Mon Aug 24 2026

Logo

જૉ રૂટનો નંબર `66' સાથે ગજબનો સંયોગ

Leeds   2026-08-21 16:22:00
Author: Ajay Motiwala
જૉ રૂટનો નંબર `66' સાથે ગજબનો સંયોગ

લીડ્સઃ ઇંગ્લૅન્ડના સિનિયર-મોસ્ટ અને ટોચના બૅટ્સમૅન જૉ રૂટને ટેસ્ટ ટીમની કૅપ્ટન્સી ફરી મળી એ તેને ખૂબ ફળી હોય એવું લાગે છે, કારણકે તેણે ગુરુવારે સચિન તેન્ડુલકરના 68 ટેસ્ટ-હાફ સેન્ચુરીના વિશ્વવિક્રમની બરાબરી કરી હતી અને બીજી ખાસ વાત એ છે કે તેના માટે `66' નંબર સોશ્યલ મીડિયામાં ફેમસ થઈ ગયો છે.

વાત એવી છે કે સચિને 68 ટેસ્ટ-ફિફ્ટી 200 ટેસ્ટમાં બનાવ્યા હતા, જ્યારે 35 વર્ષીય જૉ રૂટ (Joe Root) અહીં કરીઅરની 163મી ટેસ્ટ રમી રહ્યો છે જેમાં તેણે 112 બૉલમાં 10 ચોગ્ગાથી બનાવેલા 66 રનના પોતાના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. તેને પાકિસ્તાનના પેસ બોલર ખુર્રમ શાહઝાદના બૉલમાં એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો.

આપણે અહીં ખાસ તો જૉ રૂટના `66' નંબરની જ વાત કરવી છે. ટેસ્ટમાં તે 66 (67) નંબરની જર્સીમાં જોવા મળે છે. ટેસ્ટના કૅપ્ટન તરીકે તેની આ 66મી મૅચ છે અને તે ગુરુવારે 66 રનના સ્કોર પર આઉટ થયો હતો. ખાસ ઉલ્લેખ કરવાનો કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં જૉ રૂટનો સ્ટ્રાઇક-રેટ 66.66 છે. વન-ડે ક્રિકેટમાં તેના હાઇએસ્ટ રનનો આંકડો 100-66=166 છે. તે જુલાઈ, 2014માં સધમ્પ્ટનમાં ભારત સામેની ટેસ્ટના બીજા દાવમાં 66 રનના પોતાના સ્કોર પર ઇશાંત શર્માના બૉલમાં સ્ટુઅર્ટ બિન્નીના હાથમાં કૅચઆઉટ થયો હતો.

જૉ રૂટે બીજી એક સિદ્ધિ પણ મેળવી છે. તે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં 3,000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી છે. તેને આ સિદ્ધિ સુધી પહોંચવા માત્ર 42 રનની જરૂર હતી જે તેણે ગુરુવારે બનાવી લીધા હતા. જૂન, 2026માં બેન સ્ટૉક્સે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી એને પગલે જૉ રૂટને ફરી ટેસ્ટનું સુકાન સોંપાયું છે.