મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટને બુધવારે નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠીએ આજે હાઈ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ તેમને બોમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેના શપથ લેવડાવ્યા હતા.
તેમના સત્તાવાર શપથવિધિ સમારોહનો વીડિયો પણ ઓનલાઈન સામે આવ્યો હતો. જસ્ટિસ ત્રિપાઠી અગાઉ અલાહાબાદ હાઈ કોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા હતા. રાષ્ટ્રપતિએ પાંચમી સપ્ટેમ્બરે તેમની નિમણૂકને મંજૂરી આપ્યા બાદ તેમને બોમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તેઓ બોમ્બે હાઈકોર્ટના 50મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. અલાહાબાદ હાઈ કોર્ટમાંથી બોમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થનારા તેઓ બીજા મુખ્ય ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે છઠ્ઠી ઓગસ્ટે મળેલી બેઠકમાં જસ્ટિસ ત્રિપાઠીના નામની ભલામણ કરી હતી ત્યાર બાદ કેન્દ્ર સરકારે શનિવારે તેમની નિમણૂકને મંજૂરી આપી હતી.
કોણ છે જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી વિશે
જસ્ટિસ ત્રિપાઠીનો જન્મ કાયદાકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાં થયો હતો. તેમણે 1990માં લખનૌ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી અને 11 જાન્યુઆરી, 1992ના વકીલ તરીકે નોંધણી કરાવી હતી. તેમની વકીલાત દરમિયાન તેમણે મુખ્યત્વે સિવિલ કેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ઓક્ટોબર 2007થી તેમણે ઉત્તર પ્રદેશ સરકારના એડિશનલ ચીફ સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે પણ સેવા આપી હતી. વકીલ તરીકેની કારકિર્દી દરમિયાન તેમણે કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટી, કાનપુર નગર નિગમ, ઉત્તર પ્રદેશ ફૂડ એન્ડ એસેન્શિયલ કોમોડિટીઝ કોર્પોરેશન, આગ્રા ડેવલપમેન્ટ ઓથોરિટી અને મુરાદાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટી સહિત અનેક સરકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે કુમાઉં યુનિવર્સિટી તરફથી પણ કોર્ટમાં દલીલો કરી હતી.
જસ્ટિસ ત્રિપાઠીને 27 સપ્ટેમ્બર, 2013ના અલાહાબાદ હાઈ કોર્ટના એડિશનલ જજ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું, ત્યાર બાદ 10 એપ્રિલ, 2015ના તેમને કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
બોમ્બે હાઈ કોર્ટમાં જજની સંખ્યા ઓછી
જસ્ટિસ ત્રિપાઠીની નિમણૂક એવા સમયે થઈ છે, જ્યારે બોમ્બે હાઈ કોર્ટમાં ન્યાયાધીશોની અછત છે. હાલમાં બોમ્બે હાઈ કોર્ટમાં 74 ન્યાયાધીશો કાર્યરત છે, જ્યારે મંજૂર સંખ્યા 94 ન્યાયાધીશોની છે. એટલે કે હાઈ કોર્ટમાં હાલમાં 20 ન્યાયાધીશોની જગ્યા ખાલી છે.