દોહા: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ દિવસે દિવસ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઈઝરાયલ અને અમેરિકા દ્વારા સતત ઈરાન પર હુમલો કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે ઈઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનના સૌથી મોટા ઉર્જા સંસાધનો પર કરવામાં આવેલા હુમલા બાદ સમગ્ર અખાતી દેશોમાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. આ સંઘર્ષ હવે માત્ર બે દેશો પૂરતો મર્યાદિત ન રહેતા, કતાર અને સાઉદી અરેબિયા જેવા પાડોશી દેશોને પણ પોતાની લપેટમાં લઈ રહ્યો છે. દુનિયાના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર થયેલા હુમલાએ વૈશ્વિક ઉર્જા બજારમાં પણ ફફડાટ ફેલાવી દીધો છે.
ઈઝરાયલી વાયુસેનાએ ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા 'સાઉથ પાર્સ' ગેસ ફિલ્ડ અને અસાલુયેહ શહેરની રિફાઈનરીઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલાથી ઉશ્કેરાયેલા ઈરાને કતારના રાસ લફાન ઈન્ડસ્ટ્રીયલ સિટી પર 5 બેલિસ્ટિક મિસાઈલો દાગી છે. કતાર એનર્જીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં તેમની મુખ્ય ગેસ સુવિધાને વ્યાપક નુકસાન થયું છે અને ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મિલકતને મોટું નુકસાન થયું છે.
ઈરાને માત્ર કતાર જ નહીં, પરંતુ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સાઉદી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, તેલ સુવિધાઓ તરફ આવી રહેલી ચાર બેલિસ્ટિક મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવી હતી. મિસાઈલના અવશેષો શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પડવાને કારણે ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઈરાને આ હુમલા પહેલા સાઉદી, યુએઈ અને કતારને ચેતવણી આપી હતી કે તેઓ પોતાની સુવિધાઓ ખાલી કરી દે.
પોતાના સંસાધનો પર થયેલા હુમલાથી નારાજ કતારે ઈરાન સામે કડક પગલાં લીધા છે. કતારના વિદેશ મંત્રાલયે દોહામાં સ્થિત ઈરાની દૂતાવાસના મિલિટરી અને સિક્યોરિટી એટેચી સહિતના કર્મચારીઓને 'પર્સોના નોન ગ્રાટા' (બિનજરૂરી વ્યક્તિ) જાહેર કર્યા છે. આ તમામ કર્મચારીઓને 24 કલાકની અંદર કતાર છોડી દેવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. કતારે આરોપ લગાવ્યો છે કે ઈરાન પાડોશી દેશો પર હુમલા કરીને પ્રાદેશિક સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જે 'સાઉથ પાર્સ' ગેસ ફિલ્ડ પર હુમલો થયો છે તે વિશ્વનું સૌથી મોટું કુદરતી ગેસ ફિલ્ડ માનવામાં આવે છે. આ વિસ્તાર ઈરાન અને કતાર બંને વચ્ચે વહેંચાયેલો છે. ઈરાની મીડિયાના મતે, અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત ઓપરેશનમાં અહીંના પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સને નિશાન બનાવવામાં આવ્યું છે. આ હુમલા બાદ હવે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના ભાવમાં મોટો ઉછાળો આવવાની શક્યતા સેવાઈ રહી છે.