Wed Aug 19 2026

Logo

JPSC પરીક્ષામાં ગેરરીતિ અને OMR શીટ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ થઈ, જાણો સમગ્ર વિવાદ

2026-08-08 16:18:41
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ઝારખંડમાં છેલ્લા કેટલાય દિવસથી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ મામલો પરીક્ષામાં થયેલી ગરબડી અને કૌભાંડને લઈને વધારે ઉગ્ર બન્યો છે. મહત્વની વાત એ છે કે, ઝારખંડ લોક સેવા આયોગની 2025ની સિવિલ સર્વિસની પરીક્ષમાં જે ગેરરીતિ થઈ તેનો કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સામાજિક કાર્યકર્તા હરિશરણ દેવગણે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે, જેમાં CBI અથવા સ્વતંત્ર તપાસ સમિતિ દ્વારા પરીક્ષાની તપાસની માંગ કરવામાં આવી છે. ચાલો જાણીએ સમગ્ર કેસ....

આ જાહેર હિતની અરજીમાં બંધારણના અનુચ્છેદ 32 હેઠળ પરીક્ષામાં કથિત ગેરરીતિઓની નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસની માંગ કરવામાં આવી છે. આ મામલો JPSC કમ્બાઈન્ડ સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા-2025 સાથે જોડાયેલો છે. આ પરીક્ષા 19 એપ્રિલ, 2026 ના રોજ લેવામાં આવી હતી અને પ્રારંભિક પરિણામો 2 જુલાઈ, 2026 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામોની જાહેરાત પછી એવા અહેવાલો બહાર આવ્યા કે સફળ ઉમેદવારની OMR શીટની કાર્બન કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. 

આ ગેરરીતે મામલે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે?

આ મામલે એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, ઉમેદવારે પહેલા પેપરમાં 100 માંથી ફક્ત 48 પ્રશ્નોના જવાબ આપ્યા હતા, છતાં તેને પરીક્ષામાં સફળ જાહેર કરવામાં આવ્યો હતો. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ મામલે જે સવાલો અને આક્ષેપો થઈ રહ્યાં છે તે પછી જેપીએસસીએ જાતે જ કહ્યું કે, સીઆઈડી તપાસ કરી રહી છે. JPSC એ સફળ ઉમેદવારોને તેમના પેપર-1 અને પેપર-2 ની OMR કાર્બન કોપી સબમિટ કરવા પણ કહ્યું હતું. આ હેતુ માટે 30 જુલાઈથી 5 ઓગસ્ટ, 2026 સુધીનો સમયગાળો ફાળવવામાં આવ્યો હતો.

ઝારખંડમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ક્યાં સુધી પહોંચ્યું?

મહત્વની વાત એ છે કે, રાંચીમાં પરીક્ષામાં કથિત ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. 25 જુલાઈ, 2026 ના રોજ બાપુ વાટિકાથી વિરોધ શરૂ થયો હતો, ત્યારબાદ પ્રદર્શનકારીઓ જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે એકઠા થયા હતા. તેઓ પરીક્ષાની સ્વતંત્ર તપાસ અને ભરતી પ્રક્રિયામાં ફેરફારની માંગ કરી રહ્યા છે. દરમિયાન, ભૂખ હડતાળ પર રહેલા એક વિદ્યાર્થીની તબિયત નોંધપાત્ર રીતે બગડી ગઈ હોવાથી તેને સદર હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે આ મામસે સુપ્રીમ કોર્ટ દ્વારા કેવો ચુકાદો આપવામાં આવે છે તે જોવાનું રહેશે!