Sun Oct 11 2026

Logo

જે થાય છે એ સારા માટે જ થાય છે

2026-10-11 08:16:00
Author: Aashu Patel
જે થાય છે એ સારા માટે જ થાય છે

 

 

 

સુખનો પાસવર્ડ - આશુ પટેલ

 

ઓશો 

 

થોડા દિવસ પહેલાં એક પરિચિત મળી ગયા. તેમણે હૈયાવરાળ ઠાલવતાં કહ્યું કે ‘મેં મારા એક ગાઢ મિત્ર સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો, પણ છ જ મહિનામાં મને ખબર પડી ગઈ કે તે મારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે. મેં તેના વિશ્ર્વાસે ઑફિસ પણ ખરીદી હતી એ ઑફિસ અમારા બંનેની સહિયારી હતી અને એ માટે અમે બંનેએ બૅન્કમાંથી લોન લીધી હતી. અમે અડધા-અડધા હપ્તા ભરીશું એવું નક્કી થયું હતું. હવે તે હપ્તા ભરતો નથી એટલે હપ્તાના બધા પૈસા મારે જ ભરવા પડે છે. અમે જે સામાન ખરીદ્યો હતો તેના પૈસા પણ તે કાઢતો નથી એટલે અમે સામાન ઉધાર લીધો છે એના પૈસા પણ મારે જ ચૂકવવા પડે છે. મેં તેને કહ્યું કે ‘આપણે જે રોકાણ કર્યું છે એમાં વધુ પૈસા મારા ગયા છે અને મારા પરિચિત વેપારીઓ પાસેથી મેં સામાન લીધો છે એમને સમયસર પૈસા ન ભરીએ તો મારું નામ ખરાબ થશે.’ તો તેણે નફ્ફટ થઈને કહી દીધું કે ‘એ તારો પ્રૉબ્લેમ છે.’

 

તે પરિચિતે આગળ કહ્યું કે ‘મને આર્થિક ફટકા કરતાં  વધુ આઘાત એ લાગ્યો છે કે આટલી નજીકની વ્યક્તિ આટલી હદ સુધી વિશ્ર્વાાસઘાત કઈ રીતે કરી શકે?’

 

મેં તેમને કહ્યું કે ‘જે થાય એ સારા માટે જ થતું હોય છે એટલે તમે આને એક અનુભવ ગણીને આગળ વધી જાવ.’

 

‘અરે, આમાં મને લાખો રૂપિયાનું નુકસાન ગયું અને આટલા જૂના સંબંધમાં કડવાશ આવી ગઈ એમાં સારું શું થયું?’

 

મેં તેમને કહ્યું કે ‘તમે ઈશ્ર્વરમાં શ્રદ્ધા રાખો છો તો તમારે એવી શ્રદ્ધા પણ રાખવી જોઈએ કે જે થાય છે એ સારા માટે જ થાય છે. વિચારો કે તમે આ ધંધામાં હજી આગળ વધ્યા હોત અને લાખોને બદલે કરોડોમાં રોકાણ કર્યું હોત અને પછી તેણે તમારી સાથે આવો વર્તાવ કર્યો હોત તો તમને મોટો ફટકો પડ્યો હોત. એટલે જે થયું છે એ સારા માટે જ થયું છે. તમને ધંધાની શરૂઆતમાં જ તમારા મિત્રની દાનત વિશે ખબર પડી ગઈ છે એટલે તમે હવે કોઈની પણ સાથે ભાગીદારી કરશો તો વિચારીને કરશો. તમને આમાં આર્થિક રીતે ફટકો પડ્યો છે, પણ જિંદગીની રીતે તમને નફો થયો છે કે આવો ખોટો માણસ તમારી જિંદગીમાંથી વિદાય લઈ રહ્યો છે.’

 

એ પછી મેં તેમને ઓશોએ કહેલી એક વાત કરી. 

 

