તેલઅવીવ: પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. ઇઝરાયલી સંરક્ષણ દળોએ ઇરાનમાં બેલિસ્ટિક મિસાઇલ રાખેલા અનેક સ્થળો પર હુમલો કરીને તેને તબાહ કરી દીધા છે. આ સ્થળો પર મિસાઇલ લોન્ચર અને એર ડિફેન્સ સિસ્ટમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પૂર્વે ઇઝરાયલે પૂર્વી તેહરાનમાં એક મુખ્ય ઇરાની લશ્કરી સંકુલ પર હુમલો કર્યો હતો. આ સંકુલ આઈઆરજીસી, ગુપ્તચર નિર્દેશાલય, બાસીજ, કુદ્સ ફોર્સ, આંતરિક સુરક્ષા દળો, સાયબર વોરફેર ફોર્સ અને વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે રચાયેલ આંતરિક સુરક્ષા એકમનું મુખ્ય મથક ધરાવે છે.
અમેરિકન એરફોર્સે ઇરાન પર હવાઈ હુમલાઓ ચાલુ રાખ્યા
જયારે અમેરિકન એરફોર્સે ઇરાન પર ભારે હવાઈ હુમલાઓ ચાલુ રાખ્યા છે. જેમાં યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેના દળોએ સુલેમાની-ક્લાસ યુદ્ધ જહાજ સહિત 20 થી વધુ ઇરાની જહાજોનો નાશ કર્યો છે અથવા ડૂબાડી દીધા છે. ઓપરેશન એપિક ફ્યુરી દરમિયાન અમેરિકાએ પહેલીવાર લાંબા અંતરની ચોકસાઇ સ્ટ્રાઇક મિસાઇલોનો પણ ઉપયોગ કર્યો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એવો પણ દાવો કર્યો હતો કે તેહરાનનો બેલિસ્ટિક મિસાઇલ ભંડાર ઝડપથી ઘટી રહ્યો છે.
આઈઆરજીસીએ પણ ઇઝરાયલી હેરોન ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો
આ દરમિયાન ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ મધ્ય શહેર ઇસ્ફહાન ઉપર ઉડતા ઇઝરાયલી હેરોન ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો છે, મીડિયા અહેવાલ મુજબ હેરોન ડ્રોન ઇઝરાયલનું સૌથી મોટું ડ્રોન છે અને તેને વર્ષ 2007માં કાર્યરત કરવામાં આવ્યું હતું
ઈરાનમાં મૃતકની સંખ્યા વધી 1,332 થઈ
28 ફેબ્રુઆરીથી શરુ થયેલી જંગનો આજે સાતમો દિવસ છે. જેમાં સૌથી વધુ તબાહી ઈરાનમાં થઈ છે. ઈઝરાયલ-અમેરિકાના સંયુક્ત યુદ્ધમાં ઈરાનના સુપ્રીમો આયાતુલ્લાહ અલી ખામેનેઇની હત્યા સાથે કુલ મૃતકની સંખ્યા વધીને 1,332 થઈ છે.