્યાનું ફૅક ઍપમાં દેખાડી રફુચક્કર થઈ જનારા ઠગને પોલીસે કલ્યાણમાં પકડી પાડ્યો હતો.ડોંગરી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રાહુલ પ્રકાશ કરપે (32) તરીકે થઈ હતી. કલ્યાણના કાર્પેવાડી ખાતેની શ્રમ સાફલ્ય નિવાસ બિલ્ડિંગમાં રહેતા આરોપીએ મુંબઈ, થાણે અને નવી મુંબઈના જ્વેલર્સને આ જ રીતે ચૂનો ચોપડ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર આરોપી 27 જૂનની સાંજે 7.30 વાગ્યે દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારમાં નઝમબાગ સામે આવેલી દુકાનમાં ગયો હતો અને સોનાની વીંટી ખરીદવાની તૈયારી દેખાડી હતી. દુકાનમાલિકે દેખાડેલી વીંટીમાંથી તેણે એક પસંદ કરી હતી, જેની કિંમત 82 હજાર રૂપિયા હતી.ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આરોપીએે 42 હજાર રૂપિયા રોકડેથી ચૂકવ્યા હતા, જ્યારે 40 હજાર રૂપિયા જીપેથી ચૂકવવા ક્યૂઆર કોડ સ્કૅન કર્યો હતો. પછી 40 હજાર રૂપિયા ટ્રાન્સફર થયાનો મેસેજ જ્વેલર્સને દેખાડ્યો હતો. નાણાં ખાતાંમાં જમા થયાની ખાતરી કરવા ફરિયાદી તેના મોબાઈલમાં જોતો હતો ત્યારે આરોપી વીંટી લઈને ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણે ફરિયાદીએ ડોંગરી પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને મળેલી માહિતીને આધારે આરોપીને ઓળખી કાઢ્યો હતો. ડોંગરી, માઝગાંવ, કાલાચોકી, સાયન પરિસરમાં તપાસ કર્યા પછી આરોપી કલ્યાણમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે છટકું ગોઠવી આરોપીને પકડી પાડ્યો હતો. તેની પાસેથી માનપાડા પોલીસની હદમાંથી ચોરેલી સોનાની ચેન મળી આવી હતી. આરોપીએ તેના મોબાઈલ ફોનમાં જીપે જેવી ફૅક ઍપ રાખી હતી, જેમાં તે નાણાં ટ્રાન્સફરનો મેસેજ દેખાડતો. જોકે તે ખરેખર રૂપિયા ટ્રાન્સફર કરતો નહીં. આરોપીની પૂછપરછમાં ડોંગરી, કાલાચોકી, એપીએમસી, નારપોલી, માનપાડા, કોપરી અને કાપૂરબાવડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાત ગુના ઉકેલાયા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.