હેં... ખરેખર?! - પ્રફુલ શાહ
જુલિયટ જોઝેફિન ગોવેન, વિક્ટર હ્યુગો
જુલિયટ ડ્રુએના અફાટ સ્નેહ, ગજબ દરકાર અને જોખમ લેવાની હિમ્મતને પ્રતાપે પ્રગટ થઈ શકેલી વિક્ટર હ્યુગોની અમર રચના ‘લે મિઝેરેબલ્સ’ પ્રગટ થઈ.
આ ચમત્કારને શક્ય બનાવનારાં જુલિયટ ડ્રુએ વિશે વધુ જાણવું પડે. આમાંથી કદાચ તેમનાં વ્યક્તિત્વ ઘડતનો મહદ અંશે અણસાર મળી શકે.
મૂળ નામ જુલિયટ જોઝેફિન ગોવેન.
જન્મ 10 એપ્રિલ 1806 અને મૃત્યુ 11 મે 1883 (વય 77 વર્ષ). પિતા ગોવેન દરજી અને માતા મેરી માર્શાંડે ઘરગથ્થુ નોકરીમાં. બે મોટી બહેનો રેની અને થેરેસ અને એક ભાઈ આર્માંદ. જુલિયટના જન્મના થોડા જ મહિનામાં માતાનું અવસાન અને પછીના વર્ષે પિતા પણ કાયમ માટે છોડી ગયા.
હવે જુલિયટ ગોવેનની લાલનપાલનની જવાબદારી કાકા રેને ડ્રુએએ સંભાળી લીધી. આ અનાથે પેરિસની ધાર્મિક બોર્ડિંગ શાળામાં શિક્ષણ લીધું. અતિ પ્રતિભાશાળી બાળકી હોવાથી ફક્ત પાંચ વર્ષની ઉંમરે જ વાંચતા-લખતાં આવડી ગયું. દસ વર્ષે તો સાહિત્ય અને કાવ્યમાં એમનું નામ થવા માંડ્યું.
યુવાનીમાં પગ મૂકવા સાથે એટલે કે 1825માં જુલિયટ શિલ્પકાર જેમ્સ પ્રાડિયરની પ્રેમિકા બની. પ્રાડિયરે પેરિસના પ્લાસ દ લા કોન્કોર્ડ ખાતે સ્ટ્રાસબર્ગના પ્રતિકરૂપ એક પ્રતિમામાં તેમનો આકાર આપ્યો હતો. પ્રાડિયરની સલાહથી તેમણે 1829માં અભિનય કારકિર્દી શરૂ કરી. આરંભ કર્યો બ્રસેલ્સમાં અને પછી ગયાં પેરિસમાં. એ જ સમયગાળા દરમિયાન જુલિયટે પોતાના કાકાની અટક(સરનેમ) ‘ડ્રુએ’ વાપરવાનું શરૂ કર્યું.
જુલિયટને ઓળખનારા તેમને સ્વતંત્ર, ઉતાવળિયા અને ગુસ્સાવાળા સ્વભાવની વ્યક્તિ ગણાવતા હતા. પેરિસના સમાજમાં તેમની છાપ એક વિશિષ્ટ દરબારી સ્ત્રીની હતી, જે ભવ્ય વસ્ત્રો પહેરતી, ઉડાઉ ખર્ચ કરતી અને દેખાવમાં સુંદર હતી. હા, નિર્મળ અને તેજસ્વી આંખો, સુંદર નાક અને મોઢું નાનું. એમનો અંડાકાર ચહેરો વાદળી-કાળા વાળોથી શોભતો હતો.
આગળ જોયું એમ 1833માં મંચ પ્રસ્તુતિ ‘લુક્રેશિયા બોર્જિયા’ માં રાજકુમારી નેગ્રોનીની ભૂમિકા ભજવતી વખતે તેમની મુલાકાત વિખ્યાત લેખક વિક્ટર હ્યુગો સાથે થઈ. તે સમયે હ્યુગોની પત્ની એડેલનો સમીક્ષક સૈંત-બેવ સાથે પ્રેમસંબંધ હતો. 1833માં હ્યુગોના નાટક ‘મેરી ટ્યુડર’માં લેડી જેન ગ્રેની ભૂમિકા અંતિમ રહી. ત્યારબાદ તેમણે નાટ્યકારકિર્દીનો ત્યાગ કર્યો અને પોતાનું સર્વસ્વ એટલે કે બાકીનું જીવન પ્રેમી વિક્ટર હ્યુગોને સમર્પિત રહ્યાં. તેઓ હ્યુગોના સચિવ અને પ્રવાસસાથી બની ગયા. વર્ષોના એકાંત જીવન દરમિયાનમાં માત્ર પ્રેમીની સાથે જ બહાર જતાં. 16 ફેબ્રુઆરી, 1834થી 1883 સુધી દર વર્ષે તેઓ વિક્ટર સાથે વિતાવેલી પ્રથમ રાતની વર્ષગાંઠ ઉજવતા રહ્યા. વિક્ટર હ્યુગોએ આ અંગત પ્રસંગને પોતાની પ્રસિદ્ધ કૃતિ ‘લે મિઝેરેબલ્સ’ના કથાવસ્તુમાં પણ સમાવ્યો છે. આમાં મહત્ત્વપૂર્ણ પાત્રો મારિયસ અને કોસેટના લગ્નની રાત એ જ તારીખે દર્શાવવામાં આવી હતી.
