Tue Oct 06 2026

Logo

કલ્યાણ-ડોમ્બિવલીમાં રખડતા શ્વાનનો વધ્યો ત્રાસઃ બાળકો અને મહિલાને કરડ્યાં, 6 ઘાયલ

2026-09-09 19:46:24
Author: Mumbai Samachar Team
કલ્યાણ-ડોમ્બિવલીમાં રખડતા શ્વાનનો વધ્યો ત્રાસઃ બાળકો અને મહિલાને કરડ્યાં, 6 ઘાયલ

મુંબઈઃ કલ્યાણ-ડોંબિવલીના વિસ્તારમાં રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. કલ્યાણમાં ગણતરીના કલાકોમાં છ જેટલા લોકોને રખડતા કૂતરાઓએ બચકાઓ ભર્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો હતો. ઇજાગ્રસ્તોમાં બેથી ત્રણ સ્કૂલના બાળકો અને પાલિકાની એક મહિલા સફાઈ કર્મચારીનો સમાવેશ થાય છે.

કૂતરાઓ કરડવાની ઘટનાઓ ખડકપાડા સર્કલ અને કલ્યાણ પશ્ચિમના ફિશ માર્કેટ વિસ્તારમાં થઈ હતી. અચાનક થયેલા હુમલામાં સ્થાનિકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને બાળકોને નિશાન બનાવવા પર લોકોની ચિંતામાં વધારો થયો છે. દરેક ઘાયલોની સારવાર માટે તેમને કલ્યાણખાતે ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ દરેકને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. 

કલ્યાણમાં રખડતા કૂતરાઓનો આ પહેલો મામલો નથી. થોડા દિવસ પહેલા જ કલ્યાણ પશ્ચિમ વિસ્તારમાં કુતરાઓના હુમલાને લઈને મોટી સંખ્યામાં ફરિયાદો સામે આવી હતી. ફક્ત બે દિવસમા જ 150થી વધુ નાગરિકોને કુતરા કરડવાની ફરિયાદ સામે આવી હતી. ત્યારબાદ પાલિકા પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને રખડતા કૂતરાઓને પકડવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. હવે ફરી અમુક કલાકોની અંદર જ છ લોકોને કૂતરાઓનો શિકાર બન્યા બાદ ફરી પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. 

સૂચના મળતા જ ડોગ સ્ક્વોડ પહોંચી 

ઘટનાની જાણકારી મળ્યા બાદ કલ્યાણ -ડોમ્બિવલી મહાનગરપાલિકાની ડોગ સ્ક્વોડ એક્ટિવ થઈ હતી. આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારીના જણાવ્યા અનુસાર બે શ્વાનને પકડી લેવામાં આવ્યા છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે ફક્ત એક-બે કૂતરાઓને પકડવાથી સમસ્યા પૂર્ણ થશે નહીં. સતત થઈ રહેલા હુમલાઓને લીધે લોકોમાં ભય ફેલાયો છે. 

સ્થાનિકોની સૌથી મોટી સમસ્યા બાળકોની સુરક્ષાને લઈને છે. શાળાના બાળકોને પણ કૂતરાના હુમલાના શિકાર થવાની જાણકારી સામે આવી છે. એવામાં વાલીઓ બાળકોને એકલા બહાર મોકલવામાં પણ ડરી રહ્યા છે. લોકોના જણાવ્યા અનુસાર રખડતા-ભટકતા કૂતરાઓની સમસ્યાના કાયમી સમાધાનની જરૂરિયાત છે. સતત બની રહેલી ઘટનાઓ વચ્ચે નાગરિકોએ પાલિકા પાસે કડક પગલાં ઉઠાવવાની માગ કરી છે.