વોશિંગ્ટન ડીસીઃ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલાનો ચોથો દિવસ છે. અમેરિકાએ આને ઓપરેશન એપિક ફ્યૂરી અને ઈઝરાયલે ઓપરેશન લાયંસ રોર નામ આપ્યું છે. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈનું પણ મોત થયું છે. ઉપરાંત IRGCના અનેક ટોપ કમાન્ડર અને ડિફેન્સ મિનિસ્ટર પણ માર્યા ગયા છે.
આ દરમિયાન અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રૂબિયોનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેના પરથી ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ ઉતાવળમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેની સેનાને ઈરાન પર હુમલો કરવાનો ઓર્ડર આપવા મજબૂર કર્યા હતા? તેવો સવાલ ઉભો થયો છે. જોકે નેતન્યાહૂએ આપેલા નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યા છે.
અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે અમને ખબર હતી કે ઈઝરાયલ ઈરાન પર હુમલો કરવાનું છે અને તેના જવાબમાં ઈરાન અમેરિકી સૈનિકોને નિશાન બનાવે તેવી પૂરેપૂરી શક્યતા હતી. આ બાબતે જ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને ઈઝરાયૃલની સાથે ઈરાન પર હુમલો કરવા માટે મજબૂર કરી હતી. રુબિયોએ યુનાઈટેડ સ્ટેટ્સ કેપિટલ ખાતે પત્રકારોને કહ્યું, "એ વાત બિલકુલ સ્પષ્ટ હતી કે જો ઈરાન પર કોઈ પણ હુમલો કરે — ભલે તે અમેરિકા હોય, ઈઝરાયલ હોય કે અન્ય કોઈ — તો ઈરાન વળતો જવાબ આપશે, અને તે જવાબ અમેરિકા વિરુદ્ધ પણ હશે.
તેમણે વધુમાં ઉમેર્યું, અમને ખબર હતી કે ઈઝરાયલ કોઈ કાર્યવાહી કરવાનું છે. અમને એ પણ ખબર હતી કે આનાથી અમેરિકી સૈનિકો પર હુમલો થઈ શકે છે. અને અમને ખબર હતી કે જો અમે તેમના હુમલા શરૂ કરતા પહેલા જ તેમના પર હુમલો ન કર્યો હોત, તો અમારે વધુ જાન-માલનું નુકસાન સહન કરવું પડત.
હવે નેતન્યાહુએ શું કહ્યું?
એક રિપોર્ટ અનુસાર, જ્યારે એક પત્રકારે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુને પૂછ્યું કે શું ઈઝરાયેલે આ ઈરાન સંઘર્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પને ઘસડ્યા છે, તો તેઓ હસવા લાગ્યા. નેતન્યાહુએ જવાબ આપ્યો, આ હાસ્યાસ્પદ છે. ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના સૌથી મજબૂત નેતા છે. તેઓ તે જ કરે છે જે તેમને અમેરિકા માટે યોગ્ય લાગે છે. તેમણે આગળ કહ્યું, હું યુદ્ધની કિંમત જાણું છું. પરંતુ હું એ પણ જાણું છું કે ક્યારેક આપણને નષ્ટ કરવા માંગતા લોકોથી બચાવવા માટે યુદ્ધ આવશ્યક હોય છે.