અંતે 1870માં હ્યુગો અને જ્યુલિયટ રાષ્ટ્રીય નાયકો તરીકે વતન ફ્રાન્સ પરત ફર્યા. તેઅગાઉ 1868માં હ્યુગોની પત્ની અવસાન પામ્યાં. જીવનના અંતિમ મહિનાઓમાં તેઓ જ્યુલિયટને સ્વીકારી લે છે તે સ્ત્રીને જેણે પાંત્રીસ વર્ષ તેમના પતિને બધી રીતે સાથ આપ્યો હતો. એ રીતે પહેલીવાર જ્યુલિયટને જાહેર માન્યતા મળી હતી. પણ એક મરતી મહિલાની સ્વીકૃતિને સમાજ કે પરીવારજન માને? જવાબ માત્ર સમય પાસે હતો.
વિક્ટર હ્યુગોના અંતિમ વર્ષો યાદગાર હતા. તેમના 81મા જન્મદિવસે છ કલાકની શોભાયાત્રા તેમના ઘર પાસેથી પસાર થાય છે. સન્માનમાં રસ્તાને તેમનું નામ આપવામાં આવ્યું. આ બધા સમયે જ્યુલિયટ તેમની બાજુમાં, સાથેને સાથે હતાં.
બન્ને જાણતાં નહોતાં કે આ લાંબા સમયનો સથવારો હવે છૂટવાનો હતો. 1883માં વર્ષો સુધી પેટના કેન્સરથી પીડાયા. જ્યુલિયટે સત્તોતેર વર્ષની ઉંમરે દુનિયાને, પ્રેમને અને પ્રેમીને આખરી અલવિદા કહી દીધી. હ્યુગોના પરીવારજન તેને અંતિમવિધિમાં જવા પ્રોત્સાહિત કરતા નથી. હ્યુગો તૂટી પડ્યા પણ લોકો શું કહેશે તેની ચિંતા કરતાં પરિવારે તેમને જુલિયટના અંતિમ સંસ્કારમાં ધરાર જવા જ ન દીધા!
એ પછી હ્યુગો માત્ર બે વર્ષ જીવ્યા. અનેક કાવ્યો, નાટકો ને નવલકથા લખનારા આ માણસ જુલિયટ વિહોણા સમય દરમિયાન કંઈ જ લખી શક્યા નહીં. પ્રેમિકા, સખી ને સંગીની વગર સર્જકની કલમ સાવ મૌન થઈ ગઈ.
હ્યુગોનાં મરણ પહેલાં તેમના સંતાનોને પિતાએ લખેલી એક નોંધ મળી આવી. એ તેમણે પેરિસની ઘેરાબંધી દરમિયાન લખી હતી. એ વખતે તેમને લાગ્યું હતું કે હવે કદાચ પોતે બચવાના નથી. લોહી, આંસુ અને વેદના ટપકતા હતા એ નોંધમાં: જુલિયટે ડિસેમ્બર 1851માં મારું જીવન બચાવ્યું. મારા માટે તે નિર્વાસનમાં ગઈ. તેના આત્માએ ક્યારેય મારા આત્માનો સાથ છોડ્યો નથી. જેણે મને પ્રેમ કર્યો છે, તે તેને પણ પ્રેમ કરે. જેણે મને માન આપ્યું છે, તે તેને પણ માન આપે. તે મારી વિધવા છે.
1885માં હ્યુગોનું અવસાન થયુ. વીસ લાખની મેદની અંતિમયાત્રામાં જોડાઈ હતી. તેમને ફ્રાન્સના મહાન નાયકો વચ્ચે પેન્થેઑનમાં દફનાવવામાં આવ્યા પણ જીવનભર સંભાળનારી પ્રેમિકા જુલિયટ ક્યાંય નહોતી.
50 વર્ષનો નામ વગરનો સંબંધ અને એક શાંત ઓરડામાં લખાયેલા 20,000 પત્રો અમર થઈ ગયા.
(સંપૂર્ણ)