ઓશો કહી ગયા છે કે ‘જે થાય છે એ સારા માટે જ થાય છે.’ આ શબ્દને લોકો સાંભળે છે, દોહરાવે છે, બીજાને સમજાવે છે, પણ ઘણા ઓછા લોકો આને જીવનમાં અમલમાં મૂકે છે, કારણ કે જીવન મનની ઇચ્છા અનુસાર ચાલે છે ત્યારે વિશ્ર્વાાસ કરવો સરળ હોય છે. જ્યારે બધું સારું થઈ રહ્યું હોય, જ્યારે બધા લોકો સાથે હોય, જ્યારે રસ્તાઓ ખુલ્લા હોય, જ્યારે મનગમતી વસ્તુઓ મળી રહી હોય, ત્યારે બધા કહી શકે છે કે ‘જે થાય છે એ સારા માટે જ થાય છે.’ પણ અસલી પરીક્ષા ત્યારે આવે છે જ્યારે જીવન તમારી ઇચ્છાની વિરુદ્ધ ચાલે છે. જેને તમે પોતાના માણસો માન્યા હોય એ જ દૂર ચાલી જાય, જ્યારે જે રસ્તા પર ભરોસો કર્યો એ જ રસ્તો બંધ થઈ જાય, જ્યારે જે સપનાંઓને વર્ષોથી જોયા હોય એ તૂટીને વિખરાઈ જાય ત્યારે એ કહેવું મુશ્કેલ છે કે ’જે થાય છે એ સારા માટે જ થાય છે.’ પણ હું તમને કહું છું કે સત્ય એ જ છે જે મશ્કેલ સમયમાં પણ સત્ય બની રહે. સુખના સમયનો વિશ્ર્વાાસ કોઈ વ્યક્તિ નહીં, દુ:ખના સમયનો વિશ્ર્વાાસ જ સાચો વિશ્ર્વાાસ છે. મનુષ્યની સૌથી મોટી ભૂલ એ છે કે તે નજર સામે બની રહેલી ઘટનાને જ પૂરું સત્ય માને છે. જીવન બહુ વિશાળ છે અને તમારી દૃષ્ટિ બહુ ટૂંકી. તમે એક ક્ષણ જુઓ છો, અસ્તિત્વ પૂરી યાત્રા જુએ છે. તમે એક જગ્યાએ ઊભા રહીને નિર્ણય લઈ લો છો કે બધું ખતમ થઈ ગયું, પણ જીવન જાણે છે કે આ તો માત્ર દિશા બદલવાનો સમય છે. તમે કહો છો કે મારુંં નુકસાન થઈ ગયું. જીવન હસે છે અને કહે છે કે તમે બચાવી લેવામાં આવ્યા છો. તમે કહો છો બધું છીનવાઈ ગયું. જીવન કહે છે કે જે ખોટું હતું એ જ છીનવી લીધું છે. તમે કહો છો કે હું એકલો રહી ગયો, જીવન કહે છે કે હવે પહેલી વખત તું સ્વયંને મળીશ. જે જતું રહ્યું સંભવ છે કે એનું જવું જરૂરી હતું. જે નથી મળ્યું, સંભવ છે કે એ તમારા માટે બન્યું જ નહોતું. જે તૂટી ગયું એનાં મૂળ જ નબળાં હતાં. જે થંભી ગયું છે સંભવ છે કે એ રસ્તો તમને ક્યાંક ખોટા રસ્તે લઈ જઈ રહ્યો હતો. ’ 

 

ઓશો ઉમેરે છે : 

 

‘મન તરત નથી સમજતું. મન અધીર છે. મન હજી ઇચ્છે છે. મન તાત્કાલિક પરિણામ ઇચ્છે છે. મન પ્રતિક્ષા નથી જાણતું. એટલે એ રડે છે, ફરિયાદ કરે છે, પ્રશ્ર્ન કરે છે. અને જીવન પ્રતિક્ષામાં ઊભું રહે છે કે ક્યારે તમે થોડા શાંત થાઓ જેથી તે તમને તમારું રહસ્ય બતાવી શકે. જ્યારે તમારી કોઈ ઇચ્છાની વિરુદ્ધ બને તરત નિર્ણય ન કરતા કે ખરાબ થયું છે. થોડો સમય આપો. સમય એ કરે છે જે કોઈ નથી કરી શકતું. સમય પરદો હટાવે છે. આજે જે ઘટના તમને દુ:ખ આપી રહી છે એ જ કેટલાક વર્ષો બાદ તમારા માટે મોટી શીખ બની શકે છે. આજે જે દરવાજા બંધ થયા છે, એ જ તમને એ દરવાજા સુધી લઈ જશે જેની પાછળ તમારી સાચી દિશા છુપાઈ હતી. આજે જે વ્યક્તિ દૂર થઈ છે એ જ તમને આત્મનિર્ભર બનાવી શકે છે. આજે જે અસફળતા મળી છે એ જ તમારી અંદર આગ જગાડી શકે છે જે સફળતા ક્યારેય જગાડી નથી શક્તી.’

 

ઓશોની વાત અહીં પૂરી થઈ, પણ સાર એ છે કે ઈશ્વરમાં શ્રદ્ધા સાથે જીવતા હોઈએ ત્યારે એ શ્રદ્ધા પણ રાખવી જોઈએ કે જે થયું એ સારા માટે થયું, જે થાય છે એ સારા માટે જ થાય છે અને જે થશે એ સારા માટે જ થશે.