સર્જકના સથવારે - રમેશ પુરોહિત
જવાહર બક્ષી
ગતાંકથી શરૂ
કવિ જવાહર બક્ષીની ગઝલયાત્રાના પહેલા પડાવ સમા એમનાં વિવિધ પાસાંઓની આપણે ઓળખાણ કરી. હવે આપણે આ ગઝલકારની પ્રાથમિક પહેચાન પછી એમના સત્ત્વ અને તત્ત્વને ઉજાગર કરતી અને અદ્વૈતના અને વેદાંતના સીમાડાઓ સુધી વિસ્તરતી સર્જનયાત્રાની ગોઠડી આગળ વધારીએ.
બક્ષીની રચનાઓ પાછળ રહેલી અસ્તિત્વમીમાંસા, ભારતીય અધ્યાત્મ પરંપરા, આધુનિક માનવની મનોવ્યથા અને ગઝલના સ્વરૂપ અંગેની સર્જનાત્મક સભાનતા સમજવી જરૂરી છે.
કવિના પ્રથમ ગઝલ સંગ્રહ ‘તારાપણાના શહેરમાં’થી પસાર થતાં લાગે છે કે તેમની ગઝલોમાં પ્રેમવિરહ, આધ્યાત્મિકતા, આધુનિકતા ને પ્રયોગશીલતાના સમન્વયની નોંધ લેવી જરૂરી છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ સંગ્રહ માટે કવિએ લગભગ 850 ગઝલોમાંથી 108 ગઝલો પસંદ કરી હતી. હવે આપણે કેટલીક રચનાઓને આધારે કવિના કાવ્યવિશ્ર્વને સમજવાનો પ્રયત્ન કરીશું.
‘ટોળાની શૂન્યતા છું’
આ અસ્તિત્વની ઓળખનો પ્રશ્ન છે. આ ગઝલ અસ્તિત્વવાદી ગઝલ છે. તેનો કેન્દ્રીય શેર છે:
ટોળાંની શૂન્યતા છું, જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી
કવિ કહે છે કે હું ટોળાનો એક ભાગ બની ગયો છું. મારી પોતાની કોઈ સ્વતંત્ર ઓળખ રહી નથી, પરંતુ બીજી જ ક્ષણે તેઓ કહે છે કે હું મારા જીવનનો મર્મ છું, હું છું પણ ખરો અને નથી પણ. આ વિરોધાભાસ જ આ શેરનું સૌન્દર્ય છે.
‘ટોળું’નું પ્રતીકાત્મક અર્થઘટન છે: ટોળું એટલે અનેક વ્યક્તિઓનો સમૂહ. પરંતુ ટોળામાં વ્યક્તિ પોતાની સ્વતંત્ર વિચારશક્તિ ગુમાવી શકે છે. ટોળામાં વ્યક્તિ હોય છે, પરંતુ તેની વ્યક્તિગત ઓળખ ઘણી વાર હોતી નથી.
આધુનિક સમાજમાં માણસ પાસે મોબાઈલ છે, વાહન છે, ઘર છે, વ્યવસાય છે, સામાજિક ઓળખ છે, છતાં પોતાની જાતને ઓળખવાનો સમય નથી. બક્ષી આ સામાજિક પરિસ્થિતિને ‘ટોળાંની શૂન્યતા’ પ્રતીકથી વ્યક્ત કરે છે. ‘હું છું ને હું નથી.’ તત્ત્વચિંતનની દૃષ્ટિએ આમાં અદ્વૈતવાદનો સંકેત વાંચી શકાય છે. અહીં ‘હું’ના બે અર્થ છે. જેમ કે વ્યવહારિક હું - નામ, રૂપ, સંબંધ અને શરીરથી ઓળખાતો માણસ. આધ્યાત્મિક ‘હું’ જે તમામ ઓળખથી પર છે. આમ અસ્તિત્વવાદ, અદ્વૈત અને આત્મશોધ વચ્ચે રસપ્રદ સંવાદ રચાય છે.
આમાં આધુનિક માનવીની મનોવ્યથા છે. હજારો લોકો સાથે જોડાયેલો માણસ પોતાની જાતથી વિખૂટો પડી શકે છે. આમાં કવિનો પ્રશ્ન છે કે માણસની સાચી ઓળખ તેની સામાજિક હાજરીમાં છે કે આંતરિક ચેતનામાં?
