છત્રપતિ સંભાજીનગર: જળગાંવમાં એક સંરક્ષિત સ્મારકના પરિસરમાં ફિલ્મ રીલ માટે મશાલ પ્રગટાવવા અને જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરવા બદલ પાંચ અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. વીડિયોમાં પાંચથી છ અજાણી વ્યક્તિ પટણાદેવી ખાતે મહેશ્ર્વર મંદિરની અંદર શૂટિંગ કરતા નજરે પડે છે. ગયા વર્ષે ડિસેમ્બરના અંતમાં અપલોડ કરાયેલી ક્લિપ્સમાં એક મહિલા ‘શિવલિંગ’ પાસે વિધિ કરતી, જ્યારે ચહેરો ઢાંકેલા અન્ય લોકો મંદિરના ઘંટ વગાડવા જોવા મળે છે.
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ના અધિકારીએ કહ્યું હતું કે પડદા પાછળના વીડિયોમાં (રીલ બનાવવા) એક જૂથ પાઇપો સાથે કાપડ બાંધીને ગર્ભગૃહ સહિત મંદિર પરિસરમાં ચારથી પાંચ મશાલ સળગાવવા માટે જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરતું દેખાય છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એએસઆઇના સ્ટાફે જ્યારે સ્મારકનું નિરીક્ષણ કર્યું ત્યારે મંદિરમાં અને થાંભલાઓ પર કાળા ડાઘ (ધુમાડાને કારણે) મળી આવ્યા હતા. દરમિયાન એએસઆઇના કર્મચારીએ આ પ્રકરણે ફરિયાદ નોધાવી હતી, જેને આધારે ચાલીસગાંવ ગ્રામીણ પોલીસે 17 ફેબ્રુઆરીએ પાંચ અજાણી વ્યક્તિ વિરુદ્ધ સ્મારકને નુકસાન પહોંચાડવાના આરોપસર ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)