બેંગ્લૂરુઃ સામાન્ય રીતે સ્પિનરને ભાગ્યે જ સ્નાયુઓ ખેંચાઈ જવા જેવી ઈજા ભાગ્યે જ થતી હોય છે, પરંતુ ફાસ્ટ બોલરને આવા પ્રકારની ઈજા કરીઅર દરમ્યાન વારંવાર સતાવે છે અને હર્ષિત રાણા (Harshit Rana) સાથે આવું જ બન્યું જેમાં તે અફઘાનિસ્તાન સામેની આગામી ટી-20 સિરીઝ તેમ જ ત્યાર પછીની એશિયન ગેમ્સ માટે માંડ માંડ ફિટનેસ મેળવી રહ્યો હતો ત્યાં તેને નવી ઈજા થઈ છે.
એક ગુડ ન્યૂઝ એ છે કે જસપ્રીત બુમરાહ (Bumrah) અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણી માટે તેમ જ 19મી સપ્ટેમ્બરે શરૂ થનારી એશિયન ગેમ્સ (Asian Games) માટે હવે ફિટ છે. બેંગ્લૂરુ-સ્થિત બીસીસીઆઇના સેન્ટર ઑફ એક્સેલન્સ (સીઓઇ)એ તેને ઘૂંટણની ઈજામાંથી મુક્ત જાહેર કર્યો છે. તે છેલ્લે જુલાઈમાં ઇંગ્લૅન્ડ સામેની વન-ડે શ્રેણીમાં રમ્યો હતો. તેને એશિયન ગેમ્સમાં રમવા માટે પણ સજ્જ જાહેર કરવામાં આવ્યો છે.
જોકે હર્ષિત રાણાની તકલીફ દૂર થવાને બદલે વધી ગઈ છે. તે ઘણા મહિનાઓથી સાથળના પાછળના ભાગના સ્નાયુઓ ખેંચાઈ જવા બદલ સારવાર લઈ રહ્યો હતો. જોકે રિહૅબિલિટેશન દરમ્યાન સાતમી સપ્ટેમ્બરની પ્રૅક્ટિસ મૅચમાં બોલિંગ કરતી વખતે તેને સાથળમાં નવી જગ્યાએ ઈજા થઈ હતી. તેની સાથળના આગળના ભાગના સ્નાયુઓ ખેંચાઈ જતાં અફઘાનિસ્તાન સામે અને એશિયન ગેમ્સમાં તેના રમવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
હર્ષિતના સ્થાને યશ ઠાકુર રમશે
અફઘાનિસ્તાન સામેની ત્રણેય ટી-20 દિલ્હીમાં રમાશે. ત્યાર બાદ એશિયન ગેમ્સ જાપાનના આઇચી-નાગોયામાં યોજાશે. એશિયન ગેમ્સમાં ભારતની મેન્સ અને વિમેન્સ, બન્ને ટીમ ટી-20 ટૂર્નામેન્ટ રમશે. શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં ભારતીય મેન્સ ટીમની એશિયન ગેમ્સની પ્રથમ મૅચ છેક 28મી સપ્ટેમ્બરે રમાશે, પણ એ પહેલાં 13, 15 અને 17મી સપ્ટેમ્બરે ભારતીયો અફઘાનિસ્તાન સામે ટી-20 મૅચ રમશે અને એ માટેની ટીમમાં હર્ષિત રાણાના સ્થાને પેસ બોલર યશ ઠાકુરને સામેલ કરવામાં આવ્યો છે. યશ ઠાકુરે જુલાઈમાં અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં ટી-20માં ડેબ્યૂ કર્યું હતું.
નીતીશ, વૉશિંગ્ટનને પણ લીલી ઝંડી
ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી અને વૉશિંગ્ટન સુંદર પણ ઈજા બદલ સીઓઇમાં સારવાર લઈ રહ્યા હતા અને સીઓઇ તરફથી તેમને પણ અફઘાનિસ્તાન સામે અને એશિયન ગેમ્સમાં રમવા માટે ફિટ જાહેર કરી દેવામાં આવ્યા છે.
ભારતની ટી-20 ટીમઃ
શ્રેયસ ઐયર (કૅપ્ટન), તિલક વર્મા (વાઇસ-કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને યશ ઠાકુર.