આપણે ટાંકેલા શેરમાં ‘શૂન્યતા’ અને ‘મર્મ’ સામસામે આવે છે. બન્ને વચ્ચેની તાણ જ કાવ્યાત્મક ઊર્જા પેદા કરે છે. આ ગઝલ જવાહર બક્ષીને આધુનિક ગુજરાતી ગઝલના અસ્તિત્વચિંતક સર્જક તરીકે સમજવામાં મદદ કરે છે.
ભજન-ગઝલ: પરપોટામાં કેદ પવન એ સ્વરૂપ પ્રયોગ અને અધ્યાત્મનું સાયુજ્ય સાધે છે.
એવો તે કંઈ ઘાટ જીવનને દીધો જી,
પરપોટામાં કેદ પવનને કીધો જી.
અહીં પરપોટો શરીરનું પ્રતીક છે અને પવન પ્રાણતત્ત્વનું પ્રતીક છે. શરીર ક્ષણ ભંગુર છે, જ્યારે પ્રાણ કે ચેતનાનો અનુભવ વધુ વ્યાપક છે. કવિ જાણે પૂછે છે કે અનંત ગતિ ધરાવતા પવનને આટલા નાના પરપોટામાં કેવી રીતે કેદ કરી શકાય? આ આમ માનવજીવનનું પણ રહસ્ય છે. અનંત ચેતના મર્યાદિત શરીરમાં કેવી રીતે વ્યક્ત થાય છે?
આમાં સમાયેલી છે જીવનની વિસંગતિ. પરપોટો નાજુક છે, પવન ગતિશીલ છે. એકનું અસ્તિત્વ બીજા પર આધારિત છે, છતાં બંનેની પ્રકૃતિ અલગ છે. આ વિરોધાભાસમાંથી જીવનની રહસ્યમયતા પ્રગટે છે.
આ રચનાનું સ્વરૂપ નોખું છે. કવિએ ગઝલના સૂફી રંગમાં ભજનના ભગવા રંગને એક સાથે ઘૂંટ્યો છે. આમ આ રચનાને ‘ભજન-ગઝલ’ તરીકે ઓળખવામાં આવી છે. તેમાં ભજનની ભાવાત્મક લય અને ગઝલના કાફિયાની રચના એકબીજા સાથે ગૂંથાય છે. ‘જી’નો અંત્યાનુપ્રાસ લોકગીત અને ભજનની યાદ અપાવે છે. આ સાથે જીવન, પવન, નયન, સ્વપ્ન જેવા એક કાફિયાના શબ્દો અને દીધો, કીધો, પીધો જેવા બીજા કાફિયાના શબ્દોનું સંયોજન રચનાને વિશિષ્ટ સંગીતાત્મકતા આપે છે.
આ ગઝલના આખરી શેરનો આધ્યાત્મિક સંકેત સમજવા જેવો છે. પરપોટાની બહાર પવનને પીવાની કલ્પના મર્યાદિત અસ્તિત્વમાંથી મુક્તિનો ઈશારો કરે છે. અહીં ‘પીધો’ માત્ર ભૌતિક ક્રિયા નહીં, પરંતુ ચેતનાની સાથે એકરૂપ થવું. આ રચના દ્વારા બક્ષી ગુજરાતી ગઝલને ભક્તિ પરંપરાની ભાવસંપત્તિ સાથે જોડે છે. મહત્ત્વની ખૂબી એ છે કે કવિ ગઝલના મૂળ સ્વરૂપને હાનિ પહોંચાડ્યા વગર તેમાં ભજનની આત્મીયતા ઉમેરે છે. આ જ છે બક્ષીનું નોંધપાત્ર પ્રદાન.
જવાહરનો ઉદય થયો ત્યારે ગઝલના આકાશમાં સપ્તર્ષિ સમા સબળ શાયરો સર્જનમાં ગતિ કરી રહ્યા હતા ત્યારે પ્રભાતમાં ટશરો ફૂટતા લાલ-ગુલાબી કિરણો સમા નવીન-આકાશના તેજસ્વી તારલાઓ નવી ગઝલના મંડાણ માંડી રહ્યા હતા. આ હતા ચિનુ મોદી, મનહર મોદી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુકલ વગેરે. આ વખતે એ બે પ્રકારના સર્જકોની વચ્ચે નવી જ તરાહ અને નવા જ ઉન્મેષ લઈને આવેલા ગઝલકાર છે જવાહર બક્ષી.
એમની અનેક વિશેષતાઓમાં એક મહત્ત્વનો માઈલ સ્ટોન છે પ્રોપિતભતૃકા ગઝલ. ‘તારા જવાનું’માં વિરહનું વિશ્ર્વરૂપે દર્શન છે. આ પ્રેમ ગઝલ લોકપ્રિય લહેકામાં સોળે કળાએ ખીલી ઊઠે છે. આ ગઝલનો મત્લા છે:
તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ
આમાં થાય છે દૃશ્ય અને અદૃશ્યનો સમન્વય. પ્રિયજનના જવાની યાદ આવતાં આખમાં આકાશ ટોળે વળે છે. કેવી નાજુક કલ્પના કવિએ કરી છે! સામાન્ય રીતે આંખમાં આંસુ આવે, સ્મરણ થાય અને વ્યથા ઘેરી વળે, દુ:ખ ઊભરાય પરંતુ બક્ષી આંખમાં આખું આકાશ ઉતારી દે છે. અહીં વ્યક્તિગત વિરહનું રૂપાંતર વિશ્ર્વવ્યાપી વિરહમાં થાય છે.
પહેલાં આકાશના પ્રતીકની વાત કરીએ આકાશ એટલે: અનંતતા, વ્યાપકતા, વિરાટતા, શૂન્યતા અને અપરિમિત સંવેદના. પ્રિયજનની ગેરહાજરીથી આંખ હીણી થતી નથી, તેમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે. બીજા શેર આ પ્રમાણે છે.
જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં
વડવાઈ થઈને ઝૂલી રહ્યો હવે રે લોલ
કોલ સાધારણ રીતે આપવામાં આવે છે પણ કવિ અહીં રોપે છે. વટનો કોલરૂપી છોડ રોપ્યો હતો જેને આજે વડવાઈ આવી ગઈ છે એટલે સમય સારો એવો પસાર થઈ ગયો છે. પ્રિયજનના આવવાનો જે વાયદો હતો તે હવે વડવાઈ બનીને ઝૂલે છે. અહીં એક વચનનું વૃક્ષ બની જવું એ અદ્ભુત રૂપાંતર છે. વચન હવે સ્મૃતિમાં જીવંત છે, પણ તેની સાથે ગેરહાજરીનું દુ:ખ પણ જોડાયેલું છે.
આ ગઝલમાં, ત્રીજા શેરમાં કવિએ એકલતાનું માનવીકરણ કર્યું છે. ‘એકલતા રસ્તો થઈ મને સામી મળે’ - આ કલ્પનામાં એકલતાને જાણે જીવંત વ્યક્તિ બનાવી દેવામાં આવી છે. માણસ સ્મરણના રસ્તે ચાલે છે, પરંતુ રસ્તામાં પ્રિયજનને બદલે એકલતા મળે છે. આ વિરહની મનોવૈજ્ઞાનિક સત્યતા છે.
‘રે લોલ’નો પ્રયોગ આ રચનાને ગુજરાતી લોકગીત અને ગરબાની ભાવભૂમિ સાથે જોડે છે. આમાં લોકલયમાં આધુનિક મનુષ્યની અંગત વેદના વ્યક્ત થાય છે.
જવાહર બક્ષી પરંપરાગત લોકલયને આધુનિક વિરહની અભિવ્યક્તિમાં ફેરવે છે. આ રચના તેમની ભાષાકીય અને ભાવાત્મક સર્જકતાનો સુંદર નમૂનો છે.
‘ભીનાશ’: પ્રેમની ઉપસ્થિતિ અને ગેરહાજરીનું મનોવિજ્ઞાનની વાત લઈને આવતી ગઝલનો શેર જુઓ:
તું પાસ હોય એવી રીતે ગાઉં છું ગઝલ
તું ક્યાંક પાસ આવી મને સાંભળી ન જાય.
આમાં પ્રેમની અનોખી સ્થિતિ છે. આ શેરમાં પ્રેમી પ્રિયતમાની ગેરહાજરીમાં તેની હાજરીનો અનુભવ કરે છે. તે ગઝલ ગાય છે, જાણે પ્રિયતમ સામે જ બેઠો હોય.
જો કે એજ સમયે એક ભય પણ છે, ક્યાંક તે ખરેખર આવીને સાંભળી ન લે! આ પ્રેમની અત્યંત સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. પ્રેમમાં માણસ પ્રિયજનને ઝંખે છે અને પોતાની લાગણી ખુલ્લી પડી જવાની બીક પણ અનુભવે છે.
બક્ષીની ગઝલમાં પ્રિયજનનું હોવું અને ન હોવું બંને એક સાથે અનુભવાય છે. આને ઙયિતયક્ષભય શક્ષ અબતયક્ષભય કહી શકાય. અર્થાત્ ગેરહાજરીમાં હાજરીનો અનુભવ. આધુનિક મનોવિજ્ઞાનમાં સ્મૃતિ, કલ્પના અને ભાવનાત્મક આસક્તિના સંદર્ભે આનો અભ્યાસ કરી શકાય. આમાં આંતરવિરોધ પણ છે. પ્રેમી ઈચ્છે છે કે પ્રિયજન આવે, પણ પોતાની લાગણીનો સાક્ષી ન બને. આ વિરોધાભાસ ગઝલને ઊંડાણ આપે છે.
બક્ષી પ્રેમની સીધી અભિવ્યક્તિ કરતાં તેની આંતરિક હલચલને વધુ મહત્ત્વ આપે છે. તેમની પ્રેમગઝલમાં મૌન પણ એક ભાષા બની જાય છે.
શૂન્યનો દૃષ્ટા શીર્ષકવાળી ગઝલમાં
શબ્દ અને સત્ય વચ્ચેનું અંતર નિરૂપવામાં આવ્યું છે.
કોણ અહીંયા સત્યવક્તા હોય છે
બોલવું પોતે જ મિથ્યા હોય છે.
એ ખરું કે શબ્દ ખોટા હોય છે
વાત જેની કહું છું સાચા હોય છે.
અહીં કવિ એક અત્યંત મહત્ત્વના પ્રશ્ન ઉઠાવે છે કે શું શબ્દો સત્યને સંપૂર્ણ રીતે વ્યક્ત કરી શકે? આપણે કોઈ અનુભૂતિને શબ્દોમાં મૂકીએ છીએ ત્યારે એ અનુભૂતિનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે છે ખરું?
ઉદાહરણ તરીકે પ્રેમનો અનુભવ દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. પરંતુ ‘પ્રેમ’ શબ્દ એક જ છે. શબ્દ સમાન છે, અનુભવ અસમાન છે. આ છે ભાષાની મર્યાદા. બક્ષી શબ્દને નકારતા નથી, પરંતુ શબ્દની મર્યાદા સમજાવે છે. આથી એમની ગઝલમાં મૌનનું પણ વિશેષ સ્થાન છે. ક્યારેક જે કહી શકાતું નથી તે જ સૌથી વધુ અનુભવી શકાય છે. આ ગઝલમાં કવિ કહે છે કે સ્વપ્નનું સરનામું હોતું નથી આ કલ્પનામાં માનવજીવનની અનિશ્ર્ચિતતા વ્યક્ત થાય છે.
માણસ સતત કોઈ લક્ષ્ય તરફ દોડે છે, પરંતુ લક્ષ્યની ખાતરી નથી. આધુનિક માનવની અશાંતિનું આ સુંદર પ્રતીક છે.
‘ઘર’ અને ‘શહેર’ના પ્રતીકની વાત કરતો શેર જોઈએ:
એક ઘર મનમાંથી ખાલી થાય.... ને
શ્હેર આખું સૂનકારા હોય છે.
એક ઘર મનમાંથી ખાલી થાય અને આખું શહેર સૂનું બની જાય. આ કલ્પના વ્યક્તિગત સંબંધની સામાજિક વ્યાપકતા દર્શાવે છે. આપણા જીવનમાં કોઈ એક વ્યક્તિનું સ્થાન એટલું મોટું હોય છે કે તેની ગેરહાજરી આખી દુનિયાનો અર્થ બદલી નાખે છે. આ ગઝલમાં ભાષા દર્શન, અસ્તિત્વની અનિશ્ર્ચિતતા અને સંબંધોની આંતરિક સંવેદના એકત્રિત થાય છે.
જવાહરની ગઝલ સમૃદ્ધિ એક એવી સંપદા છે કે તેની વાત ક્યારેય ખૂટે નહીં. હજી આપણે ‘ભગ્ન સમયની સોચ પર એને મળવાના પાયા બાંધ્યા’, ‘ઉપેક્ષામાં...’ પરપોટા થઈ તરે છે બધે તારી હાજરી’ વગેરે ગઝલોના અકળ-વિકળ આટાપાટાની રેશમી ગાંઠો છોડવાની છે. થોડાક અમર શેરોની વરમાળા કવિના ગળામાં આરોપવાની બાકી છે એટલે આવતા સપ્તાહે જવાહર બક્ષીના સાત રંગના સરનામા સમા ગઝલ ગુલઝારમાંથી બાકીના રંગોની રંગત માણીશું.
- ક્રમશ: